ઉત્તર ગુજરાતના રાજકીય હબ ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નવરચિત મહેસાણા મહા નગર પાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં થઈને કુલ 800થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેના કારણે ફાઈનલ ઉમેદવારોના નામ નક્કી કરવા માટે મોવડી મંડળે ભારે મથામણ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

મહેસાણા જિલ્લાનો ચૂંટણી ચિત્ર
મહેસાણા મનપા, જિલ્લા પંચાયતની 42 બેઠકો, 10 તાલુકા પંચાયત અને 5 નગર પાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ વડનગર પાલિકાની 1 ખાલી બેઠક મળીને કુલ 467 બેઠકો પર જંગ જામશે. જિલ્લાના અંદાજે 15.88 લાખ મતદારો આગામી 26મી એપ્રિલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એકલી મહેસાણા મનપાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે, જ્યાં 1,73,477 મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ભાજપમાં દાવેદારોનો સૌથી વધુ ધસારો
ચૂંટણી લડવા માટે સૌથી વધુ ધસારો સત્તાધારી પક્ષ ભાજપમાં જોવા મળી રહ્યો છે. તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યાલયો પર કાર્યકરો અને સમર્થકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસમાં પણ જૂના જોગીઓ અને નવા ચહેરાઓ ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક બેઠક દીઠ 3 થી 4 મજબૂત દાવેદારોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
અપક્ષ ઉમેદવારો પક્ષોનું ગણિત બગાડશે?
આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે સૌથી મોટો પડકાર અપક્ષ ઉમેદવારો સાબિત થઈ શકે છે. એવી ચર્ચા છે કે સેન્સ પ્રક્રિયામાં ટિકિટ ન મળતા નારાજ થયેલા કેટલાક કાર્યકરો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી શકે છે, જે ભાજપ અને કોંગ્રેસ બંનેના જીતના સમીકરણો બગાડી શકે છે. હવે તમામની નજર પ્રદેશ મોવડી મંડળ પર ટકી છે, જે છેલ્લી ઘડીએ કોના નામ પર મહોર મારીને મેન્ડેડ આપે છે.


