ભારતીય ન્યાયતંત્રમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ પર યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ન્યાય પ્રણાલીના આધુનિકીકરણ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે.
CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે, “ટેકનોલોજી હવે માત્ર વહીવટી સરળતા માટે નથી, પરંતુ તે એક બંધારણીય સાધન છે.” આ સાધન કાયદા સમક્ષ સમાનતાના અધિકારને મજબૂત બનાવે છે અને ન્યાયની પહોંચને સામાન્ય માનવી સુધી વિસ્તારે છે.
ન્યાય પ્રણાલીનું મૂળ વચન એ છે કે વ્યક્તિના સાધનો કે સંજોગો ગમે તે હોય, તેને સમયસર અને અસરકારક ન્યાય મળવો જોઈએ.જેમ સમાજ બદલાય છે, તેમ સંસ્થાઓએ પણ બદલાવું પડશે. હાઇબ્રિડ સુનાવણી અને ઈ-ફાઇલિંગે સિસ્ટમને વધુ પ્રતિભાવશીલ બનાવી છે.CJIએ જણાવ્યું કે હવે ‘પેપરલેસ કોર્ટ’ માત્ર ભવિષ્યની વાત નથી, પરંતુ તેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. દરેક કોર્ટ એક સંકલિત ડિજિટલ યુનિટ તરીકે કામ કરે તે દિશામાં પ્રયાસો ચાલુ છે.

ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં ટેકનોલોજી દરેક સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે CJIએ માહિતી આપતા કહ્યું કે દેશભરમાં 2,331 ઈ-સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.આ કેન્દ્રો એવા લોકોને મદદ કરે છે જેમને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોય.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દૂરના વિસ્તારોના લોકો પણ કોર્ટની કાર્યવાહીમાં જોડાઈ શકે છે.ન્યાય પ્રણાલીના સુધારાની સફળતા એ વાત પરથી માપવામાં આવે છે કે નાગરિકો અને વકીલોને તેનો કેટલો અર્થપૂર્ણ લાભ મળી રહ્યો છે.\
સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી સક્રિયપણે એવો ડિજિટલ પાયો તૈયાર કરી રહી છે, જે કેસની શરૂઆતથી અંત સુધી ટેકનોલોજીને વણી લેશે. આનાથી ન્યાય વિતરણમાં પારદર્શિતા અને ઝડપ આવશે.CJI સૂર્યકાંતના નેતૃત્વમાં ભારતીય ન્યાયતંત્ર ટેકનોલોજીના માધ્યમથી ‘ન્યાય બધા માટે સુલભ’ કરવાના મિશન પર આગળ વધી રહ્યું છે. હવે ન્યાય મેળવવા માટે ભૌગોલિક અંતર કે આર્થિક સ્થિતિ અવરોધ નહીં બને.


