મહારાષ્ટ્રના નાસિકમાં તંત્ર-મંત્ર અને જ્યોતિષના નામે મહિલાઓનું શોષણ કરનાર અશોક ખરાટ ઉર્ફે ભોંદુ બાબા પર તપાસ એજન્સીઓએ પકડ મજબૂત કરી છે.
મહારાષ્ટ્રના નાસિકમાં તંત્ર-મંત્ર અને જ્યોતિષના નામે મહિલાઓનું શોષણ કરનાર અશોક ખરાટ ઉર્ફે ભોંદુ બાબા પર તપાસ એજન્સીઓએ પકડ મજબૂત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ, સેક્સ ટ્રાફિકિંગ અને બ્લેકમેઇલિંગના આરોપો હેઠળ નાસિક, પુણે અને શિરડીમાં અશોક ખરાટના 11 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
અશોક ખરાટનો કેસ દેશના સૌથી મોટા અને ભયાનક સેક્સ ટ્રાફિકિંગ અને બ્લેકમેઇલિંગ સ્કેન્ડલ્સમાંનો એક બની ગયો છે. ભોંડુ બાબા તંત્ર-મંત્રના બહાને મુશ્કેલીમાં રહેલી મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ તેમના અશ્લીલ વીડિયો બનાવી, તે વીડિયોને પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર અપલોડ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવતો હતો. અત્યાર સુધીમાં 58 થી વધુ અશ્લીલ વીડિયો ક્લિપ્સ મળી આવી છે, જે અંદાજે 170 જેટલી વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પહેલાથી જ આ કેસની તપાસ કરી રહી છે, જે અંતર્ગત અશોક ખરાટ સામે અત્યાર સુધીમાં 11 FIR દાખલ કરવામાં આવી છે. ED એ હવે આ કેસમાં આર્થિક ગેરરીતિઓની તપાસ શરૂ કરી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ખરાટની ૫૨ મિલકતો અત્યારે એજન્સીઓના નિશાના પર છે, જે બ્લેકમેઇલિંગ અને છેતરપિંડીના નાણાંથી ખરીદવામાં આવી હોવાની શંકા છે.
ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ મહિલાઓએ SIT સમક્ષ ફોન દ્વારા પોતાની આપવીતી જણાવી છે. પીડિતોનો આરોપ છે કે બાબાએ તેમની અંગત સમસ્યાઓ ઉકેલવાનું વચન આપીને તેમનું શારીરિક શોષણ કર્યું હતું. અત્યાર સુધીમાં 10 થી વધુ બળાત્કારના કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. તે મહિલાઓના ડર અને સામાજિક શરમનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી પોતાનું આ નાપાક સામ્રાજ્ય ચલાવતો રહ્યો.


