ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજી 19 એપ્રિલથી તાલાલા માર્કેટિંગ યાર્ડમાં શરૂ થશે. આ વર્ષે સિઝન લાંબી ચાલવાની અને સારા ભાવ મળવાની ખેડૂતોને આશા છે.
ગીરની શાન અને જેનો સ્વાદ સમગ્ર વિશ્વમાં વખણાય છે, તેવી ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આગામી 19 એપ્રિલથી કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. કેરીના આગમનની જાહેરાત થતા જ ખેડૂતો અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન અંગે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવામાનમાં ફેરફારને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન થોડું ઘટવાની સંભાવના સેવાઈ રહી છે. જોકે, એક મહત્વની બાબત એ છે કે, ગત વર્ષે કેસર કેરીની સિઝન અંદાજે 45 દિવસ ચાલી હતી, જેની સરખામણીએ આ વર્ષે સિઝન થોડી લાંબી ચાલે તેવી શક્યતા છે. આ લાંબી સિઝનથી કેરીના શોખીનોને લાંબો સમય સુધી ગીરની કેસરનો સ્વાદ માણવા મળશે.

તાલાલા યાર્ડના રેકોર્ડ મુજબ, ગત વર્ષે અંદાજે 4,49,000 બોક્સની આવક નોંધાઈ હતી. આ વર્ષે ભલે ઉત્પાદન ઓછું હોય, પરંતુ કેસર કેરીની ગુણવત્તા સારી હોવાથી ખેડૂતોને આશા છે કે તેમને ભાવ ખૂબ જ સારા મળશે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા અત્યારથી જ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
કેસર કેરી એ ગીરના ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. 19 એપ્રિલના રોજ જ્યારે કેસર કેરીના પ્રથમ બોક્સની હરાજી થશે, ત્યારે પરંપરાગત રીતે પૂજન વિધિ બાદ હરાજી શરૂ કરવામાં આવશે. સિઝન શરૂ થતા જ તાલાલા પંથક કેરીની મીઠી સુગંધથી મહેકી ઉઠશે.


