અમેરિકા (America) ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ જાહેરાત કરી છે કે મધ્યસ્થીઓ દ્વારા ઈરાન (Iran) સાથેની મહત્વપૂર્ણ વાટાઘાટો સોમવારથી શરૂ થવા જઈ રહી છે. પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદના માર્ગો સક્રિય થઈ ગયા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું (Donald Trump confirms fresh US-Iran talks) હતું કે, ‘અમે વાટાઘાટોના રૂપમાં ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ, જે સોમવાર બપોરથી શરૂ થશે. જો કોઈ કરાર થઈ જાય તો તે ખૂબ સારું રહેશે, કારણ કે આનાથી ઘણા લોકોના જીવ બચશે અને બિનજરૂરી શક્તિનો ઉપયોગ ટળશે. અમે જ્યારે ઈચ્છિએ ત્યારે કાર્યવાહી માટે તૈયાર જ છીએ, પરંતુ હું લોકોના જીવ લેવા નથી માંગતો. ઈરાન અને અન્ય ત્રણ દેશોએ પોતે સામેથી વાતચીત માટે વિનંતી કરી છે.’અમેરિકી પ્રમુખે ખુલાસો કર્યો હતો કે સાઉદી અરેબિયા (Saudi Arabia), સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર (Qatar) અને ઈરાન સાથેની કૂટનીતિક ચર્ચાઓને કારણે તેમણે શુક્રવારે થનારા ‘મોટા સૈન્ય હુમલા’નો નિર્ણય હાલ પૂરતો અટકાવી દીધો હતો.
ટ્રમ્પે વધુમાં સંકેત આપ્યા હતા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) ના સંચાલન અંગે એક સમજૂતી થઈ શકે છે, જ્યારે ઈરાનના પરમાણુ નિઃશસ્ત્રીકરણ (Denuclearisation) અંગે પણ એક કરાર કરવામાં આવશે.

હોર્મુઝ જળ સંધી અંગે કૂટનીતિક પ્રયાસો ઝડપી
વોશિંગ્ટન (Washington) અને તેહરાન (Tehran) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્યસ્થી દેશો સમુદ્રી માર્ગ ચાલુ રાખવા માટે સક્રિય થયા છે. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રાદેશિક મધ્યસ્થીઓ ગયા મહિને હસ્તાક્ષર કરાયેલા એગ્રીમેન્ટને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ૬૦ દિવસ માટે કોઈપણ ફી વગર ખુલ્લો રહી શકે.
બીજી તરફ, ઈરાની સ્ટેટ મીડિયાએ સંકેત આપ્યો છે કે આ દરિયાઈ માર્ગ માટે સંયુક્ત ઓપરેશનલ સિસ્ટમ બનાવવા અંગે ઈરાન અને ઓમાન વચ્ચેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. અગાઉ બંને દેશો વચ્ચે અલગ-અલગ અર્થઘટનને કારણે આ ફ્રેમવર્ક અટકી ગયું હતું, જેમાં ટ્રમ્પ આ માર્ગને કાયમી ધોરણે ખુલ્લો રાખવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે તેહરાન વેપાર માર્ગ પર તેના સાર્વભૌમ નિયંત્રણને જાળવી રાખવા મક્કમ હતું.


