ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 3 સપ્ટેમ્બરના રોજ ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો. ACC મહિલા એશિયા કપ 2026માં હોંગકોંગ સામે શાનદાર ઈનિંગ રમીને સ્મૃતિ વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની.
આ દરમિયાન તેણે ભારતીય ક્રિકેટની મહાન ખેલાડી મિતાલી રાજનો મોટો વિશ્વ રેકોર્ડ તોડ્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 30 વર્ષની સ્મૃતિએ તેના ઈન્ટરનેશનલ કરિયરની 303મી ઈનિંગમાં આ ખાસ સિદ્ધિ હાંસલ કરી. મિતાલી રાજના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,868 રન હતા, જેને પાછળ છોડીને સ્મૃતિએ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.
સ્મૃતિ મંધાનાના બેટથી ઘણા રેકોર્ડ બન્યા
હોંગકોંગ સામે સ્મૃતિએ માત્ર રેકોર્ડ જ નહીં પરંતુ પોતાના બેટથી રનનો વરસાદ પણ વરસાવ્યો. તેણે 64 બોલમાં 124 રનની વિસ્ફોટક ઈનિંગ રમી , જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તે છેલ્લી ઓવરમાં રન આઉટ થઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં તેને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. તેની ઈનિંગને કારણે ભારતીય ટીમે 193/5 રન બનાવ્યા.
સ્મૃતિના હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,880 રન છે. મિતાલી રાજ 10,868 રન સાથે આ લિસ્ટમાં બીજા નંબરે છે અને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ 10,740 રન સાથે ત્રીજા નંબરે છે. આ ઐતિહાસિક ઈનિંગ સાથે સ્મૃતિએ વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની કુલ સદીઓની સંખ્યા 18 કરી, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ અને સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટને પાછળ છોડીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. મેગ લેનિંગ અને લૌરા વોલ્વાર્ટ દરેકના નામે 17 સદી છે

વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી
18 – સ્મૃતિ મંધાના
17 – મેગ લેનિંગ
17 – લૌરા વોલ્વાર્ડ
17 – હેલી મેથ્યુસ
સ્મૃતિએ મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો. તેના નામે હવે 95 છગ્ગા છે, જ્યારે હરમનપ્રીત કૌરે 89 છગ્ગા ફટકાર્યા છે. સ્મૃતિની 124 રનની ઈનિંગ વિમેન્સ એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. તેને 2024માં શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ દ્વારા બનાવેલા 119 અણનમ રનના રેકોર્ડને તોડી નાખ્યો. આ વિમેન્સ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે.
મિતાલીનો વધુ એક વિશ્વ રેકોર્ડ જોખમમાં
આ ઈનિંગ સાથે સ્મૃતિ મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એકથી વધુ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની. તેણે પોતાના 93મી વખત કરિયરમાં 50 થી વધુ સ્કોરનો પણ રેકોર્ડ બનાવ્યો, જે મિતાલી રાજના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરે છે. મિતાલી અને સ્મૃતિ હવે વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ પચાસથી વધુ સ્કોર કરવાના મામલે સંયુક્ત ટોપના સ્થાને છે. બંનેના નામે 93 50થી વધુ ઈનિંગ છે.
વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર
93 – મિતાલી રાજ
93 – સ્મૃતિ મંધાના
80 – ચાર્લોટ એડવર્ડ્સ


