મહિલા એશિયા કપ 2026ની ફાઈનલ 13 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. 11 સપ્ટેમ્બરે રમાયેલી બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ બંને ટીમો અગાઉની ફાઈનલમાં પણ સામસામે આવી હતી, જેમાં શ્રીલંકાએ ભારતને હરાવીને પોતાનો પ્રથમ એશિયા કપ ખિતાબ જીત્યો હતો.સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે 131 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 6.2 ઓવરમાં માત્ર 33 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હર્ષિતા સમરવિક્રમા અને કવિશા દિલ્હારીએ પાંચમી વિકેટ માટે 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને ઈનિંગ્સને સંભાળી લીધી હતી. હર્ષિતાએ 31 બોલમાં 36 રન બનાવ્યા, જ્યારે કવિશાએ 33 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું.
પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ એક જ ઓવરમાં હર્ષિતા અને કવિશા બંનેને આઉટ કરીને શ્રીલંકા પર ફરીથી દબાણ ઊભું કર્યું. તે સમયે શ્રીલંકાનો સ્કોર 109/6 હતો અને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 22 રનની જરૂર હતી. ત્યાંથી નીલક્ષિકા સિલ્વા અને કૌશાની નુથ્યાંગનાએ ટીમને આઠ બોલ બાકી રહેતા ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. જોકે ફાતિમાએ ચાર વિકેટ ઝડપી હતી, છતાં તે ટીમને જીત ના અપાવી શકી અને આ સાથે પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે.

પાકિસ્તાનની કેપ્ટન બેટિંગમાં પણ ચમકી
અગાઉ ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પ્રથમ 10 ઓવરમાં જ તેમનો સ્કોર 52/4 થઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન ફાતિમા સનાએ જવાબદારી સંભાળી અને 36 બોલમાં 47 રનની અણનમ ઈનિંગ્સ રમી. આ ઈનિંગ્સ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેની ઈનિંગ્સને કારણે પાકિસ્તાનની ટીમ 5 વિકેટે 130 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર
ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચેનો મુકાબલો 2024ના ટાઇટલ મુકાબલાની યાદો તાજી કરાવશે. અગાઉની સિઝનની ફાઇનલમાં, શ્રીલંકાએ ભારતને 8 વિકેટથી હરાવીને તેમનું પ્રથમ મહિલા એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. જોકે, આ વખતે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને સતત ચાર મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.
ભારતે ગ્રુપ સ્ટેજમાં ત્રણેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું અને સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું હતું. હરમનપ્રીત કૌરની ટીમ હવે શ્રીલંકાને હરાવીને રેકોર્ડમાં વધારો કરતા આઠમું મહિલા એશિયા કપ ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ શ્રીલંકા પોતાની ટાઇટલ જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


