HomeIndiaNational : ભારતનો જીડીપી એક ટકા વધવાનો મૂડીઝનો આશાવાદ

National : ભારતનો જીડીપી એક ટકા વધવાનો મૂડીઝનો આશાવાદ

ભારતના અર્થતંત્રએ એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ૭.૮ ટકાના દરે વૃદ્ધિ કરી હોવાનો સરકારે દાવો કર્યો હતો. આ સમયે દેશમાં વિપક્ષ સહિત એક વર્ગે સરકારના આંકડાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. જોકે, હવે અલ નિનોના કારણે ઓછા વરસાદ, અમેરિકા-ઈરાન તથા રશિયા-યુક્રેન યુદ્ધો તેમજ ક્રૂડ ઓઈલમાં ભાવવધારા છતાં દુનિયાના વિકસિત જી-૨૦ અર્થતંત્રોની સરખામણીમાં ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી સાત ટકાના દરે વૃદ્ધિ કરશે તેમ દુનિયાની અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે આગાહી કરી છે. આ પહેલાં એજન્સીએ આર્થિક વૃદ્ધિદર ૬ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જોકે, આ સાથે મૂડીસે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાના કારણે મોંઘવારી વધવાની ચેતવણી આપી છે.

ભારતના ‘બીએએ૩’ સોવરેન રેટિંગની સમીક્ષા પછી વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ જેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂતીથી ટકી રહ્યું છે. આ કારણે રેટિંગ એજન્સીએ તેનું અનુમાન બદલ્યું છે.
મુડીઝ મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પહેલા છ મહિનામાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વાર્ષિક આધારે ૮.૨ ટકા રહ્યો, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૭.૩ ટકાની વૃદ્ધિ કરતાં વધુ હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થથંત્ર ૭.૮ ટકાના દરથી વૃદ્ધિ પામ્યો હતો અને તે આરબીઆઈના ૭ ટકાના અંદાજ કરતા વધુ હતો.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ વૈશ્વિક પડકારોને ટાંકીને જુલાઈમાં નાણાકીય વર્ષ ૨૦૨૭નો તેનો વિકાસ પૂર્વાનુમાન ઘટાડીને ૬.૪ ટકા કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮નો ગ્રોથરેટ વધારીને ૬.૭ ટકા કર્યો હતો. આરબીઆઈએ પણ નાણાકીય વર્ષ ૨૦૨૭માં તેનું અનુમાન ઘટાડીને ૬.૬ ટકા કર્યું છે.


આર્થિક વૃદ્ધિના અનેક મોરચાએ ભારતને ટેકો મળ્યો છે, જેમાં ખાનગી વપરાશમાં મજબૂતી, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત ખર્ચ અને સકલ સ્થિર મૂડી નિર્માણમાં મજબૂત વૃદ્ધિનો સમાવેશ થાય છે. આ સિવાય ખાનગી ક્ષેત્રના રોકાણમાં સુધારાની સંભાવના અને સેવા ક્ષેત્રની સતત મજબૂતી પણ અર્થતંત્ર માટે સકારાત્મક રહી છે. ખાનગી સેક્ટર પણ ફેક્ટરીઓ અને મશીનોમાં રોકાણ વધારી રહ્યું છે. જોકે, મૂડીઝે જીડીપી ગ્રોથનો અંદાજ વધારવાની સાથે મોંઘવારીના જોખમો અંગે ચેતવણી પણ આપી છે. એજન્સીનું માનવું છે કે નાણઆકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સરેરાશ મોંઘવારી દર ૪.૮ ટકા રહી શકે છે. તે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં નોંધાયેલા ૨.૪ ટકા કરતાં ઘણો વધુ છે. એજન્સીનું કહેવું છે કે પશ્ચિમ એશિયા સંઘર્ષનું કોઈ સ્થાયી સમાધાન નહીં આવે તો ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહી શકે છે. તેનાથી ભારતનો મોંઘવારીનો અંદાજ વધી શકે છે. આ સિવાય અલ નીનો સંબંધિત હવામાન અવરોધોથી ખાદ્ય કિંમતો પર દબાણ વધવાના જોખમની પણ મૂડીઝે ચેતવણી આપી છે. ખાદ્ય મોંઘવારી વધવાથી લોકોની ખરીદ ક્ષમતા અને અંગત વપરાશ પર અસર થઈ શકે છે, જેની અસર આર્થિક પ્રવૃત્તિઓ પર પણ પડી શકે છે. ભારત માટે ઓઈલ, ગેસ અને ખાતરની આયાતનો વધતો ખર્ચ ચિંતાજનક બાબત છે. જોકે, મૂડીઝનું માનવું છે કે ભારત માટે સારી વાત એ છે કે હાલ ક્રૂડ ઓઈલ માટે કોઈ એક દેશ પર નિર્ભર નથી. તે અનેક દેશો પાસેથી ઓઈલ ખરીદી રહ્યો છે. આ સિવાય ભારતનો વિદેશી નાણાં ભંડાર વિક્રમી સ્તરે પહોંચી ગયો છે, જે અર્થતંત્ર માટે રાહતની વાત છે. વધુમાં ભારત માટે કેટલીક બાબતો બહારના આંચકાઓ સામે સુરક્ષા કવચ તરીકે કામ કરી રહી છે, જેમાં ક્રૂડ ઓઈલની આયાતના સ્રોતોમાં વૈવિધ્યકરણમાં વધારો, પર્યાપ્ત વિદેશી નાણાં ભંડોળ અને મજબૂત ઘરેલુ માગનો સમાવેશ થાય છે તેમ મૂડીઝના અહેવાલમાં જણાવાયું છે.

અન્ય એજન્સીઓએ પણ ભારતનું રેટિંગ સુધાર્યું
નવીદિલ્હી: મૂડીઝ પહેલાં અન્ય રેટિંગ એજન્સીઓએ પણ ભારતની આર્થિક નીતિઓ અને સ્થિરતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ મહિને જાપાનની રેટિંગ એજન્સી જેસીઆરએ ૩૫ વર્ષના લાંબા અંતર પછી ભારતનું રેટિંગ અપગ્રેડ કરીને ‘એ-‘ કરી દીધું છે.આ સિવાય ગયા મહિને એસએન્ડપી અને ફીચ જેવી એજન્સીઓએ પણ ભારતના ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગની પુષ્ટી કરતા મજબૂત નાણાકીય તંત્રની પ્રશંસા કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments