એઆઈની દુનિયામાં એક રસપ્રદ સાયબર સિક્યોરિટી ઘટના સામે આવી છે. એન્થ્રોપિકના ક્લોડ એઆઈની મદદથી સિક્યોરિટી રિસર્ચર્સની નાની ટીમે ઓપનએઆઈની સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધી કાઢી અને તેનો ઉપયોગ કરીને ઓપનએઆઈના એક કર્મચારીના ચેટજીપીટી એકાઉન્ટ તથા સોફ્ટવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચ મેળવી. જોકે આ કોઈ ગુપ્ત સાયબર હુમલો નહોતો. રિસર્ચર્સ ઓપનએઆઈના બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ સુરક્ષા ખામીઓ શોધી રહ્યા હતા. ખામીની જાણ કર્યા બાદ ઓપનએઆઈએ તેમને ૬,૫૦૦ ડોલરનું ઈનામ આપ્યું. હેકટ્રોન એઆઈના ત્રણ સિક્યોરિટી રિસર્ચર્સે ઓપનએઆઈના કમ્યુનિટી ફોરમમાં ખામી શોધી હતી. આ ફોરમ માટે ડિસ્કોર્સ નામના થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો. સંશોધકોએ જોયું કે ખાસ પ્રકારની ઈમેજ ફાઈલ પ્રોસેસ કરતી વખતે સિક્યોરિટી ખામીનો ઉપયોગ કરી શકાય છે. આ ખામીનો ઉપયોગ કરવા માટે જરૂરી એક્સપ્લોઈટ કોડ તૈયાર કરવામાં ક્લોડે તેમની મદદ કરી.

રિસર્ચર્સે શોધ્યું કે કેટલાક ટોકનસ ઓપનએઆઈના કર્મચારીઓ સાથે જોડાયેલા હતા. તેના આધારે તેઓ એક કર્મચારીના ચેટજીપીટી અને કોડેક્સ એક્સેસ સુધી પહોંચી શક્યા હતા. કોડેક્સ મારફતે ઓપનએઆઈના પ્રાઈવેટ ગિટહબ સાથે જોડાણ કરાયું હતું. આ ઘટનાનો સૌથી મોટો મુદ્દો એ છે કે એઆઈ માત્ર કોડિંગ અથવા સામાન્ય માહિતી માટેનું સાધન રહ્યું નથી. ક્લોડ જેવા એડવાન્સ એઆઈ મોડલ્સ હવે સિક્યોરિટી રિસર્ચર્સને જટિલ પ્રશ્નો સમજવામાં મદદ કરી શકે છે.


