ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય વનડે ટીમમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને હવે ફાસ્ટ બોલર આકિબ નબીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 31 ઓક્ટોબરે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે આકિબ નબીને અગાઉ માત્ર ચોથી અને પાંચમી વનડે માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ પ્રથમ ત્રણ વનડે માટે પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે તેઓ સમગ્ર શ્રેણીમાં રમવાની તક મેળવી શકે છે.
આકિબ નબી અંગે BCCIનું મોટું અપડેટ
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, પસંદગી સમિતિએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ વનડે માટે પણ આકિબ નબીનો ટીમમાં સમાવેશ કર્યો છે.જમણા હાથના ફાસ્ટ બોલર આકિબ નબીને અગાઉ શ્રેણીની છેલ્લી બે મેચ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે બહાર થતાં હવે તેમને શરૂઆતની ત્રણ મેચ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.આ ફેરફારથી આકિબ નબીને ન્યૂઝીલેન્ડ સામે પોતાની પ્રતિભા બતાવવાની મોટી તક મળી શકે છે.

આકિબ શાનદાર ફોર્મમાં
વેસ્ટ ઇન્ડીઝ સામે નબીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ખૂબ સફળ ન રહ્યું હોવા છતાં, તે રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મીર માટે પાછો ફર્યો. તેણે મધ્યપ્રદેશ સામે ચાર વિકેટ લીધી અને 32 રન બનાવ્યા. ત્યારબાદ તે ભારત A માટે રમ્યો અને ન્યુઝીલેન્ડ A સામે સારું પ્રદર્શન કર્યું. પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં, તેણે બંને ઇનિંગ્સમાં છ વિકેટ લીધી અને બેટથી 43 રનનું યોગદાન આપ્યું.આકિબ નબીનો લિસ્ટ A રેકોર્ડ સારો છે. અત્યાર સુધીમાં, તેણે 37 ODI મેચ રમી છે, જેમાં 56 વિકેટ લીધી છે, અને તે જરૂર પડ્યે બેટિંગ પણ કરી શકે છે. લિસ્ટ A ક્રિકેટમાં તેના નામે એક સદી પણ છે.
નીતિશ રેડ્ડી માત્ર પ્રથમ વનડે રમશે
ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની માત્ર પ્રથમ મેચમાં રમશે. ત્યારબાદ તેઓ આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં જોડાશે.આમ, પ્રસિદ્ધ કૃષ્ણાના બહાર થવાથી આકિબ નબીને મોટી તક મળી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ આ તકનો કેટલો લાભ ઉઠાવી શકે છે.


