અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં 26મી નવેમ્બરના રોજ તૂટેલા ગટરના ઢાંકણામાં એક્ટિવા ચાલક પટકાતા સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. છેલ્લા છ મહિનાથી આ ઢાંકણા તૂટેલા હોવા છતાં અને સ્થાનિકોની ત્રણ-ત્રણ વખતની ફરિયાદ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે AMCના ‘ઉડાવ’ જવાબોની પોલ ખોલી છે.

અમદાવાદ શહેરમાં વિકાસના દાવા કરતી AMCની પોલ કુબેરનગર વિસ્તારમાં ખુલી ગઈ છે, જ્યાં તંત્રની બેદરકારીએ એક એક્ટિવા ચાલકનો ભોગ લીધો છે. 26મી નવેમ્બરના રોજ થયેલી આ કરૂણ ઘટનામાં, એક એક્ટિવા ચાલક રસ્તા પર ખુલ્લી પડેલી ગટરના તૂટેલા ઢાંકણામાં પટકાયો હતો, સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


