ધંધુકામાં બાઈક ઓવરટેક બાબતે વિધર્મી યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટના બાદ ટોળાએ દુકાન સળગાવી હતી. પોલીસે હત્યારાને ઝડપી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેરમાં આજે ફરી એકવાર રક્તરંજીત ઘટના સામે આવી છે. ધંધુકાના મુખ્ય માર્ગ પર બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો હતો કે, એક વિધર્મી યુવકે આવેશમાં આવીને અન્ય યુવક પર તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરૂણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હત્યાની આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ વિરોધ દર્શાવતા એક દુકાનમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સ્થિતિ વણસતી જોઈને અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો તાત્કાલિક ધંધુકા દોડી આવ્યો હતો. હાલ સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસો ચાલુ છે.
ધંધુકા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા હત્યા કરનાર વિધર્મી યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની પૂછપરછ શરૂ કરી છે. એસપી દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે, અને કોઈ અફવા ન ફેલાવવા જણાવાયું છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે.


