HomeGujaratAhmedabadAhmedabad : બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો...

Ahmedabad : બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા હાઈટેક કીમિયા અપનાવી રહ્યા છે. સરખેજ પોલીસે સાણંદ-સરખેજ હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલના બેરલમાં છુપાવીને લવાતી વિદેશી દારૂની 5,600 બોટલો ઝડપી પાડી છે. પોલીસે કુલ 10.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, 13મી એપ્રિલના રોજ સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાણંદ-સરખેજ હાઈવે પર આવેલી સાગર હોટલ પાછળ ‘સહયોગ એસ્ટેટ’ના ગોડાઉન નંબર-1માં મુંબઈથી કેમિકલના નામે દારૂનો મોટો જથ્થો આવ્યો છે. પોલીસે ગુજરાત ગુડ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉન બહાર પડેલા લોખંડના 8 મોટા બેરલ શંકાસ્પદ જણાતા તેને ખોલાવતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ જથ્થો મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટ સ્થિત જ્યોતિ કેમિકલ્સ ટ્રેડર્સમાંથી મોકલવામાં આવ્યો હતો. બિલ્ટી અને દસ્તાવેજોમાં ‘વી.વી. કેમિકલ્સ’ના નામે ‘Pu Hardner’ કેમિકલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ માલ અમદાવાદના સરખેજ થઈને ગાંધીધામ મોકલવાનું મોટું ષડયંત્ર હતું.હાલ પોલીસે 5,600 વિદેશી દારૂની બોટલો સહિત 10,12,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માલની ડિલિવરી લેવા આવેલા આકાશ ભરવાડ (ડ્રાઈવર)ની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા ડ્રાઈવર આકાશ ભરવાડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બે મહિના પહેલા ધ્રાંગધ્રામાં એક અજાણ્યા શખસે તેને વધુ ભાડાની લાલચ આપી આ કામમાં જોડ્યો હતો. તેને ફોન પર સૂચના મળી હતી કે સરખેજથી કેમિકલના બેરલ ગાંધીધામ પહોંચાડવાના છે. પોલીસ તપાસમાં ટ્રાન્સપોર્ટ મેનેજર ગ્યાસુદ્દીન ઉર્ફે સાજીદભાઈ પાસે રહેલા દસ્તાવેજો પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments