અંબાજીના માનેશ્વર મહાદેવ મંદિરમાં ટીમ ઈન્ડિયાની જીત માટે પૂજા કરવામાં આવી છે. શિવલિંગ પર ત્રિરંગો અર્પણ કરી શિવભક્તોએ આશીર્વાદ માંગ્યા છે.આજે જ્યારે આખું વિશ્વ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે અંબાજીમાં ભક્તોએ ટીમ ઈન્ડિયાના વિજય માટે શ્રદ્ધાનો માર્ગ અપનાવ્યો છે. અંબાજીના સુપ્રસિદ્ધ માનેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્રિકેટ પ્રેમીઓ અને શિવભક્તોએ એકઠા થઈને ભારતીય ટીમની જીત માટે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
મંદિરમાં આયોજિત આ વિશેષ પૂજામાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. ભક્તોએ મહાદેવના સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો અને પવિત્ર શિવલિંગ પર ત્રિરંગો અર્પણ કરીને આશીર્વાદ માંગ્યા હતા. મંત્રોચ્ચાર અને ભક્તિભાવ સાથે ભક્તોએ પ્રાર્થના કરી હતી કે, ભારતીય ખેલાડીઓ મેદાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશનું ગૌરવ વધારે.

પૂજા દરમિયાન મંદિર પરિસરમાં “હર હર મહાદેવ” અને “ભારત માતા કી જય” ના ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. ભક્તોમાં પાકિસ્તાન સામે જીતવાનો ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે, જે રીતે ભૂતકાળમાં પાકિસ્તાને યુદ્ધના મેદાનમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, તેવી જ રીતે આજે ક્રિકેટના મેદાનમાં પણ પાકિસ્તાનની કારમી હાર થશે.
ટીમ ઈન્ડિયાના વિજય માટે ભક્તોએ ભગવાન સમક્ષ વિજય તિલક લગાવીને અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શક્તિ અને ભક્તિના આ કેન્દ્રમાં ખેલાડીઓના જુસ્સામાં વધારો થાય તે માટે શિવભક્તોએ વિશેષ ધૂન પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના કોલંબોમાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે મેચ યોજાવા અંગે શંકા છે.


