મિડલ ઈસ્ટ યુદ્ધની અસર બાંગ્લાદેશ પર. ગારમેન્ટ એક્સપોર્ટમાં ઘટાડો અને વધતી મોંઘવારીએ પાડોશી દેશની હાલત બગાડી. જાણો વર્લ્ડ બેંકની ચેતવણી વિશે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પર જોવા મળી રહી છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ઈંધણના ભાવમાં વધારો અને સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઉર્જા આયાત પર નિર્ભર આ દેશમાં સામાન્ય જનતાથી લઈને મોટા ઉદ્યોગો સુધી ફફડાટ વ્યાપી ગયો છે.
ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને ફટકો
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતો રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગ હાલમાં સંકટમાં છે. રિપોર્ટ મુજબ, ફેક્ટરીઓનું ઉત્પાદન 30 થી 40 ટકા જેટલું ઘટી ગયું છે. અમેરિકા અને યુરોપમાં થતી નિકાસમાં પણ 13 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓને ડર છે કે જો સ્થિતિ જલ્દી નહીં સુધરે તો ભારત, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશો તેમનો વૈશ્વિક બજાર હિસ્સો છીનવી શકે છે.
વર્લ્ડ બેંકે ઘટાડ્યો ગ્રોથ રેટ
વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 2025-26માં બાંગ્લાદેશનો આર્થિક વિકાસ દર 4.8% થી ઘટીને માત્ર 3.9% રહી શકે છે. સરકાર પર સબસિડીનું ભારણ વધી રહ્યું છે. માત્ર LNG સબસિડી પાછળ જ સરકારે વધારાના 10 હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડી શકે છે. સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે પાવર કટ, શોપિંગ મોલના સમયમાં ઘટાડો અને ઈંધણના રેશનીંગ જેવા કડક પગલાં લીધા છે.

સામાન્ય જનતાની હાલત કફોડી
મોંઘવારી અને ઈંધણની અછતને કારણે લોકોની હાલત ખરાબ છે. પેટ્રોલ મેળવવા માટે લોકોએ કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. અનેક લોકોએ પોતાના ધંધા છોડીને ગુજરાન ચલાવવા માટે રાઈડ શેરિંગ જેવા કામો કરવા પડી રહ્યા છે, પરંતુ ત્યાં પણ ઈંધણની તંગી અવરોધ બની રહી છે.


