સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામે પ્રેમ પ્રકરણના મામલે બે સમાજના લોકો વચ્ચે હિંસક અથડામણ થતા ચકચાર મચી ગઈ છે. હળપતિ સમાજનો એક યુવક કોળી સમાજની યુવતીને લઈને ભાગી જતા આ મામલે ઉગ્ર લોખૂંની ખેલ ખેલાયો હતો. આ બનાવમાં માનવતા નેવે મૂકીને મહિલાઓ અને બાળકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
મસાડ ગામના કોળી સમાજના કેટલાક ઉશ્કેરાયેલા આગેવાનો અને લોકોએ યુવક-યુવતી ભાગી જવાના રોષમાં હળપતિ સમાજની બે મહિલાઓ સહિત ત્રણ બાળકોને ઢોર માર માર્યો હતો. અત્યંત આઘાતજનક બાબત એ રહી કે, આરોપીઓએ એક યુવક અને બે મહિલાઓને જાહેરમાં ગામના ઝાડ સાથે બાંધી દીધા હતા અને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. મોડી રાત્રે થયેલી આ બબાલને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ હળપતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બારડોલી રૂરલ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.

પીડિત પક્ષની ફરિયાદના આધારે પોલીસે માર મારનાર કોળી સમાજના શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને અત્યાચાર ગુજારનાર શખ્સોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમ પ્રકરણમાં પરિવારના અન્ય સભ્યોને આ રીતે બંધક બનાવી માર મારવાની આ જઘન્ય ઘટનાની પોલીસ ઉચ્ચ સ્તરે તપાસ કરી રહી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને સામાજિક આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે.


