HomeGujaratVadodaraBaroda : વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના...

Baroda : વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નારાયણ એવન્યુમાં નજીવી બાબતે થયેલા ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, શહેરના બકરાવાડી સ્થિત નારાયણ એવન્યુમાં રહેતા બંટી નામના શખસે ગત રાત્રે તેની પત્ની સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સા પર કાબૂ ગુમાવનાર બંટીએ ઘરમાં રહેલા ચાકુ વડે પત્ની પર એક પછી એક હિંસક હુમલા શરૂ કરી દીધા હતા. પત્ની કશું સમજે તે પહેલા જ તેના શરીર પર ચાકુના અનેક ઘા વાગતા તે લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડી હતી. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો નારાયણ એવન્યુ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટનાસ્થળે પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. વડોદરા પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા આરોપી પતિ બંટીને રાઉન્ડઅપ કરી લીધો છે.

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, પ્રાથમિક તપાસમાં આ હત્યા ઘરકંકાસને કારણે થઈ હોવાનું જણાય છે. આરોપી પતિએ પત્ની પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. હાલમાં આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃતક રીટાને સંતાનમાં એક 13 વર્ષનો અને બીજો અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આરોપી બંટી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments