કલોલના ભોયણમોટી ગામની સીમમાં ટાયર અને ટ્યુબના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભોયણમોટી ગામની સીમમાં આવેલ એક રબરના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટાયર અને ટ્યુબના મોટા જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રબરનો જથ્થો હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેના કાળા દીબાંગ ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી પણ જોઈ શકાતા હતા. જાણે આખું આકાશ કાળા ધુમાડાથી છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોડાઉનમાંથી ઉઠતી ઊંચી જ્વાળાઓને કારણે આસપાસના એકમોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.
ઘટનાની જાણ થતા જ કલોલ ફાયર બ્રિગેડ સહિત આસપાસના ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, રબર સળગતું હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને સતત કુલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.


