ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ના ચેરમેન પદે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ અને કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય સુરેશ કોટકને ગિફ્ટ સિટી (GIFTCL) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, ઉદય કોટક હવે ડૉ. હસમુખ અઢિયા (IAS રિટાયર્ડ)નું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે ડૉ. હસમુખ અઢિયા જૂન 2023થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. ઉદય કોટકની આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તેઓ આગામી આદેશ સુધી આ પદ પર કાર્યરત રહેશે. આ નિમણૂકના નિયમો અને શરતો સરકાર દ્વારા આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.

ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય સાથે ઉદય કોટક જેવા અનુભવી વ્યક્તિની પસંદગી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ અને બેન્કિંગ ક્ષેત્રે નવી ગતિ મળવાની અપેક્ષા છે.


