Gold-Silver Prices : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં મંદી ઝડપથી આગળ વધી હતી. તૂટતી બજારે નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારો ગબડતા જોવા મળ્યા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં કિલોના રૂ.૧૩૦૦૦ તૂટી ગયા હતા તથા ચાંદીએ રૂ.બે લાખની સપાટી ગુમાવી હોવાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ગબડી ઔંસના ૪૦૦૦ ડોલ રની અંદર ઉતર્યા હતા.
દરમિયાન, ક્રૂડતેલના ભાવમાં જો કે તેજી આગળ વધતાં ભાવ બેરલના વધી ઉંચામાં ૧૧૫ ડોલરને આંબી ગયા હતા. ઘરઆંગણે, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તથા ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૬૦૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૦૭૦ વાળા નીચામાં ભાવ ૩૯૮૬ થઈ ૪૦૨૪થી ૪૦૨૫ ડોલર રહ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડો હળવા થઈ રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૫૫.૮૫ વાળા નીચામાં ૫૩.૪૬ ડોલર થઈ ૫૩.૮૯થી ૫૩.૯૦ ડોલર રહ્યા હતા. અમદાવાદ ચાંદી તૂટી રૂ.૧૯૮૦૦૦ બોલાઈ હતી. અમદાવાદ સોનાના ભાવ ગબડી ૯૯૫ના રૂ.૧૪૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૫૦૦ બોલાયા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં જે ચાંદીના ભાવ જીએસટી વગર વધુ રૂ.૫૩૦૦ ગબડી રૂ.૧૯૪૪૧૫ બોલાયા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર વધુ રૂ.૧૧૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૪૧૦૬૩ બોલાયા હતા. મુંબઈ-સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

ભારત સરકારે ૬૫૦૦ ટન ચાંદીની ઈમ્પોર્ટ કરવા પરમીટો ઈસ્યુ કર્યાના સમાચારની ઈમ્પેક્ટ પણ દેશના ઝવેરી બજારોમાં બે દિવસથી જોવા મળી છે. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૬૦૦થી ૭૦૦ ઘટી રૂ.૫૫૭૪૩ બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૯૨ વાળા ૧૫૫૬ થઈ ૧૫૬૭થી ૧૫૬૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૬૬ વાળા ૧૦૨૮ થઈ ૧૦૫૨થી ૧૦૫૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૨ ટકા ઘટયા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૧.૯૮ વાળા ૧૧૫ થઈ ૧૧૪.૪૫ ડોલર રહ્યા હતા યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૧.૩૫ થઈ ૧૦૦.૭૬ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર એક રાતમાં આશરે ૭ જહાજો પર હુમલાઓ થયાના સમાચાર હતા. ક્રૂડના ભાવ ઉંચામાં પાંચ મહિનાની ટોચે પહોંચ્યા હતા. ઈરાન પ્રેરીત હાઉથી જૂથના સાઉદી અરેબિયા પર હુમલાઓ વધ્યાના વાવડ પણ મળ્યા હતા. લીબીયામાં પણ ઉત્પાદન ઘટયાના સમાચાર હતા. દરમિયાન, રશિયાના ડિઝલનું ટેન્કર અમેરિકા તરફ રવાના થયાના સમાચાર મળ્યા હતા. સોનાના વૈશ્વિક ભાવ તૂટી આજે ૩ મહિનાના તળિયે ઉતર્યા હતા.


