નડિયાદના વડતાલ પાસેના કિશોરપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મધરાતે દરોડો પાડી લિસ્ટેડ બુટલેગર ભોપા પરમારના ગોડાઉનમાંથી ૪૧૦૨ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૩૬.૨૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ ઓપરેશનમાં દારૂનું કટિંગ કરી રહેલા નડિયાદના બે શખ્સો સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર ફિરોઝ વોરા સહિત પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ બનાવાઈ છે.

ખેડા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક ધારદાર ઓપરેશન પાર પાડયું છે. નડિયાદ તાલુકાના વડતાલ પોલીસ મથકની હદમાં આવતા કિશોરપુરા ગામે મધરાતે ત્રાટકેલી એસ.એમ.સી.ની ટીમે લિસ્ટેડ બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમારના ખુલ્લા ગોડાઉનમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૧૦૨ નંગ બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત ૧૬,૦૬,૨૦૦ જેટલી થાય છે. પોલીસને જોઈને નાસભાગ મચી ગઈ હતી, પરંતુ ટીમે ઘેરો ઘાલીને મુખ્ય આરોપી ભોપો પરમાર, નડિયાદની રાધાકુંજ સોસાયટીમાં રહેતા દેવેશ જગદીશભાઈ શર્મા અને જૂના ડુમરાલ રોડ પર રહેતા ચિરાગ માફાજી સરગારાને દબોચી લીધા હતા.


