મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. મહત્વની વાત એ છે કે આ જ વંદે ભારત ટ્રેનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. જોકે પથ્થરમારાની ઘટના જે કોચમાં બની હતી, તેમાં આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા ન હતા.
આનંદીબેન પટેલ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં હતા
મળતી વિગતો મુજબ, આનંદીબેન પટેલ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે અજાણ્યા વ્યક્તિએ અન્ય એક કોચ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થર વાગતા કોચના કાચમાં ક્રેક પડ્યો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોમાં પણ ચકચાર મચી ગઈ હતી.

રેલવે સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ એલર્ટ
વંદે ભારત જેવી મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઇલ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બાદ રેલવે સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પથ્થરમારો કોણે અને કયા કારણોસર કર્યો તેની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પોલીસે એક યુવકને ઝડપી લીધો
આ મામલે પોલીસે એક યુવકને ઝડપી લીધો હોવાનું પણ સામે આવ્યું છે. યુવકની પૂછપરછ કરીને પથ્થરમારા પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.


