ઉનાળાની વધતી ગરમીમાં હીટ સ્ટ્રોક જીવલેણ બની શકે છે. જાણો નિષ્ણાતો પાસેથી લૂ લાગવાના ગંભીર લક્ષણો, બચવાના ઘરગથ્થુ ઉપાયો અને કયા પીણાં છે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ
દેશભરમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને લૂ માત્ર અસ્વસ્થતા જ નથી લાવતા, પણ તે ‘હીટ સ્ટ્રોક’ (લૂ લાગવી) જેવી જીવલેણ સ્થિતિ પણ સર્જી શકે છે. જ્યારે શરીરનું તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા નબળી પડે છે, ત્યારે હીટ સ્ટ્રોકનો હુમલો થાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ આમાં અત્યંત સાવધ રહેવાની જરૂર છે.
ઉનાળામાં હીટ સ્ટ્રોકના સંકેતોને અવગણવા જોખમી સાબિત થઈ શકે છે તેવુ હેલ્થ એક્સપર્ટે જણાવ્યું.. શરીરમાં જો આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જોઈએ. શરીરનું તાપમાન ખૂબ વધી જવું અને ત્વચા સૂકી તેમજ ગરમ થઈ જવી. મૂંઝવણ અનુભવવી, બોલવામાં તકલીફ થવી અથવા મૂર્છા (બેભાન) આવવી. સતત માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે ઉલટી થવી. હૃદયના ધબકારા તેજ થવા અને શ્વાસ લેવામાં તકલીફ પડવી. આ ઉપરાંત જો ગરમી હોવા છતાં પરસેવો વળતો બંધ થઈ જાય, તો તે ગંભીર હીટ સ્ટ્રોકની નિશાની છે.

હેલ્થ એક્સપર્ટના મતે હિટસ્ટ્રોક અને લૂથી બચવા ઉનાળામાં શરીરને ઠંડુ રાખવું જરૂરી છે. આ બાબતને અવગણવી સ્વાસ્થ્યમાં ગંભીર સમસ્યા સર્જી શકે છે. એટલે જ ગરમીમાં બપોરે 12 થી 4 ના સમયગાળામાં સૂર્યપ્રકાશમાં સીધા જવાનું ટાળો. જો જવું પડે તો માથું ઢાંકીને રાખો. માત્ર પાણી જ નહીં, પણ શરીરમાં ખનિજો જળવાઈ રહે તે માટે છાશ, લીંબુ પાણી અને નાળિયેર પાણી જેવા કુદરતી પીણાંનો આગ્રહ રાખો. હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો, જે હવાની અવરજવર જાળવી રાખે. લાંબો સમય ભૂખ્યા ન રહો. હળવો અને તાજો ખોરાક લો. કેફીન (ચા-કોફી) અને આલ્કોહોલથી દૂર રહો કારણ કે તે શરીરને ડિહાઇડ્રેટ કરે છે.
ઉનાળામાં શરીરના નાનામાં નાના સંકેતોને પણ અવગણશો નહીં. જો તમને અચાનક નબળાઈ કે સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય, તો તરત જ ઠંડી અને હવાની અવરજવરવાળી જગ્યાએ આરામ કરો અને તબીબી સલાહ લો. સાવચેતી એ જ શ્રેષ્ઠ બચાવ છે. ક્યારેક, શરીરમાં પાણી અને ખનિજોનો અભાવ પણ આ સમસ્યાને વધારે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલા અને વૃદ્ધોએ આકરી ગરમીમાં હીટસ્ટ્રોક અને લૂથી બચવા આ સાવધાની રાખવી જોઈએ.


