HomeIndiaKolkata Durga Puja Stampede : કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક ભાગદોડ, 19થી...

Kolkata Durga Puja Stampede : કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક ભાગદોડ, 19થી વધુનાં મોત અને 25 લોકો ઘાયલ

કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં ભાગદોડથી 19થી વધુનાં મોત અને 25 લોકો ઘાયલ થયાનો અહેવાલ છે. રાજ્ય સરકારે તપાસના આદેશ આપી કાર્યક્રમો રદ કર્યા.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ભાગદોડની ઘટનામાં 19થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 25 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પવિત્ર તહેવારની ઉજવણી દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અનેક દિગ્ગજોએ દુખ વ્યક્ત કર્યુ

ઘટનાની ગંભીરતાને જોતાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ અને વિવિધ રાજ્યોના દિગ્ગજોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

અમિત શાહ અને સુવેન્દુ અધિકારી ઘાયલોને મળશે

સ્થિતિની સમીક્ષા કરવા અને પીડિતોને સાંત્વના આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સંયુક્ત રીતે રવિવારે હોસ્પિટલની મુલાકાત લેવાના છે અને ઘાયલોના સ્વાસ્થ્યની જાણકારી મેળવશે. આ દુ:ખદ અકસ્માત અને મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આગામી તમામ દુર્ગા પૂજા ઉત્સવ સંબંધિત કાર્યક્રમો રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

સુવેન્દુ અધિકારીએ રાજકારણ ન કરવા કરી અપીલ
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તમામ રાજકીય પક્ષોને આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે પ્રશાસન પીડિત પરિવારોની સાથે ઊભું છે અને સરકારે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. તહેવારના દિવસોમાં ખુશીનો માહોલ અચાનક શોકમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અને બંગાળના નાગરિકોમાં ગમગીની છવાઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments