Diwali Home Cleaning Tips : દિવાળી પહેલાં ઘરના ગંદા અને ચીકણા દરવાજા સાફ કરવાની આસાન રીતો! જાણો લાકડા, કાચ, રસોડા અને બાથરૂમના દરવાજા ચમકાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ ટિપ્સ.
દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ પર્વ નિમિત્તે લોકો પોતાના ઘરની સ્વચ્છતા ખાસ કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સ્વચ્છ અને શુદ્ધ જગ્યાએ જ નિવાસ કરે છે. ધૂળ, હાથના નિશાન, તેલ અને ભેજને કારણે ઘરના દરવાજા પર ડાઘ પડી જતા હોય છે, તેથી દિવાળી પર તેમને સજાવતા પહેલા સાફ કરવા ખૂબ જ જરૂરી છે. જાણો દરવાજો સાફ કરવાની સરળ પદ્ધતિ.
લાકડાના દરવાજા કેવી રીતે સાફ કરવા
લાકડાના દરવાજા પર ધૂળ, આંગળીઓના નિશાન અને ગ્રીસ જામી જતા હોય છે. વધુ પડતું પાણી કે કઠોર રસાયણો લાકડાના ફિનિશને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેની સફાઈ સાવચેતીપૂર્વક કરવી જોઈએ. સૌપ્રથમ દરવાજાને સૂકા માઇક્રોફાઇબર કાપડથી સાફ કરો. ત્યારબાદ એક બાઉલમાં ગરમ પાણી લઈ તેમાં હળવો પ્રવાહી સાબુ મિક્સ કરો, તેમાં કપડું ડૂબાડીને સારી રીતે નિચોવી લો અને દરવાજાને ઉપરથી નીચે સુધી લૂછી લો. ખૂણા, કોતરણી અને કિનારીઓમાંથી ધૂળ કાઢવા માટે સોફ્ટ પેઇન્ટબ્રશ કે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરો. અંતે સૂકા કપડાથી દરવાજો સાફ કરી દો. લાકડા પર વિનેગર કે બેકિંગ સોડા વાપરવાનું ટાળવું, કારણ કે તે ફિનિશ બગાડી શકે છે.

કાચના દરવાજા સાફ કરવા
કાચના દરવાજા પર પાણીના નિશાન, ધૂળ અને આંગળીઓની છાપ ખૂબ જ સરળતાથી ઉપસી આવે છે. મોંઘા ક્લીનર્સના બદલે ઘરગથ્થુ વસ્તુઓથી પણ કાચ ચમકાવી શકાય છે. પહેલા સૂકા કપડાથી ધૂળ હટાવી લો. ત્યારબાદ ગ્લાસ ક્લીનર સ્પ્રે કરીને અથવા હળવા સાબુવાળા પાણીનો ઉપયોગ કરીને માઇક્રોફાઇબર કાપડથી કાચ સાફ કરો. અંતે પાણીના કોઈપણ ડાઘ કે નિશાન દૂર કરવા માટે સ્વચ્છ અને સૂકા કપડાથી પોલિશ કરી લો. કાચ સાફ કરવા માટે હંમેશા બે કપડાનો ઉપયોગ કરવો હિતાવહ છે.
રસોડાના દરવાજા પરથી ડાઘ કેવી રીતે દૂર કરવા
ઘરમાં રસોડાના દરવાજા સૌથી વધુ ચીકણા અને ગંદા થાય છે, કારણ કે રસોઈ બનાવતી વખતે તેલની વરાળ, મસાલાના કણો અને ગ્રીસ તેના પર જમા થતા રહે છે. જો લાંબા સમય સુધી તેની સફાઈ ન થાય તો જાડું પડ જામી જાય છે. તેને સાફ કરવા માટે ગરમ પાણીમાં થોડું ડીશ વોશિંગ લિક્વિડ ભેળવો. આ દ્રાવણમાં કપડું ડૂબાડીને બરાબર નિચોવી લો અને ચીકણો ભાગ હળવાશથી સાફ કરો. છેલ્લે સ્વચ્છ ભીના કપડાથી અને પછી સૂકા કપડાથી દરવાજો લૂછી લો. હેન્ડલ અને કિનારીઓની જીદ્દી ગંદકી સાફ કરવા માટે નાના સફાઈ બ્રશનો ઉપયોગ કરી શકાય છે.
બાથરૂમના દરવાજામાંથી ગંદકી કેવી રીતે સાફ કરવી
બાથરૂમમાં રહેતા સતત ભેજને કારણે ત્યાંના દરવાજા પર પાણીના ડાઘ, સાબુનો મેલ અને ફૂગ જામવાની શક્યતા રહે છે, ખાસ કરીને દરવાજાના તળિયે ભેજનું પ્રમાણ વધારે હોય છે. બાથરૂમનો દરવાજો સાફ કરવા માટે પહેલા સપાટીને સૂકા કપડાથી લૂછી લો. જો દરવાજો પ્લાસ્ટિક કે લેમિનેટનો હોય, તો હળવા સાબુ અને પાણીનો ઉપયોગ કરો. દરવાજાના તળિયા અને કિનારીઓને બરાબર સાફ કર્યા બાદ તરત જ સૂકા કપડાથી ભેજ હટાવી લો. ઘરમાં હવાનું યોગ્ય પરિભ્રમણ જળવાઈ રહે તે માટે સફાઈ પછી થોડીવાર બાથરૂમનો દરવાજો અને બારી ખુલ્લા રાખો.


