મુંબઈના એક હાઈ-રાઈઝ રેસિડેન્શિયલ ટાવરમાં લિફ્ટની અંદર એક પાલતુ કૂતરો અચાનક આક્રમક થઈ ગયો અને તેણે ત્રણ નાની બાળકીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે સાંજે મુંબઈના પશ્ચિમ ઉપનગર મલાડ સ્થિત ‘શેઠ આઈરીન ટાવર’માં બની હતી.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના પાલતુ કૂતરા સાથે બિલ્ડિંગની લિફ્ટમાં પ્રવેશે છે, જ્યારે ત્રણેય બાળકીઓ પહેલાથી જ અંદર હાજર હતી. લિફ્ટના દરવાજા બંધ થયાના થોડી જ વારમાં, મઝલ (મોઢા પર બાંધવાની જાળી) પહેરેલો કૂતરો અચાનક હિંસક થઈ ગયો અને તેણે બાળકીઓ તરફ તરાપ મારી. બંધ લિફ્ટ જેવી નાની જગ્યામાં આ હુમલાને કારણે બાળકીઓમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

માલિકના કાબૂ બહાર ગયો કૂતરો ફૂટેજમાં કૂતરાની માલકણ તેને કાબૂમાં લેવા અને પાછળ ખેંચવાનો પૂરો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન બે બાળકીઓ કોઈક રીતે લિફ્ટમાંથી બહાર ભાગવામાં સફળ રહી, જ્યારે ત્રીજી બાળકી અંદર જ ફસાઈ ગઈ હતી. માલકણના રોકવા છતાં કૂતરો સતત તે બાળકી તરફ આક્રમક રીતે તરાપ મારતો રહ્યો હતો.
જેવા લિફ્ટના દરવાજા ખુલ્યા, બાળકી જીવ બચાવીને ઝડપથી બહાર ભાગી. કૂતરાએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માલકણે કોઈક રીતે તેને પાછળ ખેંચી લીધો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વીડિયોના અંતમાં કૂતરો એટલો બેકાબૂ દેખાઈ રહ્યો છે કે તે પોતાની માલકણને જ લિફ્ટની બહાર ખેંચી રહ્યો છે, જ્યારે મહિલા તેને રોકવા માટે સંઘર્ષ કરી રહી છે.
કોઈ ફરિયાદ નોંધાઈ નથી પોલીસે માહિતી આપી છે કે આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી અને આ મામલે કોઈ ફરિયાદ પણ નોંધાવવામાં આવી નથી. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મહિલા પાસે પોતાના પાલતુ શ્વાનને લિફ્ટમાં લઈ જવાની સોસાયટી તરફથી મંજૂરી હતી.
જો કે, સદનસીબે કોઈને શારીરિક નુકસાન પહોંચ્યું નથી, પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ સોસાયટીના રહીશો અને વાલીઓમાં ઊંડી ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.


