E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર...

National : ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા

અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતની અસર છેક ભારત સુધી પહોંચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં તમામ જિલ્લાઓમાં પ્રતિબંધ હોવા છતાં ખામેનેઈની હત્યાના વિરોધમાં ત્યાં છેલ્લા બે દિવસથી બંધ અને પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ દેખાવો વધુ ઉગ્ર ન બને અને કોઈ મોટી સમસ્યા ઉભી ન થાય તેને ધ્યાને રાખીને પોલીસે ભીડને વિખેરવા ટિયર ગેસના શેલ છોડ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ખામેનેઈના મોતનો વિરોધ કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં રવિવાર બાદ સોમવારે પણ બંધ પાડવામાં આવ્યો છે, જેના કારણે ખીણમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક સ્થળોએ મનાઈ હુકમનું ઉલ્લંઘન કરી પ્રદર્શનો યોજાયા હતા, જેને અટકાવવા માટે પોલીસ અને અર્ધસૈન્ય દળોએ બળપ્રયોગ કરવો પડ્યો છે.

જમ્મુ-કાશ્મીર સતત બે દિવસ સુધી બંધની અસર માર્કેટ, પરિવહન અને ઓફિસો પર જોવા મળી છે. અહીં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધસૈનિક દળોની ટુકડીઓ તહેનાત કરી દેવાઈ છે. તમામ શિક્ષણ સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ઈન્ટરનેટ સેવાની સ્પીડ સિમિત કરી દેવાઈ છે. તંત્રએ સાવધાનીના ભાગરૂપે અનેક વિસ્તારોમાં એલર્ટ વધારી દીધું છે. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.

શ્રીનગરના અનેક વિસ્તારોના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. બારામુલા, પટ્ટન, માંગામ, બડગામ, પુલવામા, શોપિંયા અને બાંદીપોરાના શિયા બહુમતીવાળા વિસ્તારોમાં પણ જનજીવન ઠપ થઈ ગયું છે. તંત્ર દ્વારા પ્રતિબંધ છતાં શિયા સમુદાયના લોકો એકઠા થયા છે. દેખાવકારોએ હાથમાં પોસ્ટર અને અમેરિકા-ઈઝરાયલ વિરોધી સૂત્રો લખીને લાલચોક તરફ દેખાવો કરવાનો પ્રયાસ કર્યો છે.

બટમાલૂ પાસે પોલીસ અને CRPFના જવાનોએ દેખાવકારોને આગળ જતા અટકાવવાનો અને નિયમોનું ઉલ્લંઘન ન કરવા વિનંતી કરી છે. જોકે તેમ છતાં ભીડે રોષે ભરાઈને ધક્કા-મુક્કી કરવાનો અને બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક દેખાવકારોના હાથમાં પેલેસ્ટાઈની, ઈરાન અને હિઝબુલ્લાના ઝંડા હોવાનું સામે આવ્યું છે. સ્થિતિને થાળે પાડવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે, જેના કારણે હિંસક અથડામણ શરૂ થઈ ગઈ છે. દેખાવકારો વારંવાર એકઠા થઈને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે સુરક્ષા કર્મચારીઓ દ્વારા લગભગ એક કલાકની જહેમત બાદ સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે અને ભીડને પણ ખદેડી દેવાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments