નવી દિલ્હીના ઐતિહાસિક વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત પ્રદાન આપનાર દેશના 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવશાળી યાદીમાં ગુજરાતના 4 ઉત્કૃષ્ટ શિક્ષકોનો સમાવેશ થાય છે. જેમાં શાળા શિક્ષણમાંથી એક, ઉચ્ચ શિક્ષણમાંથી બે અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાંથી એક શિક્ષકનો સમાવેશ થાય છે.
શાળા શિક્ષણ ક્ષેત્રે નીતિન પાઠકે ડિજિટલ ક્રાંતિ સર્જી
રંગપુરની આદિવાસી શાળામાં ફરજ બજાવતા શિક્ષક નીતિન કુમાર મહેન્દ્ર કુમાર પાઠકને શાળા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ પુરસ્કાર મળ્યો છે. તેમણે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની શાળાને ડિજિટલ શિક્ષણના આધુનિક કેન્દ્રમાં પરિવર્તિત કરી હતી. તેમણે ISRO અને રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસમાંથી પણ ખાસ તાલીમ મેળવીને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડ્યું છે.

ઉચ્ચ શિક્ષણમાં IIT અને NFSUના પ્રોફેસરોએ ડંકો વગાડ્યો
ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ગુજરાતના બે તજજ્ઞોને એવોર્ડ એનાયત કરાયો છે. IIT ગાંધીનગરના ડૉ. મિથુન રાધાકૃષ્ણે એન્જિનિયરિંગ, સાયન્સ અને ફાયનાન્સ જેવા વિષયોનું એકીકરણ કરીને વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી એટલે કે ઈનોવેટિવ થિકિંગ કેળવી છે. જ્યારે ગાંધીનગરની રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રો. જયરાજ સિંહ સરવૈયાએ ફોરેન્સિક સાયન્સ, ફૂડ ફાર્મસી અને મેડિકલ ડિવાઇસીસને જોડીને એક નવો શૈક્ષણિક પ્રોગ્રામ વિકસાવી શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે સેતુ બાંધ્યો છે.
ટેકનિકલ શિક્ષણમાં બીલીમોરા ITI ના રાજેશ પટેલ સન્માનિત
ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રમાં બીલીમોરા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના રાજેશ કુમાર એમ. પટેલને રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમણે વાહન તાલીમને આધુનિક ઇનોવેશન અને પ્રત્યક્ષ રોજગાર સાથે જોડીને યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલ્યા છે. આ ચારેય શિક્ષકોએ પોતાની અનોખી કાર્યશૈલી અને સમર્પણથી ગુજરાતની શિક્ષણ પ્રણાલીનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.


