આજથી શરુ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સેમિકન્ડકટર ક્ષેત્ર માટે મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈકોસિસ્ટમ ડેવલપમેન્ટ અંગે સેમિનાર યોજાયો હતો.ભારત સરકારના ઈન્ડિયા સેમિકન્ડકટર મિશનના ડાયરેકટર ડો.મનિષકુમાર હુડા હાજર રહ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગના ૧૨ પ્રોજેકટ મંજૂર થઈ ગયા અને તેમાંથી ૬ ગુજરાતના ફાળે ગયા છે.કારણકે ગુજરાતે સેમિકન્ડકટર ક્ષેત્રે રોકાણને આકર્ષવા માટેની નીતિ બીજા રાજ્યો કરતા વહેલી ઘડી હતી.
અત્યાર સુધીમાં સેમિકન્ડરમાં ૧.૭૦ લાખ કરોડ રુપિયાનું રોકાણ દેશમાં થયું છે.બીજા ૬ જેટલા નવા પ્રોજેકટ દેશમાં શરુ થાય તેવી શક્યતા છે.દેશમાં ૧૨ રાજ્યો વચ્ચે સેમિકન્ડકટર ક્ષેત્રમાં રોકાણ ખેંચવા સ્પર્ધા છે.

તેમણે આગળ કહ્યું હતું કે, સેમિકન્ડકટરની ૨૦૩૫ સુધીમાં ભારત પોતાની જરુરિયાતના ૫૦ ટકા સેમિકન્ડકટરનું ઉત્પાદન કરતું હશે બીજી તરફ ૨૦૩૦ સુધીમાં વિશ્વની સેમિકન્ડક્ટરની માગ ૧૧૦ બિલિયનથી વધીને એક ટ્રિલયન ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે.
ભારત મેન્યુફેકચરિંગમાં ભલે પાછળ રહ્યું હોય પણ સેમિકન્ડકટરની ડિઝાઈન ૧૯૯૯થી બનાવી રહ્યું છે અને આ એક મહત્વની પ્રક્રિયા છે.જેના દમ પર અને વિશાળ માર્કેટના આધારે, સરકારની નીતિઓના કારણે હવે આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને ભારત રોકાણ માટે આકર્ષી રહ્યું છે.એક સેમિકન્ડકટર એટલે કે એક ચિપ બનાવવામાં ૧૪૦ લિટર પાણીનો અને ૧.૫ કિલોવોટ વીજળીની જરુર પડે છે.તેના માટે સતત વીજ સપ્લાય પૂરો પાડવો પડે છે.સેમિકન્ડકટર ક્ષેત્રની આ જરુરિયાત પૂરી પાડવાની ક્ષમતા ભારત પાસે છે.


