ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. બી.એલ.સંતોષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ આ ટીમમાં રાષ્ટ્રીય ખજાનચી પિયુષ ગોયલને પણ આ ટીમમાં રાખવામાં આવ્યા છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલય પ્રભારી તરુણ ચુગ અને કેન્દ્રીય કાર્યાલય સચિવ મહેન્દ્ર પાંડેને બનાવવામાં આવ્યા છે. શિવપ્રકાશ અને સૌધન સિંહને રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ બનાવવામાં આવ્યા છે. રાજેશ મંગલને રાષ્ટ્રીય સંયુક્ત ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એકવાર ભાજપના ટોચના નેતૃત્વમાં પાછા ફર્યા છે. પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું નામ પણ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં છ મહિલાઓ છે, જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને રેખા વર્માનો સમાવેશ થાય છે.
13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો કોણ-કોણ છે?
નીતિન નવીનની ટીમમાં વસુંધરા રાજે સિંધિયા, તીરથસિંહ રાવત, રામ માધવ, બૈજંત જય પંડા, ડી પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલસિંહ આર્ય, એમ નાગરાજ, તારિક મન્સૂર, મધુચંદ્ર કરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાનીની રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણૂક
આ સિવાય વિનોદ તાવડે, સુનીલ બંસલ, વિપલ કુમાર દેબ, સ્મૃતિ ઈરાની, સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
ભાજપે કવિતા પાટીદાર, કે સુરેન્દ્રન, ડો.ભોલા સિંહ, ડો.પ્રદીપ વર્મા, સંદીપ પાઠક, ફાંગનોન કોન્યાક, સંગીતા યાદવ, અનિલ એન્ટોની, ડો.એમ વેંકટેશન, મનોજ ટિગ્ગા અને સિદ્ધાર્થ શંભુને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
અમિત માલવિયાને હટાવ્યા
આ સિવાય પાર્ટીએ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, અમિત માલવિયાને આઇટી સેલના પ્રમુખ પદ પરથી હટાવી દીધા અને તેમની જગ્યાએ છત્તીસગઢના દીપક મ્હાસ્કેને આ જવાબદારી આપવામાં આવી છે. જ્યારે અનિલ બલુની મીડિયા પ્રભારી તરીકે યથાવત્ રહેશે.
હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા
આ સિવાય ભાજપે હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ અને રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ઓબીસી મોર્ચાની જવાબદારી અમરપાલ મૌર્યને સોંપવામાં આવી છે. એસસી મોરચાના અધ્યક્ષ શિવેશ કુમાર રામ અને એસટી મોરચાના અધ્યક્ષ મન્નાલાલ રાવતની નિમણૂક કરવામાં આવી છે. બંસીલાલ ગુર્જરને કિસાન મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે. કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાનો હવાલો સોંપવામાં આવ્યો છે.


