બિહારમાં ગંગા સહિત 8 નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. 14 જીલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લગભગ 36 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોસી, ગંડક અને ઘાઘરા નદીઓ જોખમી સ્તરની ઉપર વહી રહી છે. સારણમાં માહી નદી પર બનેલ જીમીંદારી ડેમ તૂટવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે.
ઉત્તર પ્રદેશમાં 3 જીલ્લામાં શાળાઓ બંધ, 23 જીલ્લામાં વરસાદનું એલર્ટ
ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે લખીમપુર અને બરેલીમાં 8માં ધોરણ સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વારાણસીમાં પ્રી-પ્રાઈમરીથી 5માં ધોરણ સુધીની શાળાઓ બંધ રહેશે, જ્યારે 6 થી 12 ધોરણની શાળાઓ સવારે 9 થી બપોરનાં 3 વચ્ચે ચાલુ રાખી શકાશે. બુધવારે વારાણસી અને પ્રયાગરાજ સહિત 23 જીલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં ઘરો-દુકાનોમાં તિરાડ
ઉત્તરાખંડના પૌડીમાં ભૂસ્ખલનને કારણે મકાનો અને દુકાનોમાં મોટાપાયે તિરાડો જોવા મળી રહી છે. પહાડી જીલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં વરસાદે ફરી એકવાર 3 દિવસનો બ્રેક લીધો છે. હવામાન વિભાગ ભોપાલે 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતાની આગાહી કરી નથી.


