જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપતા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઘોંઘાટ અને વાયુ પ્રદૂષણ ફેલાવ્યા વિના પણ તહેવારોની ઉજવણી કરી શકાય તેમ છે. ગણેશ ઉત્સવ વચ્ચે જ આ આદેશ આપતા, ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની બેન્ચે એમ પણ કહ્યું કે ધામક શોભાયાત્રા દરમિયાન લાઉડસ્પીકર, ડીજે અને લેસર બીમનો ઉપયોગ સંપૂર્ણપણે ગેરવાજબી છે.
શું આપણે લાઉડસ્પીકર અને ફટાકડાનો ઉપયોગ કરશું એટલે ભગવાન આપણને વધુ આશીર્વાદ આપી દેવાના છે ? એક જવાબદાર સમાજ તરીકે, આપણે આ બધું બંધ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે વારી શોભાયાત્રા (પંઢરપુર સુધી પગપાળા યાત્રા) લો. તે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે યોજવાવામાં આવે છે જેમાં કોઈ લાઉડસ્પીકર કે કોઈ પ્રકારનો ઘોંઘાટ કરવામાં આવતો નથી,એમ હાઈકોર્ટે કહ્યું હતું.
કોર્ટે સરઘસો દરમિયાન થતા ગંભીર અવાજ અને વાયુ પ્રદૂષણના મુદ્દા પર સોમવારે સ્વતઃ નોંધ લીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે રસ્તાઓ પર ફટાકડા ફોડવા એ માત્ર ખતરનાક જ નથી પણ ઝેરી પ્રદૂષણનું કારણ પણ બને છે.
ફટાકડા બિલકુલ ફોડી શકાય નહીં. મુંબઈ જેવા શહેરમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવાની પરવાનગી કેમ આપવી જોઈએ? આ સમય એવો છે જ્યારે મુંબઈમાં વાયુ પ્રદૂષણ શરૃ થાય છે અને ધુમ્મસ ફેલાય છે. આને રોકવાની જરૃર છે. દિવસ હોય કે રાત, જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડી શકાતા નથી,એમ કોર્ટે કહ્યું હતું.

પ્રતિબંધક આદેશો કાગળ પર
મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે ૯ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન પરવાનગી વિના પાંચથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કર્યો છે. ફટાકડા અને લાઉડસ્પીકરો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે, એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ કોર્ટે પૂછયું કે શું આદેશનો અમલ થઈ રહ્યો છે. તે ફક્ત કાગળ પર જ છે. આ પ્રતિબંધના ઉલ્લંઘનો થાય છે અને ગેરરીતિઓ આચરાય છે તે બધા જોઈ શકે છે. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, તેઓ હવેથી જાહેર રસ્તાઓ પર ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કરશે અને અધિકારીઓને સરઘસો દરમિયાન અવાજ ડેસિબલ સ્તરને નિયંત્રિત કરવા અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપશે. પોલીસ પાસેથી પરવાનગી લીધેલા તમામ સ્થળો અને સરઘસોમાં આ જ વસ્તુ મુખ્ય રીતે પ્રદશત કરવી પડશે. આ તમામ તહેવારોને લાગુ પડશે,એમ કોર્ટે કહ્યું હતું.
મોટી રકમ ડિપોઝીટ તરીકે લેવામાં આવે
તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે જ્યારે સરઘસો માટે પરવાનગી માંગવામાં આવે ત્યારે સરકાર મોટી સુરક્ષા ડિપોઝિટની માંગ કરી શકે છે.આ પંડાલો (જ્યાં સમુદાયના ગણેશ મૂતઓ સ્થાપિત થાય છે) માટે પૈસાની કોઈ અછત નથી. જો કોઈ ઉલ્લંઘન થાય તો રકમ જપ્ત કરવામાં આવે. આ નિયમ આ એક અવરોધક તરીકે કાર્ય કરશે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
લોકોને આત્મસંયમ રાખવાની વિનંતી કરતા કોર્ટે નોંધ્યું કે મુંબઈ પહેલાથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.રાજ્ય સરકાર આ મામલે લાચારી વ્યક્ત કરી શકે નહીં, એમ ન્યાયાધીશે જણાવ્યું હતું. કાયદાઓ અસ્તિત્વમાં છે, પરંતુ મુદ્દો તેમના કડક અમલીકરણનો છે, એમ તેમાં જણાવાયું છે.હાલમાં, લોકોમાં એવી છાપ છે કે કોઈ પ્રતિબંધ નથી. તેને બદલવાની જરૃર છે,એમ બેન્ચે કહ્યું હતું.
નાગપુર પેટર્ન મુંબઈમાં કેમ નહીં?
નાગપુરમાં પોલીસ કમિશનરે તાજેતરમાં મોડિફાઈ કરેલી સાઉન્ડ સિસ્ટમ અને ડીજે સાથે લેઝર બીમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચોથી સપ્ટેમ્બરથી પહેલી નવેમ્બર સુધી આ બંધી છે. આવી બંધી મુંબઈમાં અને રાજ્યમાં અન્યત્ર કેમ લાગુ થઈ શકે નહીં? એવો સવાલ કોર્ટે કર્યો હતો. શહેરોના પોલીસ કમિશનરો એકબીજાના સંપર્કમાં રહેતા નથી એવું લાગે છે, એમ કોર્ટે જણાવ્યુંહતું.


