મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગુરુવારે સમુદ્રમાં ડૂબી જવાથી આઠ વિદ્યાર્થીઓના મોત થયા હતા. તમામ વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે દિવેઆગર બીચ પહોંચ્યા હતા, દુર્ઘટના બાદ શોધ અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તમામ આઠ વિદ્યાર્થીઓના શવ મેળવી લેવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું.
દુર્ઘટનાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા હતા. તેઓ પુણે જિલ્લાના આળંદી સ્થિત ખાનગી કોચિંગ સંસ્થા ‘વિનર્સ એકેડેમી’ના જૂથ સાથે પિકનિક મનાવવા આવ્યા હતા. દિવેઆગર બીચ મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ ૪૮ લોકોનું જૂથ સમુદ્ર કિનારે આવ્યું હતું. જેમાં ૨૫ છોકરાઓ, ૧૭ છોકરીઓ અને છ શિક્ષકો સામેલ હતા. આ વિસ્તાર દિઘી કોસ્ટલ (તટીય) પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે.
પોલીસના જણાવ્યા મુજબ, આઠ વિદ્યાર્થીઓ સમુદ્રમાં ઉતર્યા હતા. તેઓ પાણીની ઊંડાઈ અને સમુદ્રી પ્રવાહનો સાચો અંદાજ લગાવી શક્યા ન હતા અને મોજાઓ સાથે તણાઈ ગયા હતા. માહિતી મળ્યા બાદ શોધ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અભિયાન દરમિયાન તમામ આઠ વિદ્યાર્થીઓના શબ મળી આવ્યા હતા.


