કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જીજી થોમસને આક્ષેપ કર્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે, જ્યારે તેઓ IAS અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમને પૂછ્યું હતું કે શું તેઓ રાજ્યના પથનમથિટ્ટાથી ભાજપના ઉમેદવાર તરીકે 2019ની લોકસભા ચૂંટણી લડવામાં રસ ધરાવે છે.
થોમસને સ્થાનિક મીડિયા સમક્ષ આ દાવો ત્યારે કર્યો છે જ્યારે ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમાર મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયાના સંચાલન અને ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિમાં મતભેદોના આક્ષેપોને લઈને ભારે વિવાદનો સામનો કરી રહ્યા છે. થોમસનો આ દાવો 2016માં દિલ્હી જતી ફ્લાઇટ દરમિયાન થયેલી વાતચીત અંગે છે, જ્યારે તેઓ કેરળના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા અને કુમાર કેરળ-કેડરના IAS અધિકારી હતા.
સ્થાનિક અખબાર ‘મનોરમા’એ તેમના હવાલાથી લખ્યું છે કે, “તે સમયે હું કેરળના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતો હતો. અમે એક જ ફ્લાઇટમાં સાથે હતા. તેઓ વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કરી રહ્યા હતા અને તેમણે મને ખુલ્લેઆમ પૂછ્યું હતું કે શું હું 2019ની સામાન્ય ચૂંટણીમાં પથનમથિટ્ટાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવામાં રસ ધરાવું છું. તેઓ મને મનાવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મેં તરત જ તે પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.”

2019માં કોંગ્રેસના એન્ટો એન્ટનીએ પથનમથિટ્ટા લોકસભા બેઠક જીતી હતી, જ્યારે CPI(M)ના વીણા જ્યોર્જ બીજા ક્રમે રહ્યા હતા. ભાજપ તરફથી પથનમથિટ્ટા બેઠક પર કે. સુરેન્દ્રન ઉમેદવાર હતા, જેઓ 28.95 ટકા મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતા.
વાંચો | જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરોની બેઠક; ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કુમાર પર આરોપ મૂક્યો હતો કે ચૂંટણીનું સંચાલન કરનાર અધિકારી તરીકે નિમણૂક પામતા પહેલા તેઓ ભાજપ માટે ભરતી પ્રક્રિયામાં સામેલ હતા. થોમસે તેમની કારકિર્દીના શરૂઆતના સમયની અન્ય એક ઘટના પણ યાદ કરી જ્યારે રાજકારણમાં પ્રવેશવા માટે લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે, “જોકે તે સમયે પણ મેં તે પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ જ્ઞાનેશને તે વિશે જાણ થઈ ગઈ હતી અને તેમણે મને રાજકારણમાં પ્રવેશવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો.”
વિપક્ષી પક્ષો કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, અન્ય બે ચૂંટણી કમિશનરો – સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી – એ કમિશન દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે વારંવાર વાંધો ઉઠાવ્યા બાદ તેમની માંગણીઓ વધુ તીવ્ર બની હતી. NDIA બ્લોક પાર્ટીઓ 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં તેમની રણનીતિ પર ચર્ચા કરવા માટે મળે તેવી શક્યતા છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને સંદેશ મોકલ્યો છે કે વિરોધ પક્ષો મળે.
“મેં રાહુલ ગાંધીને સંદેશ મોકલ્યો છે, અને તેમને કહ્યું છે કે આપણે સાથે બેસવું જોઈએ. 30 સપ્ટેમ્બરે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ઇન્ડિયા બ્લોકની બેઠક યોજાશે,” તેણીએ કહ્યું.
CPI(M) ના મહાસચિવ એમએ બેબીએ પણ આ મુદ્દા પર બેનર્જી સહિત વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો છે.


