મેટાએ જણાવ્યું છે કે તે હવે બાળ સુરક્ષા સંબંધિત કેસોની માહિતી સીધી ભારતીય સત્તાવાળાઓને આપવાનું શરૂ કરશે. આ નિર્ણય તેના પ્લૅટફૉર્મ્સ પર બાળ યૌન શોષણ સામગ્રી (CSAM)ને પ્રોત્સાહન આપતી ચૂકવેલ જાહેરાતો અંગે તપાસ પછી લેવામાં આવ્યો છે.
જુલાઈમાં પ્રકાશિત આ તપાસમાં જાણવા મળ્યું હતું કે Instagram ભારતમાં આવી સામગ્રીને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચલાવી રહ્યું હતું.
આ ખુલાસાઓ બાદ ભારત સરકારે મેટાને તેના પ્લૅટફૉર્મ્સ પરથી CSAMને પ્રોત્સાહન આપતી તમામ જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
મેટાના એક પ્રવક્તાએ કહ્યું, “અમારા પ્લેટફોર્મ્સ પર બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને આ ગુનાઓના આરોપીઓને જવાબદાર ઠેરવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે અમે સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છીએ.”
“આ નુકસાન સામે લડવાના અમારા પ્રયત્નોને સામૂહિક રીતે વધુ મજબૂત બનાવવા માટે, Meta હવે બાળ સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સીધી જાણ ભારતીય સાયબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટર સંચાલિત સાયબર ક્રાઇમ પૉર્ટલને કરશે.”

ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટર, જેને I4C તરીકે ઓળખવામાં આવે છે, તે દેશના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
મેટાએ હજી સુધી જણાવ્યું નથી કે આ સીધું રિપોર્ટિંગ ક્યારે શરૂ થશે, તેમાં ચોક્કસ કયા પ્રકારના કેસો આવરી લેવામાં આવશે અથવા આ વ્યવસ્થા વ્યવહારમાં કેવી રીતે કામ કરશે.
અત્યાર સુધી મેટા કહેતું રહ્યું છે કે જ્યારે તેને બાળ શોષણના સ્પષ્ટ કેસોની જાણ થાય છે, ત્યારે તે પોતાની કાનૂની જવાબદારીઓ અનુસાર તેની જાણ અમેરિકામાં સ્થિત નૅશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ ઍક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રન (NCMEC)ને કરે છે.NCMEC એક કેન્દ્રીકૃત રિપોર્ટિંગ સિસ્ટમ ચલાવે છે અને સંબંધિત અહેવાલો અન્ય દેશોની કાયદા અમલ એજન્સીઓને મોકલે છે.
મેટા બાળ સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સીધી જાણ ભારતના સાયબર ક્રાઇમ પૉર્ટલને પણ કરવાનું શરૂ કરશે, ત્યારબાદ સ્થાનિક સત્તાવાળાઓને માહિતી વધુ ઝડપથી પ્રાપ્ત થઈ શકશે.
આ ફેરફાર સોશિયલ મીડિયા પર આવી સામગ્રી કેવી રીતે ફેલાતી અને તેમાંથી કમાણી કરવામાં આવતી હતી તે મુદ્દે ભારતીય સત્તાવાળાઓ અને બાળ અધિકાર સંગઠનોના દબાણ બાદ કરવામાં આવ્યો છે.
બીબીસી આઈની તપાસ બાદ સરકારે મેટાને ઇન્સ્ટાગ્રામ પરથી બાળ યૌન શોષણ સામગ્રીને પ્રોત્સાહન આપતી તમામ જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ(NCPCR)એ પણ આ ખુલાસાઓની નોંધ લીધી હતી અને મેટા પાસેથી સ્પષ્ટતા તથા દસ્તાવેજો માગ્યા હતા.
ત્યાર બાદ તેણે ઔપચારિક તપાસ શરૂ કરી હતી અને મેટા ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર તથા કન્ટ્રી હેડને સમન્સ પાઠવ્યા હતા.
ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર કમિશને અલગથી બે સરકારી મંત્રાલયોને નોટિસો મોકલી હતી. તેની તપાસ એ બાબતની સમીક્ષા કરી રહી છે કે પ્લૅટફૉર્મની સિસ્ટમોએ આ સામગ્રીની પસંદગી, પ્રસાર, પહોંચ વધારવામાં અથવા તેમાંથી કમાણી કરવામાં કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં.
જસ્ટ રાઇટ્સ ફૉર ચિલ્ડ્રન, જે 250થી વધુ સંસ્થાઓનું નેટવર્ક છે, તેણે પણ ભારતના સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં બીબીસીના આ ખુલાસાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેણે અદાલતને સોશિયલ મીડિયા કંપનીઓને બાળ યૌન શોષણ સામગ્રીને પ્રોત્સાહન આપનારા લોકોની ઓળખ કરી તેમની જાણ ભારતીય સત્તાવાળાઓને કરવાની સૂચના આપવા વિનંતી કરી હતી.
તેના સ્થાપક ભુવન રિભુએ જણાવ્યું હતું કે માત્ર અમેરિકામાં સ્થિત સિસ્ટમ મારફતે કેસોની જાણ કરવી પૂરતી નથી.


