આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટીના અન્ય નેતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે ચઢ્ઢાનું આગામી પગલું શું હશે. હાલમાં સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટે તેમની ભવિષ્યની રાજકીય યોજનાઓને લઈને નવી અટકળોને હવા આપી છે.
રાઘવ ચઢ્ઢાએ પોતાના આગામી પગલા તરફ ઈશારો કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક રીલ શેર કરી અને તેને ‘રસપ્રદ વિચાર’ ગણાવ્યો. આ વીડિયોમાં ક્રિએટરે સૂચન આપ્યું છે કે ચઢ્ઢાએ હવે પોતાની અલગ પાર્ટી બનાવી લેવી જોઈએ, જેનાથી તેમને ભારે જનસમર્થન મળશે. રીલમાં ક્રિએટર સીધો રાઘવને સંબોધતા કહે છે- આ સમયે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે રાઘવ ચઢ્ઢા ‘GEN-Z પાર્ટી’ અથવા અન્ય કોઈ યોગ્ય નામથી પોતાની નવી પાર્ટી બનાવે.
ક્રિએટરનું એમ પણ કહેવું હતું કે જો ચઢ્ઢા કોઈ બીજી પાર્ટીમાં સામેલ થાય છે, તો કદાચ તેમને તે સમર્થન ન મળે જે અત્યારે મળી રહ્યું છે, પરંતુ તેમણે આલોચનાનો સામનો પણ કરવો પડી શકે છે. ક્રિએટરના મતે, પોતાની પાર્ટી બનાવવી એ એક સાચો નિર્ણય હશે કારણ કે તેનાથી તેમને યુવાનોનું એકતરફી સમર્થન મળશે. જો કે, ચઢ્ઢાએ આ રીલ શેર ચોક્કસ કરી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત નથી કરી કે તેઓ આગળ શું કરવાના છે.
આશરે એક અઠવાડિયા પહેલા, આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવી દીધા હતા અને તેમની જગ્યાએ અશોક કુમાર મિત્તલને રાજ્ય સભામાં નવા ઉપનેતા નિયુક્ત કર્યા હતા. એટલું જ નહીં, ચઢ્ઢાને સંસદમાં પાર્ટીના ક્વોટામાંથી બોલવા પર પણ રોક લગાવી દેવામાં આવી હતી.

AAPએ ચઢ્ઢા પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીનું કહેવું હતું કે ચઢ્ઢાએ સંસદમાં પાર્ટીના સમયનો ઉપયોગ ‘એરપોર્ટ પર સમોસાની કિંમતો’ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં કર્યો, જેના પર સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ પણ બન્યા હતા.
જે બાદ રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં સીધો હુમલો કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી તેમની વિરુદ્ધ એક સુનિયોજિત અને સ્ક્રિપ્ટેડ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક જ પ્રકારની ભાષા અને એક જ સરખા આરોપો સાથે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ એક પૂર્વઆયોજિત કાવતરું છે.
પાર્ટી દ્વારા તેમના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે આખું વિપક્ષ સંસદમાંથી વૉકઆઉટ કરી રહ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢા સદનમાં જ બેસી રહ્યા હતા અને વિપક્ષનો સાથ આપ્યો ન હતો. રાઘવ ચઢ્ઢાએ ટેકનિકલ પુરાવાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંસદમાં દરેક જગ્યાએ CCTV કેમેરા લાગેલા હોય છે. તેમણે પાર્ટી નેતૃત્વને પડકાર આપ્યો કે તેઓ સંસદના ફૂટેજ કઢાવીને જોઈ લે કે ક્યારે રાઘવે વિપક્ષનો સાથ છોડ્યો છે.


