Home Blog Page 160

Business : સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું

0

 ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ફરી એકવાર મોટા યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો માટે આજે આંચકાજનક દિવસ રહ્યો છે, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,195 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹6,084 નો જંગી કડાકો બોલાયો છે.

સોનાના ભાવની સ્થિતિ (MCX Gold)

માહિતી મુજબ, સોનાના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,52,652

નવો ઓપન ભાવ (Open): ₹1,51,547

વર્તમાન સ્થિતિ: સમાચાર લખવા સુધી સોનું ₹1,51,601 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી અંદાજે 0.69% નીચે છે.

ચાંદીના ભાવમાં ગાબડું (MCX Silver)

ચાંદીમાં સોના કરતા પણ વધુ વેચવાલી જોવા મળી રહી છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,43,274

નવો ઓપન ભાવ (Open): ₹2,38,362

વર્તમાન સ્થિતિ: અત્યારે ચાંદી ₹2,38,100 ના લેવલ પર જોવા મળી રહી છે. ઓપનિંગમાં જ ચાંદી ₹5,000 થી વધુ તૂટી હતી અને કુલ કડાકો ₹6,084 સુધી પહોંચ્યો હતો.

કેમ ઘટ્યા ભાવ?

એકબાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી ભીષણ યુદ્ધના ભણકારા અને ભૂ-રાજકીય તણાવમાં થોડી રાહત અથવા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હોય તેમ જણાય છે. સમાચાર લખવા સુધી બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે અને નીચલા સ્તરેથી થોડી રિકવરીના પ્રયાસો થઈ રહ્યા છે.

World : અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર

0

ગ્લોબલ ટેન્શન ફરી એકવાર તેની ચરમસીમાએ પહોંચ્યું છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો કોઈપણ પરિણામ વિના પૂરી થતા તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. મંત્રણા નિષ્ફળ જતાં અને ટ્રમ્પ પ્રશાસને ઈરાની બંદરોની નાકેબંધી કરવાની જાહેરાત કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઈલમાં 8 ટકાનો તોતિંગ ઉછાળો

સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ એકાએક 8 ટકાથી વધુ વધીને ફરીથી 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે.

WTI ક્રૂડ: 8 ટકાની તેજી સાથે 104.24 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું.

બ્રેન્ટ ક્રૂડ: 7 ટકાથી વધુના ઉછાળા સાથે 102.29 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.સીઝફાયર દરમિયાન તેલના ભાવ ઘટીને 95 ડોલર સુધી આવ્યા હતા, પરંતુ હવે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાતા ભાવમાં આગ લાગી છે.

હોર્મુઝ સ્ટ્રેટ: દુનિયાની લાઈફલાઈન પર સંકટ

ઈસ્લામાબાદ મંત્રણા ફેઈલ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને લઈને ટેન્શન વધી ગયું છે. આ એક એવો સમુદ્રી માર્ગ છે જ્યાંથી દુનિયાના કુલ તેલ પુરવઠાનો 20 ટકા હિસ્સો પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને કુવૈત જેવા મોટા તેલ નિકાસકાર દેશો આ રૂટ પર નિર્ભર છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) ઈરાની પોર્ટ્સની નાકેબંધી જાહેર કરતા આ માર્ગ પર જોખમ વધી ગયું છે.

ટ્રમ્પ હવે શું કરશે?

અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંત્રણા નિષ્ફળ જતાં અત્યંત નારાજ છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ હવે ઈરાન વિરુદ્ધ ફરીથી મોટા પાયે ‘બોમ્બિંગ ઓપરેશન’ (Bombing Operation) શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાની બંદરો પર આવતા-જતા તમામ જહાજોને રોકશે, જેનો હેતુ ઈરાન પર આર્થિક અને સૈન્ય દબાણ વધારવાનો છે.

World : ચીન જો ઈરાનને શસ્ત્રો આપશે તો તે તેને માટે જ મુશ્કેલી ઊભી કરશે : ડોનાલ્ડ ટ્રમ્પ

0

ચીન એક તરફથી દાવો કરે છે કે યુદ્ધવિરામ તેણે કરાવ્યો છે સાથે ઈરાનને શસ્ત્રો આપતું હોવાનો દાવો તે નકારી કાઢે છે

ઉલ્લેખનીય તે છે કે વાસ્તવમાં બંને પક્ષોને મંત્રણાના મેજ ઉપર આવવા ચીને જ સમજાવ્યા હતા, તેમ ચીન દાવો કરે છે. આ પછી બંને પક્ષો પાકિસ્તાનમાં મંત્રણા માટે મળ્યા હતા. પરંતુ તેમાં કોઈ સમાધાન સાધી શકાયું નહીં. પરિણામે તે યુદ્ધ ફરી ફાટી નીકળે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

શનિવારે સાંજે વ્હાઇટ-હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમને ચીન દ્વારા ઈરાનને અપાતાં શસ્ત્રો વિષે પૂછવામાં આવ્યું કે ચીન ત્રીજા દેશ દ્વારા ઈરાનને શસ્ત્રો પહોંચાડે છે તે વિષે આપને શું કહેવાનું છે ? તેના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું હતું કે મેં ચીનને ચેતવણી આપી જ દીધી છે કે જો તમે ત્રીજા પક્ષ દ્વારા પણ ઈરાનને શસ્ત્રો વેચશો તો પણ તમો તમને પોતાને બહુ મોટી મુશ્કેલીમાં મુકી દેશો.આ સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને આડકતરી રીતે પણ સહાય કરશે તે દેશો ઉપર હું ૫૦ ટકા ટેરીફ લગાડી દઈશ.

દરમિયાન અમેરિકાની વીજાણુ પ્રસારણ સેવા, સી.એન.એન. અમેરિકાનાં જાસૂસી તંત્રના અહેવાલો ટાંકતાં જણાવે છે કે ચીન ઈરાનને હવાઈ હુમલા સામે સંરક્ષણ આપતી મીસાઇલ્સ સીસ્ટીમ સહિત બીજાં અનેકવિધ શસ્ત્રો ઈરાનને પહોંચાડે છે. આથી ઈરાનની યુદ્ધ ક્ષમતા ઘણી પ્રબળ બની છે.

ચીન ભલે તેમ કહે કે તે ઈરાનને તેની અદ્યતન એરડીફેન્સ સીસ્ટીમ આપવા સાથે બીજાં અનેક શસ્ત્રો આપે છે જે અમેરિકાની જાણ બહાર નથી જ. આ સાથે અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ફાટી નીકળવાની શક્યતા પત્રકારોને પ્રમુખ ટ્રમ્પને પૂછેલાં પ્રશ્નો ઉપરથી જાણી શકાય છે.

Ahmedabad : એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

શહેરના એસપી રીંગ રોડ પર આવેલા રામોલ ટોલનાકા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પેન્સીલના પાવડરની આડમાં લઇ  જવામાં આવી રહેલા રૂપિયા ૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસ ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા પટીયાલાથી દારૂનો જથ્થો ભરાવીને ખેડા સુધી લઇ જવાની સુચના આપવામાં આવી હતી.

સાથેસાથે આ પહેલા પણ તે એક  કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ લાવી ચુક્યો હતો. આ  અંગે એસએમસીએ વધુ તપાસ શરૂ કરી છે.પંજાબના પટીયાલાથી એક બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રીંગ રોડ પરથી અસલાલી તરફ લઇ જવામાં આવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારી આર જી ખાંટને મળી હતી. જેના આધારે શનિવારે રાતના સમયે રામોલ ટોલનાકા પર વોચ ગોઠવીને દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧.૦૬ કરોડની કિંમતની ૨૦ હજાર જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ટ્રક ડ્રાઇવર ચુનારામ જાટની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રકના માલિક દેદરામ જાટે તેને નોકરી પર રાખ્યો હતો અને ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાની એક ટ્રીપ બદલ ૩૦ હજાર આપવાની ખાતરી આપી હતી. જેથી ટ્રક લઇને પટીયાલા ગયો હતો. જ્યાં દારૂ લોડ થતા તે રીંગ રોડ થઇને ખેડા જતો હતો. ત્યારે પોલીસે ઝડપી લીધો હતો. તેણે પોલીસને એવી પણ વિગતો આપી હતી કે આ ટ્રીપ પહેલા તે એક કરોડની કિંમતનો વિદેશી દારૂ લઇને ખેડા આવ્યો હતો. જ્યાં એક હોટલ પર આવતા બાઇક પર આવેલા બે યુવકો ટ્રક લઇ ગયા હતા અને ખાલી કરીને ટ્રક પરત આપી હતી. આમ, દારૂ પહોંચતુ કરવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે.

National : ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે

0

ચીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેની પાસે એક આખો પ્રાંત વસાવ્યો છે. અફઘાનિસ્તાન અને પીઓકેની નજીક ઉભા કરાયેલા આ પ્રાંતને સેનલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે કારાકોરમ પર્વતમાળા નજીક આવેલો છે. ચીનના શિનજિઆંગ વિસ્તારમાં આ પ્રાંત તૈયાર કરવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાં અગાઉ બે પ્રદેશો ચીન તૈયાર કરી ચુક્યું છે. જેનો ભારત દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તેમ છતા આ વિરોધને અવગણીને હવે ચીને પીઓકેની પાસે ત્રીજો પ્રદેશ બનાવી નાખ્યો છે. ગયા વર્ષે ભારતે કહ્યું હતું કે હેઆન અને હેકાંગ નામના બે પ્રદેશો જે વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યા છે તે વિસ્તાર ભારતનો જ છે અને તે લદ્દાખ સાથે જોડાયેલો હિસ્સો છે. ચીનને આ વિસ્તારમાં કોઇ જ બાંધકામ કે સુધારા વધારા કરવાનો અધિકાર નથી તેવા સ્પષ્ટ શબ્દોમાં ભારતે વિરોધ નોંધાવ્યો હતો. જોકે હવે એવા અહેવાલો છે કે ચીને પીઓકે-અફઘાનિસ્તાન સરહદ પાસે નવો પ્રદેશ સ્થાપી દીધો છે. શાંઘાઇ સ્થિત ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર લિન મિનવાંગે કહ્યું હતું કે નવા પ્રદેશો તૈયાર થવા એ દર્શાવે છે કે ચીન આ વિસ્તારને લઇને બહુ જ ગંભીર છે. 

ચીને ન માત્ર પીઓકે પાસે એક નવો પ્રદેશ સ્થાપિત કરી દીધો સાથે સાથે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ પણ પોતાની મનમાની મુજબ બદલી નાખ્યા છે. જેનો ભારત દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો છે, ભારતે કહ્યું છે કે ચીનની આ કોશીશને ભારત પુરી રીતે નકારે છે, ચીન જે નામો આપી રહ્યું છે તે કાલ્પનીક છે અને તેનાથી આ વિસ્તારો પર કોઇ જ અસર નહીં થાય. તેની સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં થાય. અરુણાચલ પ્રદેશ સહિત તમામ સ્થળો ભારતના હતા, ભારતના છે અને ભારતના જ રહેશે. નામ બદલવાથી સચ્ચાઇ નહીં બદલાઇ જાય. ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો હિસ્સો માને છે જેના પર તે અગાઉ કબજો કરી ચુક્યું છે. જોકે નામ બદલવા કોઇ નવી વાત નથી અગાઉ ચીને અનેક વખત અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલ્યા છે. ભારતે દર વખતે વિરોધ નોંધાવ્યો છે તેમ છતા ચીન બદલવા તૈયાર નથી. 

ચીનની તાકાત સામે આંખ આડા કાન ના કરી શકાય : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંસારી

નવી દિલ્હી: ભારતનો સૌથી મોટો દુશ્મન ચીન છે તેમ કહેવુ છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનું, હામિદ અંસારીએ ભારતના પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ સાથે વાતચીત કરી હતી જે દરમિયાન આ દાવો કર્યો હતો. હામિદ અંસારીએ કહ્યું હતું કે ચીન સામે આંખ આડા કાન ના કરી શકાય, ચીન ભારત કરતા અનેકગણુ વધુ શક્તિશાળી બની ગયું છે. વાત સૈન્યની હોય કે આર્થિક બાબતોની ચીનની ક્ષમતા ઘણી વધુ છે અને તે વાતને ભારતે ગંભીરતાથી લેવાની જરૂર છે. ચીન ભૌગોલિક દ્રષ્ટીએ પણ ઘણો મોટો દેશ છે એટલુ જ નહીં ચીન વિકસિત દેશ છે. હામિદ અંસારી વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયેલા હતા આ દરમિયાન તેમણે અનેક દેશોમાં સેવા આપી.  

World : શાંતિ વાર્તાનું સુરસુરીયું : હોર્મુઝ પર ટ્રમ્પનો કબજો

0

મધ્ય-પૂર્વમાં ૪૦ દિવસથી ચાલતા અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો અંત લાવવા પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે શરૂ થયેલી અમેરિકા અને ઈરાનની શાંતિ મંત્રણા ૨૧ કલાકની મેરેથોન ચર્ચા પછી આખરે પડી ભાંગી હતી. શાંતિ મંત્રણા પડી ભાંગવાથી ધૂંઆપૂઆં થયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા અને ક્યુબાની સ્ટાઈલમાં હોર્મુઝની ખાડી પર કબજો કરીને નાકાબંધી કરી દીધી છે. ટ્રમ્પે દુનિયાના દેશોને ચેતવણી આપી છે કે ઈરાનને ટોલ આપનારા કોઈપણ જહાજને સમુદ્રમાં જ તોડી પડાશે. આ પહેલાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે અમેરિકાની શરતો માનવા ઈરાન તૈયાર નહીં થયું હોવાનો દાવો કરીને મંત્રણા પડી ભાંગી હોવાનું જાહેર કર્યું અને ઈસ્લામાબાદથી રવાના થઈ ગયા હતા. બીજીબાજુ ઈરાને અમેરિકા પર અતાર્કિક શરતો નાંખવાનો આરોપ મૂક્યો હતો. ઈસ્લામાબાદમાં મંત્રણા પડી ભાગતા રશિયાએ ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ માટે અમેરિકા અને ઈરાનની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં રઘવાયા બનેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે હોર્મુઝની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ જહાજ ઈરાનને ટોલ આપીને અહીંથી પસાર થશે તો અમેરિકન નેવી તેને સમુદ્રમાં ડુબાડી દેશે. અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ પાકિસ્તાનથી રવાના થઈ ગયા પછી પ્રમુખ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર બે લાંબી પોસ્ટ લઈને ઈરાને તેમની વાતો નહીં માની હોવા અંગે ભારે નારાજગી દર્શાવી હતી.

વાટાઘાટો નિષ્ફળ રહેતાં અમેરિકન નેવીને ટ્રમ્પનો તુરંત આદેશ

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના નેતૃત્વમાં ઈસ્લામાબાદમાં ૨૧ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી. વાતચીત સારી રહી, પરંતુ ઈરાને હોર્મુઝની ખાડી ખોલવાનું વચન આપ્યું હતું, હવે તે ઈનકાર કરી રહ્યું છે. તેથી અમેરિકન નેવીને તુરંત પ્રભાવથી હોર્મુઝની ખાડીના રસ્તાની નાકાબંધી કરવાનો આદેશ આપી દેવાયો છે.હોર્મુઝમાં માઈન્સ પાથરી દુનિયાને બ્લેકમેલ કરવાનું કૃત્ય નહીં ચાલે ઃ ટ્રમ્પ

ટ્રમ્પે ઉમેર્યું કે, ઈરાન કહે છે કે હોર્મુઝની ખાડીમાં માઈન્સ પાથરેલી છે. આ દુનિયાને બ્લેકમેલ કરવાનું સૌથી ખરાબ કૃત્ય છે. અમેરિકન નેવી આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં એવા દરેક જહાજને શોધશે અને રોકશે જેનાથી ઈરાનનને કોઈપણ ગેરકાયદે ટોલ ચૂકવવામાં આવ્યો હશે. જે ટોલ આપશે તેને સમુદ્રમાંથી સુરક્ષિત જવા નહીં દેવાય. તેને સમુદ્રમાં જ ડુબાડી દેવાશે.

ઈરાનના પ્રમુખ પઝેશ્કિયાને રશિયન પ્રમુખ પુતિન સાથે વાત કરી

બીજીબાજુ શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી ઈરાનના પ્રમુખ મસુદ પઝેશ્કિયાને રવિવારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ સમયે પુતિને તેમને શાંતિ માટે મધ્યસ્થતા કરવાની દરખાસ્ત કરી હતી. ક્રેમલિનના જણાવ્યા મુજબ પુતિને સ્પષ્ટ કહ્યું કે તેઓ આ સંઘર્ષનું રાજકીય અને કૂટનીતિક સમાધાન કાઢવામાં મદદ કરવા તૈયાર છે અને ક્ષેત્રમાં સ્થાયી શાંતિ ઈચ્છે છે.

જેડી વેન્સ અને ગાલિબાફના નેતૃત્વમાં વાટાઘાટો થઈ

આ પહેલાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા પર આખી દુનિયાની નજર હતી. અમેરિકા તરફથી ઉપપ્રમુખ જેડી વેન્સ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર અને વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વીટકોફ તથા ઈરાન તરફથી સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ, વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સહિત ૭૦ સભ્યોના પ્રતિનિધિમંડળે બે તબક્કા સુધી ચર્ચા કરી હતી. 

ગંભીરતાથી ચર્ચા થઈ, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં ઃ વેન્સ

આ મંત્રણાના અંતે જેડી વેન્સે ઈસ્લામાબાદમાં મીડિયા સાથેની ટૂંકી વાતચિતમાં કહ્યું, બંને પક્ષો વચ્ચે લગભગ ૨૧ કલાકની ગંભીર ચર્ચા થઈ અને અનેક મુદ્દાઓ પર વાતચીત આગળ વધી. જોકે, તેમ છતાં અંતે કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી. 

સારી વાત એ હતી કે વાતચીત ગંભીર રહી, પરંતુ ખરાબ સમાચાર એ છે કે કોઈ ડીલ થઈ શકી નથી. આ સ્થિતિ અમેરિકા કરતાં ઈરાન માટે વધુ નુકસાનકારક છે. અમેરિકાએ પોતાની શરતો અને રેડ લાઈન્સ સ્પષ્ટ કરી દીધી હતી, પરંતુ ઈરાને તે સ્વીકારી નહીં.

દુષ્ટ અને નીચ અમેરિકા વિશ્વાસને લાયક નથી : ઈરાન

બીજીબાજુ ઈરાને શાંતિ મંત્રણાની નિષ્ફળતાનો દોષનો ટોપલો અમેરિકા પર નાંખ્યો હતો. ઈરાને કહ્યું, અમેરિકા યુદ્ધમાં જે હાંસલ ના કરી શક્યું તે ટેબલ પર મેળવવા માગતું હતું. ઈરાને અમેરિકાને દુષ્ટ અને નીચ પણ ગણાવ્યું હતું. ઈરાનની સંસદના અધ્યક્ષ ગાલિબાફે કહ્યું કે, અમેરિકા વિશ્વાસ લાયક નથી. તેમની ટીમે અનેક સકારાત્મક પ્રસ્તાવ રજૂ કર્યા, પરંતુ અમેરિકા તેમનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયા. ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા નિષ્ફળ જતા હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળાની આશંકા છે. જોકે, હાલ રાહતની વાત એ છે કે શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી પણ બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂ કર્યા નથી.

– ઈરાન યુદ્ધમાં 11 અબજ ડોલરનો ખર્ચ થયો : ઈઝરાયેલ

તેલ અવીવ: અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાનમાં એક સાથે હુમલા કરી મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ કર્યું હતું. ૪૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ઈઝરાયેલને ૧૧ અબજ ડોલરનો ખર્ચ થયો છે તેમ ઈઝરાયેલના નાણામંત્રાલયે સંસદને જણાવ્યું હતું. મંત્રાલયે બજેટ ખર્ચમાં ૩૫ અબજ શેકેલ (૧૧.૫૨ અબજ ડોલર)નો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી ૨૨ અબજ શેકેલ સંરક્ષણ પાછળ ખર્ચાશે. આ રકમ પહેલાથી જ ૨૦૨૬ના બજેટમાં ઉમેરવામાં આવી છે.

World : સાઉદી અરેબિયા અને કતાર પાક.ને પાંચ અબજ ડોલર આપશે

0

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સાઉદી અરેબિયા અને કતાર પાસેથી પાંચ અબજ ડોલરની નાણાકીય સહાયતા મળવાની છે તેમ એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આ મદદ તેની નબળી આર્થિક સહાયતા માટે વરદાનરૃપ સાબિત થશે. સ્થાનિક મીડિયા અનુસાર આ મદદ એવા સમયે આવશે જ્યારે ઇસ્લામાબાદ ચાલુ મહિને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ને ૩.૫ અબજ ડોલર ચુકવવાની તૈયારી કરી રહ્યું છે અને તેના ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર દબાણ બનેલુ છે.

નાણા મંત્રાલયનાં સૂત્રોનાં સંદર્ભથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનનાં નબળા ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર પડનારા દબાણને ઘટાડવા માટે સાઉદી અરેબિયા અને કતાર પાંચ અબજ ડોલરની નાણાકીય સહાયતા કરશે.આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે નાણા પ્રધાન મોહમ્મદ ઔરંગઝેબ આઇએમએફ-વિશ્વ બેંકની સ્પ્રિંગ મિટિંગમાં ભાગ લેવા અને પાકિસ્તાનની આર્થિક કૂટનીતિને આગળ વધારવા માટે વોશિંગ્નટનનાં પ્રવાસે છે.

ઔરંગઝેબ ૧૩ થી ૧૮ એપ્રિલ સુધી થનારી આ બેઠકોમાં ભાગ લેશે. જ્યાં તે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) અને વિશ્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રણા કરશે.

નીતિ ઘડનારાઓ આ મુલાકાતોને એક વ્યાપક વ્યૂહાત્મક પહોંચનો ભાગ માની રહ્યાં છે. તેનાથી સંકેત મળી રહ્યાં છે કે વર્તમાન સ્થિતિમાં કાર્યક્રમની કડક શરતોે અથવા યુએઇ જેવા ત્રીજા પક્ષનાં ગેરંટર પર નિર્ભરતા જેવા પારંપરિક કારકોનું મહત્ત્વ કદાચ સમાપ્ત થઇ જશે.

Gujarat : અમદાવાદના વસ્ત્રાલમાં ONGCની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં લીકેજ, તંત્ર દોડતું થયું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે(12 એપ્રિલ) ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વસ્ત્રાલના હરેશ્વર આર્ક નજીક RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પની પાછળના ભાગેથી પસાર થતી ONGCની લાઇનમાંથી અચાનક ઓઇલ નીકળવાનું શરૂ થતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પાઈપલાઈનમાંથી પ્રેશર સાથે ક્રૂડ ઓઈલ નીકળવાના કારણે આસપાસના ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર ઓઈલ ફરી વળ્યું છે. ક્રૂડ ઓઈલ અત્યંત જ્વલનશીલ હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે આગ ન લાગે તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા, જેમને સુરક્ષિત અંતરે ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ઓઇલ લીકેજની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ONGCની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વધુ નુકસાન કે દુર્ઘટના રોકવા માટે ONGC દ્વારા તાત્કાલિક અસરથી લાઇનનો મેન વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રામોલ પોલીસ દ્વારા હરેશ્વર આર્ક તરફ જતો રસ્તો વાહનવ્યવહાર માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હાલમાં ONGCની ટીમ દ્વારા પાઇપલાઇનના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે સ્થાનિક વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

0

વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણ અને લીવ-ઇન રિલેશનના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. લાખાણી તાલુકાની એક પરણિત મહિલા, જે યુવક સાથે મૈત્રી કરાર પર રહેતી હતી, તેણે હવે કેશવ માળી નામના યુવક સામે આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘ડેડુવા ગામના કેશવ ભલાજી માળીએ મને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ મને અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી સામે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.’ આ ઉપરાંત યુવતીનો આક્ષેપ છે કે યુવકે બળજબરી પૂર્વક લીવ-ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવવામાં આવી હતી.

યુવતીને જાનથી મારી નાખવાની ધમકી!

કેશવ યુવતીને તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબી તપાસ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે શોધખોળ આદરી તેને અમદાવાદના વટવા વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને પરત લાવ્યા હતા. યુવતીએ માત્ર કેશવ જ નહીં, પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ ટરૂવા ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી સામે પણ ફરિયાદ કરી છે. પીડિતાના જણાવ્યાનુસાર, આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગથળા પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો (87, 64(1), 351(3) વગેરે) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મામલે યુવકને ઢોર માર મારવા બદલ યુવતીના 12 પરિવારજનો સામે ફરિયાદ થઈ હતી, ત્યારે હવે યુવતીના નિવેદન બાદ મામલો વધુ ગૂંચવાયો છે.

Bollywood : ‘માડી તારું કંકુ ખર્યું’ થી ‘છાનું રે છપનું’ સુધી: આશા ભોસલેએ ગાયેલા એવરગ્રીન ગુજરાતી ગીતો, જે દરેકના હૈયે વસેલા છે

0

દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું આજે(12 એપ્રિલ) 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને કાર્ડિયાક અરેસ્ટ શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે. આશા ભોસલેના નિધનથી માત્ર સિનેમા જગતના લોકો જ દુઃખી જ નથી, પરંતુ અનેક દિગ્ગજ નેતા પણ દિગ્ગજ સિંગરથી દુઃખમાં છે. તેમણે માત્ર હિન્દી જ નહીં પણ ભારત દેશની અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.

ખાસ કરીને ગુજરાતી સંગીત સાથે તેમનો નાતો ખૂબ જ જૂનો અને અતૂટ રહ્યો છે. ગુજરાતી સિનેમાના સુવર્ણકાળ દરમિયાન આશા ભોસલેએ ઘણા યાદગાર ગીતો ગાયા હતા. ગુજરાતી સુગમ સંગીતથી લઈને ફિલ્મી ગીતો સુધી, આશાજીએ એવા અનેક ગીતો આપ્યા છે જે આજે પણ દરેક ગુજરાતીના હૈયે વસેલા છે.

ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો આશા ભોંસલેએ ગુજરાતી સંગીતના દિગ્ગજ સંગીતકારો જેવા કે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા અને આજીત મર્ચન્ટ સાથે ઘણું કામ કર્યું છે. આશા ભોસલેએ અવિનાશ વ્યાસના સંગીત નિદર્શન હેઠળ અનેક સુપરહિટ ગીતો ગાયા છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

આશાજીએ ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતો, જેમાં કેટલાક જુગલબંધીમાં ગાયેલા છે

જય આદ્યા શક્તિ

છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો

છાનું રે છપનું કંઇ થાય નહિં

તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે

એક પાટણ શેરની નાર પદમણી

તારો લટકો છે સવા લાખનો

ધમક ધમક ધમ સાંબેલુ

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા

મારા પાલવડે બાંધ્યો જશોદાનો જાયો..

ખમ્મા મારા નંદજીના લાલ

તારા ફળીયામાં પગ નહીં મેલુ

ક્યાં રમી આવ્યા રાસ…

ઉંચી તલાવડીની કોર..

છલકાતુ આવે બેડલું

હે રંગલો જામ્યો..

માનું ગગન ઘેરાઈ ગયું..

ઉભી શેરીને ઉભી બજાર..

ફુલડા વિણવા ગઈતી..

મેલો મેલો રે મારગડો

માં પાવા તે ગઢથી

આશા ભોસલેએ માત્ર ગીતો જ નથી ગાયા, પરંતુ ગુજરાતી ગઝલ અને કવિતાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે. આજે જ્યારે નવી પેઢીના ગાયકો ગુજરાતી સંગીતને રિ-મિક્સ કરી રહ્યા છે, ત્યારે આશાજીના ઓરિજિનલ ગીતો હજુ પણ બેન્ચમાર્ક ગણાય છે. આશા ભોસલેના આ ગુજરાતી ગીતો હંમેશા આપણી સંસ્કૃતિનો હિસ્સો બની રહેશે.