Home Blog Page 159

Gujarat : વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો

0

વડોદરાના દરજીપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે આજે ટેક્નિકલ ખામીના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જીસ્વાન સર્વરની કનેક્ટિવિટી ખોરવાતા ડ્રાઇવિંગ ટેસ્ટનું સમગ્ર કામકાજ ઠપ થઈ ગયું હતું. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટેસ્ટ આપવા માટે દૂર દૂરથી આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. કચેરી બહાર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઘણા અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ સમયસર ટેસ્ટ આપવા માટે પહોંચ્યા જો કે સર્વર ડાઉન હોવાને કારણે કામ થઈ શક્યું નહોતું, જેના કારણે સમયનો વ્યય થયો હતો.

World : ઈરાન મુદ્દે અમેરિકા અને ચીન સામસામે, ચીન પર 50 ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી, જાણો કેમ?

0

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન વિરુદ્ધ આર્થિક મોરચો ખોલવાની તૈયારી બતાવી છે. ન્યુઝ ચેનલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો ચીન ઈરાનને શસ્ત્રો પૂરા પાડશે, તો ચીનથી અમેરિકા આવતા તમામ સામાન પર 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ નિવેદનથી વૈશ્વિક શેરબજાર અને વેપાર જગતમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

અમેરિકી ગુપ્તચર અહેવાલો મુજબ, ચીન દ્વારા ઈરાનને એન્ટી-એરક્રાફ્ટ ‘શોલ્ડર મિસાઇલો’ (ખભા પર રાખીને છોડી શકાય તેવી મિસાઈલ) સપ્લાય કરવામાં આવી રહી હોવાની આશંકા છે. ટ્રમ્પે જણાવ્યું કે, જોકે ચીન આવું જોખમ લે તેવી શક્યતા ઓછી છે, પરંતુ જો અમેરિકાને આવા કોઈ પુરાવા મળશે તો ચીની અર્થતંત્રને મોટું નુકસાન વેઠવું પડશે. ટ્રમ્પે ઉમેર્યું કે, “ચીની નેતૃત્વ સાથે મારા સારા સંબંધો છે, પરંતુ અમેરિકાની સુરક્ષા અને ઈરાન પરના દબાણના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.”

આ ધમકી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો કોઈ પણ નિષ્કર્ષ વગર પૂરી થઈ છે. ટ્રમ્પે આ નિષ્ફળતા માટે ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને જવાબદાર ગણાવી છે. તેમણે વધુમાં આક્રમક વલણ દાખવતા કહ્યું કે, “અમેરિકા હવે ઈરાનના જોખમને સંપૂર્ણપણે ખતમ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે.”

બીજી તરફ, રશિયાએ પણ આ મામલે સક્રિયતા દાખવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને વાટાઘાટોની નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી અને શાંતિ પ્રયાસોમાં રશિયા તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે.

National : ‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક

0

હૈદરાબાદમાં HIV પોઝિટિવ યુવકના કારણે 22 વર્ષિય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ મુજબ યુવક અને યુવતી વચ્ચે લગ્ન થવાના હતા, જોકે તે પહેલા યુવતીને ચેપની જાણ થતાં તેણીએ યુવક સાથે સંબંધો તોડી નાખ્યા હતા, જેના કારણે યુવક નારાજ થયો હતો અને તેણે મંગેતરને બોલાવીને ચેપી લોહીનું ઈન્જેક્શન આપી દીધું હતું. આ જ કારણે યુવતીએ નારાજ થઈને આત્મહત્યા કરી લીધી છે.

પરિવારજનોએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતા મહિને એક સંબંધીએ યુવતીને બળજબરીથી એચઆઈવી ચેપનું લોહીનું ઈન્જેક્શન આપ્યું હતું. આ ઘટના 11 માર્ચે થઈ હતી, જ્યારે યુવતીના પરિવારને તે યુવક એચઆઈવી પોઝિટિવ હોવાની માહિતી મળી હતી. ત્યારપછી પરિવારે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.

યુવતીએ દાદીના ઘરે ફાંસો ખાધો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે. પ્રાથમિક તપાસ મુજબ પોલીસે કહ્યું કે, ‘યુવતીએ HIV યુવક સાથે લગ્ન તોડી નાખ્યા હોવાની સોશિયલ મીડિયા પર માહિતી વાયરલ થઈ હતી, જેના કારણે યુવતી પરેશાન થઈ હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી અને મૃતક યુવતી સંબંધી હતા. અગાઉ બંનેના પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. જોકે સપ્ટેમ્બરમાં મેડિકલ તપાસ બાદ યુવક એચઆઈવી પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. આ કારણે યુવતીના પરિવારે લગ્ન તોડી નાખ્યા હતા. ત્યારપછી આરોપી યુવતીને લગ્ન કરવા માટે મજબૂર કરવા માંગતો હતો, જેના કારણે તેણે કથિતરીતે યુવતીને બળજબરીથી ચેપી લોહીનું ઈન્જેક્શન માર્યું હતું.

લગ્ન તૂટી ગયા બાદ યુવકે યુવતીને કહ્યું કે, જો તું મારી ન થઈ શકે તો તું બીજાની પણ ન થઈ શકે. હું તને બીજાની નહીં થવા દઉ. ઘટના બાદ યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પછી તેણીનું મોત થઈ ગયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોચારમ આઈટી કૉરિડોર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો કેસ દાખલ કરીને પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે.

National : મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત

0

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં આજે સોમવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ મુરબાડના ગોવિલી ગામમાં આવેલા રૈતા પુલ પર બની હતી. એક વાન અને સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાનમાં સવાર 9 મુસાફરોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, બચાવ દળ અને તબીબી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 3 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત રૈતા પુલ પર થયો હોવાથી ત્યાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Entertainment : બે દંતકથા સમાન જીવન, એક જેવી વિદાય: લતાજી અને આશાજીના જીવનના અંતિમ અધ્યાયમાં ચોંકાવનારી સમાનતા

0

આશા ભોસલેનું રવિવારે મુંબઈની Breach Candy Hospitalમાં મૃત્યુ થયું હતું. તેમને ચેસ્ટ ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. જોકે તેમણે જ્યારે અંતિમ શ્વાસ લીધો ત્યારે તેમની અને તેમની બહેન લતા મંગેશકરની વચ્ચે ઘણી ચોંકાવનારી સમાનતા જોવા મળી હતી. તેમણે બન્નેએ એક જ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા અને એ પણ રવિવારે અને એ પણ 92 વર્ષની ઉંમરે જ. આથી તેમની આ સમાનતાને કારણે તેમના ચાહકો વધુ ભાવુક બની ગયા હતા.

લતા મંગેશકર અને આશા ભોસલેના જીવન હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. માત્ર બહેનો તરીકે નહીં, પરંતુ ભારતીય સંગીતના બે શ્રેષ્ઠ સ્વર તરીકે પણ. તેમના અવસાન પછી પણ તેમની વચ્ચેની આ સમાનતાઓ ચાહકોને ભાવુક બનાવી રહી છે.

બંનેએ એક પરિવારના સભ્યો હોવા છતાં એનાથી પણ આગળ જઈને ભારતીય સિનેમાના એક આખા યુગને પોતાના નામે કર્યો છે. લતા મંગેશકરનો જન્મ 1929માં અને આશા ભોસલેનો 1933માં થયો હતો. તેમના જન્મ વચ્ચે માત્ર ચાર વર્ષનું અંતર હતું. બંનેએ એક જ ઘરમાંથી પોતાની સફર શરૂ કરી, પરંતુ તેમના માર્ગો અનોખી રીતે આગળ વધ્યા હતા અને તેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. આમ છતાં આ બહેનોની જોડી અદ્ભુત રીતે જોડાયેલી હતી.

લતા મંગેશકરને ‘ભારતની બુલબુલ’ તરીકે ઓળખવામાં આવી હતી. બીજી તરફ આશા ભોસલે પોતાની કોઈ પણ પ્રકારના ગીત ગાઈ શકવાની તેમની આવડતને કારણે તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતથી લઈને કેબરે સુધીની વિવિધ શૈલીઓમાં ગીતો આપ્યા છે અને પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી.

ચાહકોને સૌથી વધુ આશ્ચર્ય એ બાબતનું થયું છે કે તેમની જીવનની અંતિમ ક્ષણોમાં પણ આશ્ચર્યજનક સમાનતા જોવા મળે છે. લતા મંગેશકરનું અવસાન 2022માં થયું હતું અને આશા ભોસલેનું 2026માં. જન્મની જેમ તેમના મૃત્યુ વચ્ચે પણ ચાર વર્ષનું અંતર છે. બંનેએ તેમના જીવનને ખૂબ જ સુંદર રીતે અને પૂરી રીતે જીવ્યું હતું અને ખાસ વાત એ છે કે બંનેએ 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે.

તેમની વચ્ચે એક વધુ રસપ્રદ અને ભાવનાત્મક સંયોગ એ છે કે બંને બહેનોનું અવસાન રવિવારે થયું છે. આ સંયોગને ઘણા ચાહકો ‘અલૌકિક’ અને ‘કાવ્યાત્મક’ ગણાવી રહ્યા છે, જે તેમની સંયુક્ત સફરને વધુ ગહન બનાવે છે.

સમાનતાઓ અહીં અટકતી નથી. લતા મંગેશકર અને આશા ભોસલે બંનેએ મુંબઈની Breach Candy Hospitalમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે આ સ્થળ ભારતીય સંગીતના એક યુગના અંત સાથે સંકળાયેલું બની ગયું છે. ઘણા પ્રશંસકો માટે આ એક પ્રતીકાત્મક જોડાણ છે. જાણે તેમની વાર્તાઓ, જે સાથે શરૂ થઈ, તે એક જ રીતે પૂર્ણ પણ થઈ.

આ તમામ સમાનતાઓ વચ્ચે, સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ શું છોડીને ગયા. બંને બહેનો મળીને દાયકાઓ સુધી ભારતીય સિનેમાનો અવાજ અને ઓળખ બનીને રહ્યા હતાં. તેમના અવાજે પ્રેમ, દુખ, આનંદ અને લાગણીઓના દરેક રંગને જીવંત બનાવ્યા હતાં. તેમના દરેક ગીતમાં એક ઇમોશન જોવા મળે છે, જેની સાથે ચાહકો ખૂબ જ સુંદર રીતે કનેક્ટ થઈ શકે છે.

ચાહકો આજે જ્યારે પાછળ વળીને જુએ છે, ત્યારે આ સંયોગ માત્ર તથ્ય નથી, પરંતુ એક એવા વારસાની યાદ અપાવે છે જેને ફરીથી બનાવવું લગભગ અશક્ય છે. બે બહેનો, બે દંતકથા સમાન જીવન, પરંતુ એક જેવી વિદાય રહી છે. તેમની સફર અલગ હતી, પરંતુ હંમેશા માટે એકબીજા સાથે જોડાયેલી રહી. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણા વચ્ચે નથી, તેમનું સંગીત તેમને હંમેશા જીવંત રાખશે.

Surat : સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આક્રોશ

0

સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપના ગઢ એવા અડાજણ વિસ્તારમાં અનોખો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપે ઉમેદવાર જાહેર કર્યા તેમાં અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી ગામલોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. આજે રાત્રે અડાજણ વિસ્તારમાં ગામના લોકો ભેગા થયા હતા અને કોઈ પણ પક્ષે ગામનો ઉમેદવાર આપ્યો નથી તેથી મતદાન નહી કરીએ તેવી વાત કરતા વાતાવરણ ગરમાયું હતું.

સુરત પાલિકાની ચૂંટણી માટે ગઈકાલે ભાજપની યાદી જાહેર થયા બાદ અનેક જગ્યાએ વિરોધ અને અન્યાયની વાત બહાર આવી રહી છે. આજે બપોરે ખોડીયાર માતાના મંદિર પાસે અડાજણ વિસ્તારના કેટલાક લોકો ભેગા થયાં હતા અને કોઈ પણ રાજકીય પક્ષે ગામના ઉમેદવાર આપ્યા નથી. આ વિસ્તાર હંમેશા ભાજપ સાથે રહ્યો છે તેમ છતાં ભાજપે પણ અડાજણ વિસ્તારના ઉમેદવારની બાદબાકી કરી છે તેવું કહીને ચૂંટણી બહિષ્કારની વાત કરી હતી.

આજે રાત્રીના મહિલાઓ સહિત 100થી વધુ લોકો અડાજણ વિસ્તારમાં ભેગા થયાં હતા અને ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોંગ્રેસ કે આપ કોઈપણ રાજકીય પક્ષે અડાજણ વિસ્તારનો ઉમેદવારની પસંદગી કરી નથી. રાજકીય પક્ષોએ ગામના ઉમેદવાર પસંદ કર્યો નથી તેથી આગામી ચૂંટણીમાં ઉમેદવાર નથી તો વોટ પણ નહીં મળે તેવું કહીને ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવા માટેની ચીમકી આપી છે. આજે સામુહિક વિરોધ થયા બાદ ભાજપ સહિત રાજકીય પક્ષો ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.

National : નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ

0

હરિયાણાના ગુરુગ્રામ બાદ હવે ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે. નોઈડાના ફેઝ-2 વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓએ રસ્તા પર ઉતરી આવી તોડફોડ અને આગજની કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને આસુ ગેસના ગોળા છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

મળતી વિગતો મુજબ, નોઈડા ફેઝ-2 માં સ્થિત ‘મધરસન’ (Motherson) કંપનીના કર્મચારીઓ પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા હતા. સોમવારે સવારે હજારોની સંખ્યામાં કર્મચારીઓ કંપનીના ગેટ પાસે એકઠા થયા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ લાગતું આ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીની આસપાસ પાર્ક કરેલા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાક વાહનોને આગને હવાલે કરી દીધા હતા.

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, પરંતુ હિંસક ભીડે પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને અને ટીયર ગેસના ગોળા છોડીને ભીડને પાછળ ધકેલી હતી. હાલમાં આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ કાબૂ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે.

Sports : મુંબઈ ઇન્ડિયન્સ માટે હિટમેને રચ્યો ઇતિહાસ, કોહલીના ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી

0

આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની મેચ ઐતિહાસિક બની રહી છે. મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની ફ્રેન્ચાઈઝી માટે 6 હજાર રનનો આંકડો પાર કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા 15 વર્ષ પૂર્ણ કરનાર રોહિતે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આ ટીમનો અસલી ‘કિંગ’ છે.

આઈપીએલ ઇતિહાસમાં એક જ ટીમ માટે 6 હજાર કે તેથી વધુ રન બનાવનાર રોહિત બીજો ખેલાડી છે. વિરાટ કોહલી 8840 રન સાથે પ્રથમ ક્રમે છે. રોહિતની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે મુંબઈને પોતાની કેપ્ટનશિપમાં 5 વખત ચેમ્પિયન પણ બનાવ્યું છે.

એક જ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન

વિરાટ કોહલી (RCB): 8840 રન

રોહિત શર્મા (MI): 6000 રન

એમએસ ધોની (CSK): 4865 રન

સુરેશ રૈના (CSK): 4687 રન

રનનો પહાડ અને આરસીબીની બેટિંગ

મેચની વાત કરીએ તો, આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 240 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. ફિલ સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન ફટકારી મુંબઈના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. વિરાટ કોહલીએ પણ 38 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 222 જ રન બનાવી શકી અને પરાજયનો સામનો કરવો પડ્યો. MI તરફથી સૂર્યકુમાર યાદવે 33, હાર્દિક પંડ્યાએ 40 રન ફટકાર્યા હતા.

Vadodara : તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું

0

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના વડોદરામાં બની છે, SRP ગ્રુપ-9માં તાલીમ લઈ રહેલા 27 વર્ષીય લોકરક્ષક જવાનનું છાતીમાં દુ:ખાવા બાદ મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી દીપકકુમાર બારીયા SRP ગ્રુપ-9માં ગત 15મી માર્ચથી લોકરક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તે સઘન તાલીમમાં વ્યસ્ત હતા. સવારનું ટ્રેનિંગ સત્ર પૂરું થયા બાદ તે અન્ય સાથી જવાનો સાથે કપડાં બદલવા અને ફ્રેશ થવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેને છાતીમાં તીવ્ર દુ:ખાવો ઉપડ્યો હતો.

દીપકકુમારે છાતીમાં દુ:ખાવાની જાણ સાથી જવાનોને કરી હતી. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક SRPની ડિસ્પેન્સરીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરને બતાવવા માટે કેસ કઢાવી રહ્યા હતા, આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યા હતા. હાજર ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બોટલ ચડાવ્યા બાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

પ્રાથમિક તબીબી તપાસમાં યુવાન જવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. માત્ર 27 વર્ષની ઉંમરે દેશસેવા માટે સજ્જ થઈ રહેલા આશાસ્પદ જવાનના નિધનને પગલે SRP કેમ્પસ સહિત તેમના વતન રાજપીપળામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. સાથી જવાનોએ પણ પોતાના મિત્રને ગુમાવતા ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

Vadodara: ડ્રાઈવરને ઝોકું આવ્યું ને ખાનગી કંપનીની બસ ધડાકાભેર શિવ મંદિરમાં ઘૂસી, મોટી જાનહાનિ ટળી

0

વડોદરાના સમા વિસ્તારમાં લક્ઝરી બસના ચાલકને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી શિવ મંદિરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ પૂનમ નગર પાસે આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસના ચાલકને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી રોડની સાઈડમાં આવેલા શિવ મંદિરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ બસ ખાનગી કંપનીના કર્મચારીઓને પીક-અપ કરીને ફેક્ટરી તરફ જઈ રહી હતી. સમા પૂનમ નગર પાસેથી પસાર થતી વખતે ડ્રાઈવરને અચાનક ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસે માર્ગ બદલી નાખ્યો હતો અને તે સીધી શિવ મંદિરના પરિસરમાં ઘૂસી ગઈ હતી. બસ મંદિરના શેડ સાથે અથડાતા જોરદાર અવાજ થયો હતો અને શેડને મોટું નુકસાન પહોંચ્યું હતું.

સૌભાગ્યવશ, અકસ્માત સમયે મંદિરમાં કોઈ ભક્તો હાજર નહોતા અને બસમાં સવાર કર્મચારીઓનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ શિવ મંદિરના સ્ટ્રક્ચર અને શેડને ખાસ્સું નુકસાન થયું છે. ઘટનાના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા.