Home Blog Page 169

Sports : ‘બસ બોલ જોઉં છું, બોલર નહીં…’, RCB સામે ધમાકેદાર બેટિંગ બાદ વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં

0

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારીને સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે.

વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી વખતે હું માત્ર બોલ પર જ ધ્યાન આપું છું”. આ મેચમાં તેણે હેઝલવુડને ખાસ નિશાને લીધો હતો અને સતત 4 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને મેચનો આખો રૂખ બદલી નાખ્યો હતો. તેની આ ઈનિંગને કારણે RCBના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.

નાની ઉંમરે મોટી સફળતા મળવા છતાં વૈભવ જમીન સાથે જોડાયેલો છે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય પિતા સંજીવ અને ટીમના સપોર્ટ સ્ટાફ રોમી ભીંડરને આપ્યો હતો. આ બંને તેને સતત યાદ અપાવતા રહે છે કે ક્રિકેટ એક લાંબી યાત્રા છે અને માત્ર રમત પર જ ફોકસ જાળવી રાખવું જોઈએ.

માત્ર 26 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હોવા છતાં વૈભવ સંપૂર્ણ સંતુષ્ટ નહોતો. તેણે સ્વીકાર્યું હતું કે 78 રને આઉટ થવું તેને ખટક્યું છે. તેનું માનવું છે કે જો તે અંત સુધી ટકી રહ્યો હોત, તો ટીમ માટે વધુ 20 રન જોડી શક્યો હોત, જે મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શક્યા હોત.

Gujarat : ધિણોજ સીટ પર ભાજપનો ‘દેશી’ અંદાજ,બળદગાડામાં સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા!

0

પાટણ જિલ્લામાં ધિણોજ જિલ્લા પંચાયત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આધુનિક ગાડીઓ છોડીને પરંપરાગત બળદગાડાની પસંદગી કરી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે પાટણ જિલ્લામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ધિણોજ જિલ્લા પંચાયત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આધુનિક ગાડીઓ છોડીને પરંપરાગત બળદગાડાની પસંદગી કરી હતી.

ભાજપના ઉમેદવારે ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ રિવાજોને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે બળદગાડામાં સવાર થઈને ફોર્મ ભરવા જવાનું નક્કી કર્યું હતું. આ અનોખી રેલી ચાણસ્મા હાઈવેથી મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી. રસ્તામાં આવતા લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ આ રેલીમાં જોડાયા હતા.

ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવારે જણાવ્યું હતું કે, જો તેઓ વિજેતા બનશે તો પાટણ જિલ્લાના અને ખાસ કરીને ધિણોજ વિસ્તારના બાકી રહી ગયેલા વિકાસના કામોને ‘ડબલ તાકાત’ થી વેગ આપશે. તેમણે મતદારોને ખાતરી આપી હતી કે ભાજપની સરકારમાં વિકાસની ગતિ અટકશે નહીં અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવશે.

Vadodara : વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી : ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ

0

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની વડોદરા પાલિકાની ચૂંટણી અંગે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈ કાલે સાંજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે મોડી રાત્રે પોતાની યાદી જાહેર કરતા બંને પક્ષના ઉમેદવારોમાં આજે સવારથી અનેરો ઉત્સાહ સહિત તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. આજે છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે શહેરની વિવિધ સરકારી કચેરીએ ભારે પડાપડી જોવા મળી હતી. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો સવારથી જ દોડધામ કરતા જોવા મળ્યા હતા.

ઉમેદવારી ફોર્મ ભરવા માટે જરૂરી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એફિડેવિટ, મિલ્કતની વિગતો તેમજ અન્ય દસ્તાવેજોને પૂર્ણ કરવા ઉમેદવારો છેલ્લી ઘડી સુધી પ્રયત્નશીલ રહ્યા હતા. ઘણા ઉમેદવારોને દસ્તાવેજોની નાની-મોટી ખામીઓ દૂર કરવા માટે ફરી ફરીને કચેરીઓમાં જવું પડ્યું હતું, જેના કારણે ઉમેદવારો અને તેમના કાર્યકરોમાં સતત ઉચાટ અને તનાવનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપના લગભગ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા જે તે વિસ્તારની કચેરીએ ઢોલ નગારા સહિત રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. પક્ષના ઝંડા, બેનરો અને નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારો સાથે કચેરી સુધી પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ઉમેદવારી સ્વીકારતી કચેરીઓની આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતા સામાન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

બીજી તરફ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાના પાલન અંગે ચૂંટણી પંચ પણ સતર્ક જોવા મળ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા આવતી રેલીઓમાં કોઈ પ્રકારનો ભંગ ન થાય તેની ખાતરી કરવા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારોને પણ નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી દિવસભર રાજકીય ગરમાવો રહ્યો હતો. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર માટેની હરીફાઈ વધુ તેજ બનશે અને કાલથી શહેરમાં રાજકીય ચહલપહલ આગામી દિવસોમાં વધુ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

World : મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત

0

મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઊર્જા, સંરક્ષણ અને વેપાર સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આક્રમક કૂટનીતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ વ્યૂહનીતિના ભાગરૂપે વિદેશ સચિવ વિક્રમ મિસરી રવિવારથી ફ્રાન્સ અને જર્મનીના ત્રણ દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે તેઓ યુરોપના આ બે શક્તિશાળી દેશો સાથે ભારતના હિતોને મજબૂત કરશે. આ તરફ, વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાલ અબુ ધાબી(UAE) પહોંચ્યા છે, જ્યાં તેઓ ઊર્જા અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે મહત્ત્વની ચર્ચા કરી રહ્યા છે.

ભારતની આ કૂટનીતિક દોડધામ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ છે અને ઈસ્લામાબાદમાં યુદ્ધવિરામ માટે બંને પક્ષોના પ્રતિનિધિઓ મંત્રણા કરી રહ્યા છે. વિક્રમ મિસરી અમેરિકામાં માર્કો રુબિયો અને ટ્રમ્પ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે ફ્રાન્સ અને જર્મનીના પ્રવાસનો મુખ્ય હેતુ મધ્ય પૂર્વના સંકટના કારણે ઊર્જા સુરક્ષા પર પડનારી સંભવિત અસરને ખાળવાનો છે. ભારત પોતાની તેલ અને ગેસની જરૂરિયાતો માટે મોટાભાગે મધ્ય પૂર્વ પર નિર્ભર છે, તેથી જો યુદ્ધ લાંબુ ખેંચાય તો મોંઘી ઓઇલ અને ઊર્જાની કિંમતો ભારતની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે.

ફ્રાન્સમાં વિદેશ સચિવ ભારત-ફ્રાન્સ વિદેશ કાર્યાલય પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. જેમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના વિઝન મુજબ સંરક્ષણ, પરમાણુ ઊર્જા, અંતરિક્ષ, સાયબર સુરક્ષા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. ત્યારબાદ જર્મનીમાં પણ વેપાર, રોકાણ, સંરક્ષણ અને ગ્રીન એનર્જી જેવા વિષયો પર ગહન ચર્ચા થશે. તાજેતરમાં જ જર્મન ચાન્સેલર અને ફ્રાન્સના પ્રમુખે ભારતની મુલાકાત લીધી હતી, જેના પગલે આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઉત્તમ તક પૂરી પાડશે.

ભારત માટે આ મિશન અત્યંત મહત્ત્વનું છે કારણ કે તેનાથી દેશની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત થશે અને નવા સંરક્ષણ કરારો તેમજ ટેકનિકલ ભાગીદારીને વેગ મળશે. વિદેશ મંત્રી જયશંકરનો UAE પ્રવાસ અને વિદેશ સચિવનો યુરોપ પ્રવાસ એ સ્પષ્ટ કરે છે કે ભારત વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે પણ પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે.

Entertainment : જામનગરના એરપોર્ટ પર વ્હીલરચમાં બેસેલ ક્રિકેટર ભીમા ખૂંટી સામે ઘૂંટણિયે બેઠો ધુરંધર, રણવીર સિંહ પર ચાહકો થયા ફિદા

0

ધુરંધર અભિનેતા રણવીર સિંહ ઘૂંટણિયે બેસી એક ક્રિકેટર સાથે વાતચીત કરી રહ્યો હતો. આ તસવીરો જામનગરના એરપોર્ટની છે. જયારે રણવીર સિંહ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી કરી મુંબઈ પરત ફરી રહ્યો છે. દરમિયાન જયારે રણવીર એરપોર્ટ પર પોતાની ટીમ સાથે જાય છે ત્યારે વ્હીલર પર બેસેલ એક ક્રિકેટર તેનું અભિવાદન કરી સ્વાગત કરે છે. રણવીર સિંહ ક્રિકેટર સાથે હાથ મિલાવી વાતચીત કરવા ઘૂંટણિયે બેસી જાય છે. એરપોર્ટ પરની આ અદ્ભૂત અવિસ્મરણીય ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. રણવીરની આ દરિયાદિલીની ચાહકો ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ 10 એપ્રિલના રોજ જામનગરમાં પોતાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. આ ભવ્ય સેલિબ્રેશનમાં બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓ ઉમટી પડ્યા હતા. 11 એપ્રિલની સવારે જ્યારે સેલિબ્રિટીઓ જામનગરથી મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. જેમાં રણવીર સિંહ ખૂબ જ નમ્રતાથી ક્રિકેટર સાથે વાતચીત કરે છે તે ફેન્સને ખૂબ પસંદ આવ્યું. યુઝર્સ લખી રહ્યા છે ધુરંધરે દિલ જીતી લીધું. વ્હીલચેર બેસેલ ક્રિકેટરનું નામ ભીમા ખૂંટી છે. રણવીર ઉપરાંત સલમાન ખાને પણ એરપોર્ટ પર આ ક્રિકેટર સાથે મુલાકાત કરી હતી.

વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટીએ ઇન્સ્ટાગ્રામ પર આ ખાસ મુલાકાતના વીડિયો શેર કર્યા છે. જામનગર એરપોર્ટ પર સલમાન ખાન અને રણવીર સિંહ બંનેએ ભીમા સાથે ખૂબ જ આત્મીયતાથી વાત કરી અને તેને ઓટોગ્રાફ પણ આપ્યા. રણવીર સિંહની નમ્રતા જોઈ ભીમા ભાવુક થઈ ગયા હતા. તેમણે રણવીર માટે લખ્યું, “સુપરસ્ટાર બનવું એક વાત છે, પરંતુ સાચા માણસ બનવું એ જ તમને સાચા સ્ટાર બનાવે છે. રણવીરની સાદગી અને આદરે મારું દિલ જીતી લીધું.”

અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ફરી એકવાર ગ્લેમર અને સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો હતો. રણવીર સિંહ અને સલમાન ખાન ઉપરાંત અનેક એ-લિસ્ટ સેલિબ્રિટીઝ આ પાર્ટીમાં હાજર રહી હતી. જોકે, એરપોર્ટ પર સર્જાયેલી આ માનવીય ક્ષણોએ લોકોના દિલ જીતી લીધા છે.

Surat : સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે

0

સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતમાં એક તરફ ઉમેદવારે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેમણે ફિનાઇલ પી લેતા નાસભાગ મચી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી તેમને સારવાર માટે ખસેડ્યાં હતા. જો કે તેઓ ફોર્મ કયા કારણે ભરી ન શક્યા તે મામલે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી.

આ ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ આ મામલે કોઇ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. કયા ટેક્નિકલ કારણથી તેઓ ફોર્મ ફરી શક્યા નહોતા તે અંગે પણ કોઇ સ્પષ્ટતા આવી નહોતી. જો કે તેઓ ફોર્મ નહી ભરી શક્યા બાદ આવું પગલું ઉઠાવતા આપના કાર્યકર્તાઓએ પણ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબુમાં લેવા પોલીસ દ્વારા પણ બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયં હતુ.

સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે ન ભરી શકવાની ભીતિએ આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

MadhyaPradesh : RTIમાં ચોંકાવનારો ખુલાસો, 14 મહીનામાં 149 દિપડાનાં મોત

0

માહિતી અધિકાર અધિનિયમ 2005 (RTI) હેઠળ મળેલી માહિતી મુજબ, જાન્યુઆરી 2025થી 14 મહિનામાં રાજ્યમાં 149 દિપડાઓના મૃત્યુ નોંધાયા છે. આંકડા મુજબ સૌથી વધુ 31% મોત માર્ગ અકસ્માતોમાં થયા છે, જેમાંથી 19 દિપડાઓ હાઈવે પર મૃત્યુ પામ્યા હતા.

RTI અરજદાર એક્ટિવિસ્ટ અજય દુબેએ જણાવ્યું કે આ આંકડા ગંભીર સ્થિતિ દર્શાવે છે, જ્યારે વન વિભાગે કહ્યું છે કે મોત ઘટાડવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. વિભાગ મુજબ 4% મૃત્યુ દર સ્વીકાર્ય મર્યાદામાં આવે છે.ફેબ્રુઆરી 2024માં જાહેર થયેલી ભારતમાં દિપડાની સ્થિતિ 2022 રિપોર્ટ અનુસાર, મધ્ય પ્રદેશમાં દેશની સૌથી વધુ દિપડાઓની વસ્તી છે, જે 3907 છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક આવે છે. 2018માં અહીં 3421 દિપડાઓની ગણતરી થઈ હતી.

RTIના જવાબ મુજબ 14 મહિનામાં થયેલા મૃત્યુના કારણો આ મુજબ છે:
31% માર્ગ અકસ્માત

24% વૃદ્ધાવસ્થા અને બીમારી

21% અંદરની લડાઇ અને સંઘર્ષ

14% શિકાર અથવા બદલો

8 દિપડાઓ વીજ કરંટથી મૃત્યુ પામ્યા

2 દિપડાઓ જાળમાં ફસાયા

આશરે 9% કેસમાં કારણ અજ્ઞાત

વન વિભાગના અધિકારી એલ. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે મૃત્યુ દર ઘટાડવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. દિપડાઓ નાના કદના અને સહેલાઈથી નજરમાં ન આવતાં હોવાથી તેઓ મોટા વિસ્તારમાં અને ઘણીવાર માનવીય વસાહતોની નજીક રહે છે.

મોતની સંખ્યા ઘટાડવા માટે વન વિભાગ દ્વારા રસ્તાઓ પર ચેતવણીના બોર્ડ, પ્રાણીઓ માટે સલામત પસાર માર્ગ અને નિયમિત પેટ્રોલિંગ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સાથે જ રસ્તા પાસે પાણીના સ્ત્રોત ન બનાવવા પણ સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે પ્રાણીઓ પાણી શોધતા રસ્તા તરફ આવે છે અને અકસ્માતનો ભોગ બને છે.

એક અન્ય અધિકારીએ જણાવ્યું કે આશરે 4000 દિપડાઓમાંથી 149 (લગભગ 4%)નું મૃત્યુ ‘કેટ ફેમિલી’માં સામાન્ય ગણાય છે, કારણ કે આ વર્ગમાં દર વર્ષે 10-20% નુકસાન સામાન્ય માનવામાં આવે છે.

World : ઈરાન- અમેરિકાની વાતચીત પહેલા સાઉદીના નાણામંત્રી કેમ પાકિસ્તાન પહોંચ્યા?

0

પાકિસ્તાન અત્યારે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની યજમાની કરી રહ્યું છે. આ દરમિયાન સાઉદી અરેબિયાના નાણામંત્રી પણ પાકિસ્તાનમાં છે. શુક્રવારે તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.

અમેરિકા અને ઈરાનનું હાઈ-લેવલ પ્રતિનિધિમંડળ શનિવારે શાંતિ મંત્રણા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યું હતું. તેના એક દિવસ પહેલા શુક્રવારે સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાન એ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને બંને દેશો વચ્ચેના સહયોગને મજબૂત બનાવવાની વાત થઈ.આ બેઠકમાં પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને વિદેશ મંત્રી ઇશાક ડારની સાથે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ ફીલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર પણ સામેલ થયા હતા. ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવના સંદર્ભમાં આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાન અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરી રહ્યું છે.

મુલાકાત દરમિયાન શરીફે કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને શુભેચ્છાઓ પાઠવી હતી અને પાકિસ્તાનને સાઉદી કિંગડમ તરફથી મળતા સતત સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે સાઉદી અરેબિયાની લાંબા સમયથી ચાલી આવતી આર્થિક અને નાણાકીય મદદના વખાણ કર્યા, જેણે પાકિસ્તાનની આર્થિક સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.શરીફે ફરી એકવાર કહ્યું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો અત્યંત ઊંડા અને લાંબા ગાળાના છે. તેમણે ભાર મૂક્યો કે પાકિસ્તાનની જનતા અને સરકાર હંમેશા સાઉદી કિંગડમ સાથે ‘ખભે ખભા મિલાવીને’ ઊભા રહ્યા છે.

મોહમ્મદ અલ-જદાન સાથેની મુલાકાત દરમિયાન શહબાઝ શરીફે ભાર આપ્યો કે પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે પોતાનો સહયોગ વધારતું રહેશે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને વેપાર, રોકાણ અને આર્થિક વિકાસમાં સાઉદી અરેબિયા સાથે ભાગીદારી વધારવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Ahmedabad : પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર ‘ઢોંસાકાંડ’માં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે ઘટના ફૂડ પોઈઝનિંગ લાગતી હતી, તે હવે ઘરના જ કોઈ સભ્ય દ્વારા કરાયેલું કૃત્ય હોવાની આશંકા પ્રબળ બની છે. ચાંદખેડા PI જયેશ મકવાણાના જણાવ્યા અનુસાર, પોલીસ હવે સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જો પરિવારની પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો પોલીસ કોર્ટની મંજૂરી લઈને પરિવારના ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવી શકે છે. જેથી સત્ય બહાર આવી શકે.

ચાંદખેડાના PI જયેશ મકવાણાએ જણાવ્યું છે કે, અમે અત્યારે પિતા અને દાદાને આરોપી માનીને ચાલી શકીએ નહીં, કારણ કે જ્યાં સુધી ગુનો કન્ફર્મ ના થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખી શકાય નહીં. અત્યારે ચાર લોકો શંકાના દાયરામાં છે, પણ એવું બની શકે કે ભવિષ્યમાં તપાસમાં એવું નીકળે કે આમાંથી કોઈ એક જ સંડોવાયેલું હોય અથવા પતિ-પત્ની બંનેએ મળીને આ કર્યું હોય, એટલે અમે બધી જ સંભાવનાઓ તપાસી રહ્યા છીએ. માતા અને પિતા બંનેના બ્લડ સેમ્પલમાં જે તત્વો મળ્યા છે તે એકસરખા જ છે, બસ કોણે કેટલું ખાધું એ મુજબ તેની માત્રામાં થોડો તફાવત છે. ચાર વર્ષની બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા હજુ વાર લાગશે કારણ કે તે લાંબી પ્રક્રિયા છે.

પરિવારને દીકરાની અપેક્ષા હતી તે અંગે પોલીસે કહ્યું છે કે, આ એક સામાન્ય બાબત છે અને તેના આધારે સીધો આક્ષેપ ના કરી શકાય કે એટલે જ આ બન્યું હશે. જોકે, તપાસમાં એવું આવ્યું છે કે વિમલની આર્થિક સ્થિતિ નબળી હતી; તેના બીજા ભાઈઓ ઓસ્ટ્રેલિયામાં સારું કમાય છે, જ્યારે વિમલને યુટ્યુબર કે મોડલ બનવું હતું પણ એમાં તેને સફળતા મળી નહોતી. અમે CDR (કોલ ડિટેઈલ) અને WhatsApp પણ ચેક કર્યા છે, પણ તેમાં સગા-સંબંધીઓ સાથેની સામાન્ય વાતો સિવાય કંઈ શંકાસ્પદ મળ્યું નથી.

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીઓના પિતા વિમલ અને માતા ભાવનાબેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Entertainment : બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી આ ફિલ્મ OTT પર રિલીઝ થતાં જ બની સુપરહીટ, નંબર 2 પર થઈ ટ્રેન્ડ

0

ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. જો કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય તો ક્યારેક દર્શકો તે ફિલ્મને OTT પર હિટમાં ફેરવી નાખે છે. આવી જ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ હતી અને ડેબ્યૂથી જ પ્લેટફોર્મ પર ભારે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ હાલમાં રોમેન્ટિક કેટેગરીમાં ટોપ 10ની લિસ્ટમાં બીજા ક્રમે ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મને દર્શકોએ OTT પ્લેટફોર્મ પર વધાવી લીધી છે.

આ ફિલ્મ છે ‘ઓ રોમિયો'(O’Romeo), જે OTT પર રિલીઝ થતાં જ સુપરહીટ બની ગઈ છે. ફિલ્મમાં શાહિદ કપૂરે મેઈન રોલ ભજવ્યો છે. તેની સાથે તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા અને દિશા પટણી પણ જોવા મળે છે. ‘ઓ રોમિયો’ ફિલ્મ રૂ.100 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર નફો કમાવવામાં નિષ્ફળ રહી હતી.

‘ઓ રોમિયો’ 1990ના દાયકાના મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત ‘ડાર્ક ક્રાઈમ રોમાંસ’ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ઉસ્તારા(શાહિદ કપૂર) પર કેન્દ્રિત છે, જે એક ક્રૂર હિટમેન છે જે અફશા(ત્રિપ્તિ ડિમરી)ના પ્રેમમાં છે. અફશા એક વિધવા છે, જે તેના પતિના મૃત્યુનો બદલો લેવા માગે છે. વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત અને એસ. હુસૈન ઝૈદીના પુસ્તક “માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ” પર આધારિત આ ફિલ્મ વિશ્વાસઘાત અને હિંસાથી ભરેલી તેમની સફરનું વર્ણન કરે છે. જેમાં પ્રેમ અને અસ્તિત્વ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી જાય છે.