Home Blog Page 292

Ahmedabad : ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ચેટિંગ કર્યા બાદ એક યુવકે પરિણીત મહિલાને લગ્ન કરવા દબાણ કરી હેરાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકે મહિલાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોનો ઓડિયો બદલી પોતાના અને અલગ અલગ એકાઉન્ટમાં અપલોડ કરીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ મહિલાને મળવા બોલાવી તેની સાથે હોટલમાં જઈ શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો અને ત્યારબાદ ફરીથી લગ્ન કરવા દબાણ કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાના મોબાઇલમાંથી સગા-સંબંધીઓના નંબર લઈને તેમને પણ વોટ્સએપ પર વીડિયો કોલ કરી ગાળો દીધી અને ધમકીઓ આપી હતી. લગ્ન માટે ના પાડતા આરોપીએ મહિલાને બદનામ કરી દેશે તેવી ધમકી આપતા અંતે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં રહેતી 30 વર્ષીય મહિલાએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં તે અમદાવાદમાં માતા-પિતા સાથે રહે છે અને નોકરી કરીને પોતાના બે નાના સંતાનોનું ભરણપોષણ કરે છે. તે અગાઉ સ્પામાં નોકરી કરતી હતી અને તેના કેટલાક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઓળખાણ થયેલા એક યુવકે લગ્ન માટે દબાણ કરી તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દોઢથી બે મહિના પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર રીક્વેસ્ટ આવી હતી. રીક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ વીડિયો કોલ દ્વારા પણ વાત થઈ હતી. યુવકે પોતાનું નામ રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર હોવાનું અને રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વાતચીતમાં મહિલાએ પોતાની પરિસ્થિતિ જણાવી હતી. ત્યારબાદ યુવકે મહિલાને પતિથી છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદ યુવકે મહિલાના ઇન્સ્ટાગ્રામ પર મુકેલા વીડિયોના ઓડિયો બદલી પોતાના અને અન્ય એકાઉન્ટ પર અપલોડ કરી દીધા હતા અને ધમકી આપી હતી કે, જો વાત નહીં કરે તો વીડિયો વાઈરલ કરી દેશે.

આ પછી યુવક મહિલાને મળવા માટે રાજકોટથી પાલડીમાં આવ્યો હતો અને વાતચીત દરમિયાન યુવકે મહિલાનો મોબાઈલ લઈ તેમાંથી સગા-સંબંધીના નંબર પણ લઈ લીધા હતા. ત્યારબાદ યુવક મહિલાને હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં એકબીજાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ યુવકે ફરીથી મહિલાને લગ્ન કરવા દબાણ કર્યું અને ના પાડતા મહિલાનો મોબાઈલ પોતાના પાસે રાખી લીધો હતો. આ પછી બીજા દિવસે મહિલા અને તેના બનેવી યુવકને મળવા લૉ ગાર્ડન ખાતે ગયા ત્યારે યુવકે ધમકી આપી કે જો મહિલા તેની સાથે લગ્ન નહીં કરું તો તેને બદનામ કરી દેશે. ત્યારબાદ યુવકે મહિલાના સગા-સંબંધીઓને વોટ્સએપ વીડિયો કોલ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાના સ્પાના વીડિયોનો ઓડિયો બદલીને મોકલ્યા હતા અને અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરતા પીડિ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Entertainment : ‘સત્તે પે સત્તા’ ફેમ અભિનેત્રી મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે નિધન: બોલિવૂડમાં શોકની લહેર

0

હિન્દી સિનેમાના સુવર્ણ યુગની જાણીતી અભિનેત્રી મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. 13મી માર્ચના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર સામે આવતા જ બોલિવૂડ જગતમાં શોકની લહેર ફરી વળી છે. 70 અને 80ના દાયકાની ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર મધુ મલ્હોત્રાએ પોતાની કારકિર્દીમાં લાંબી રહી હતી.

અહેવાલો અનુસાર, મધુ મલ્હોત્રાએ તેમની કારકિર્દી દરમિયાન 100થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. જોકે, તેમને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ ‘હીરો’ ના સદાબહાર ગીત “લંબી જુદાઈ”થી મળી હતી. આ ગીતે તેમને પ્રેક્ષકોના હૃદયમાં અમર કરી દીધા હતા. તેમણે મુખ્યત્ત્વે સહાયક અને ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કર્યું હતું, છતાં દરેક પાત્રમાં તેમણે પોતાની અલગ છાપ છોડી હતી.મધુ મલ્હોત્રાના અભિનયના સફરમાં અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમાંની મુખ્ય ફિલ્મો સત્તે પે સત્તા, કર્જ, રિશ્તા કાગજ કા, વિશ્વનાથ, કયામત જેવી ફિલ્મો રહી છે.

તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જ ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. સિનેમા જગતના લોકોએ તેમને એક નમ્ર અને પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે યાદ કર્યા છે. ભલે તેઓ પડદા પરથી લાંબા સમયથી દૂર હતા, પરંતુ તેમની ફિલ્મો અને ગીતો હંમેશા સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.

Navsari : અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી, કારચાલકે ઇજાગ્રસ્ત યુવકને મદદ કરવાને બદલે ફટકાર્યો

0

નવસારી શહેરના છાપરા રોડ પર રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વેગનઆર કારચાલકે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક રોડ પર પટકાયો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે મદદ કરવાને બદલે કારચાલકે યુવક સાથે મારામારી કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ થયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, છાપરા રોડ પરથી પસાર થઈ રહેલી વેગનઆર કારના ચાલક સાથે વળાંકમાં અચાનક મોપેડે ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. સદનસીબે, કારનું પાછળનું ટાયર યુવકના માથા પરથી પસાર થતા રહી ગયું હતું, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, પડવાને કારણે તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સામાન્ય રીતે અકસ્માત બાદ લોકો મદદ માટે દોડતા હોય છે, પરંતુ અહીં કારચાલકે ઉદ્ધતાઈની હદ વટાવી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવાને બદલે કારચાલકે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આટલું જ નહીં, યુવકનું પર્સ અને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

સમગ્ર અકસ્માત અને ત્યારબાદ થયેલી ઝપાઝપીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે વાયરલ વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Bharuch : ભરૂચમાં વ્યાજખોરોએ વેપારીને માર્યો માર, રૂપિયા ચૂકવ્યા છત્તા વેપારી પાસે વધુ રૂપિયા લેતો હોવાનો આક્ષેપ

0

ભરૂચમાં વ્યાજખોરોનો મારામારીનો વીડિયો વાયરલ વાયરલ થયો છે, જેમાં વેપારીની દુકાનમાં આવીને વ્યાજખોરોએ માર માર્યો હોવાની વાત સામે આવી છે. પોલીસમાં આ મામલે અરજી થઈ હોવાની વાત છે.

ભરૂચમાં વ્યાજખોરોએ વેપારીને માર માર્યો હોવાની વાત સામે આવી છે, હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અને પૈસાની ઉઘરાણીમાં વેપારી સાથે મારામારી થઈ છે, વેપારીનું કહેવું છે કે, વ્યાજખોરોએ 3 લાખ સામે 18 લાખ પડાવ્યા છે અને અજય શાહ વિરુદ્ધ પોલીસમાં અરજી કરાઈ છે.
ભરૂચમાં વ્યાજખોરોએ દુકાનમાં ઘુસી મારપીટ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે, રૂપિયાની ઉઘરાણી માટે વેપારી દિલીપ સુથારને ધમકી આપી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે, 3 લાખ સામે 18 લાખ વસુલ્યા હોવાનો આરોપ વ્યાજખોરો સામે કરવામાં આવ્યો છે, વેપારીએ વ્યાજખોર અજય શાહ સામે સી ડિવિઝન પોલીસમાં અરજી આપી છે અને પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે, વેપારીને વ્યાજખોરો અપશબ્દ પણ બોલ્યા હોવાની વાત સામે આવી છે.

Sports : ક્રિકેટર કુલદીપ યાદવ વંશિકા સાથે લગ્નના તાંતણે બંધાયો, પ્રથમ તસવીરો આવી સામે

0

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ આજે વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાયો, બંનેના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં કુલદીપ ક્રીમ કલરની શેરવાનીમાં અને વંશિકા લાલ રંગની સુંદર ચણિયા ચોળીમાં દેખાઈ છે. કુલદીપ અને વંશિકા ખૂબ જ નાના હતા ત્યારથી એકબીજાને ઓળખે છે. બાળપણની આ મિત્રતા સમય જતાં ગાઢ બની અને ધીમે ધીમે પ્રેમમાં પરિણમી આજે લગ્નના તાંતણે બંધાઈ બંનેએ ભવે ભવનો સંગાથ કેળવી લીધો છે

કુલદીપ અને વંશિકાના લગ્ન ઉત્તરાખંડના મસૂરીમાં આવેલી પ્રસિદ્ધ ‘ધ સવોય’ હોટલમાં સંપન્ન થયા. આ ખાસ પ્રસંગે નવવિવાહિત કપલને આશીર્વાદ આપવા માટે બાબા બાગેશ્વર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટ જગતની ઘણી જાણીતી હસ્તીઓ જેવી કે સુરેશ રૈના, મોહમ્મદ કૈફ, યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ, તિલક વર્મા, ફિલ્ડિંગ કોચ ટી દિલીપે પણ લગ્નમાં હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ્સ અનુસાર, જે મંડપમાં બંનેએ સાત ફેરા લીધા છે, તેને કોલકાતાના ખાસ સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કુલદીપ યાદવ પોતાની દુલ્હનને લેવા માટે ખાસ વિન્ટેજ કારમાં જાન લઈને પહોંચ્યો હતો. પોતાની જાનમાં કુલદીપ યાદવે ઉત્સાહિત થઈ ખૂબ ડાન્સ પણ કર્યો હતો.

મસૂરીની પ્રતિષ્ઠિત હોટલમાં ગત શુક્રવારે સવારે કુલદીપ યાદવના પીઠીની વિધિનું આયોજન કરાયું હતું. આજે 14 માર્ચે લગ્ન બાદ લખનઉની પ્રતિષ્ઠિત હોટલ સેન્ટ્રમમાં 17 માર્ચે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં ક્રિકેટ, રાજકારણ અને વેપાર જગતની અનેક મોટી હસ્તી સામેલ થવાની સંભાવના છે. કુલદીપે ચોથી જૂન-2025માં વંશિકા સાથે લખનઉમાં સગાઈ કરી હતી. કુલદીપ-વંશિકા એકબીજાને નાનપણથી જાણે છે. બંને મૂળ કાનપૂરના રહેવાસી છે. બંને વચ્ચે વર્ષો પહેલા મિત્રતા થઈ અને હવે આ સંબંધ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો છે.

Amreli : સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી ‘સ્માર્ટ હેલ્મેટ’, નહીં પહેરો તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય!

0

રાજ્યમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની વચ્ચે એક અમરેલી જિલ્લાની સરકારી શાળાના વિદ્યાર્થીએ અનોખું અને પ્રેરણાદાયી સોલ્યુશન રજૂ કર્યું છે. જિલ્લાના પીઠવડી ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો જેનીલ નામનો વિદ્યાર્થીએ ‘સ્માર્ટ હેલ્મેટ’ તૈયાર કર્યું છે, જે માર્ગ સલામતી માટે ઉપયોગી બની શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીના જણાવ્યાનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાઓ અને મોતની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી જેનીલે એવું સ્માર્ટ હેલ્મેટ તૈયાર કર્યું છે કે જો બાઈક ચાલક હેલ્મેટ ન પહેરે તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય.

આ સ્માર્ટ હેલ્મેટમાં સેન્સર આધારિત સિસ્ટમ લગાવવામાં આવી છે, જે હેલ્મેટ પહેરવામાં આવે ત્યારે જ બાઈકના ઈગ્નિશન સાથે જોડાય છે. ઉપરાંત, વિદ્યાર્થીએ પોતાના પ્રોજેક્ટમાં દારૂ પીને બાઈક ચલાવવાનું અટકાવવા માટે એલ્કોહોલ સેન્સર ઉમેરવાની કલ્પના પણ રજૂ કરી છે. જો ચાલક દારૂના નશામાં હોય તો બાઈક સ્ટાર્ટ નહીં થાય એવી વ્યવસ્થા કરવાની તેની યોજના છે. જો અકસ્માત થાય તો તરત જ 108 ઇમર્જન્સી સેવાને સીધો સંપર્ક થઈ શકે તેવી ટેક્નોલોજી ઉમેરવાનો વિચાર પણ વિદ્યાર્થીએ રજૂ કર્યો છે.

નાની ઉંમરે આટલું મોટું વિઝન ધરાવતા જેનીલનો આ પ્રોજેક્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ બાળ વૈજ્ઞાનિકની કોઠાસૂઝ અને ટેકનોલોજીના ઉપયોગના વખાણ કરી રહ્યા છે. જેનીલના મતે, જો આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે, તો અકસ્માતમાં થતા મૃત્યુના દરમાં મોટો ઘટાડો લાવી શકાય તેમ છે.

National : અબુ ધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ્સ કેન્સલ, મહાયુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

0

ઘણા દેશોએ પોતાના એર સ્પેસ (વાયુ ક્ષેત્ર) બંધ કર્યા છે અથવા પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે વૈશ્વિક ફ્લાઇટ શેડ્યૂલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. યુનાઇટેડ અરબ અમીરાતના એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉડાનો પર પણ મોટી અસર થઇ છે.15 માર્ચ 2026 માટે નક્કી કરાયેલી અનેક ‘એડ-હોક’ (ad-hoc) ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી છે, જેના કારણે ભારત અને UAE વચ્ચે મુસાફરી કરનારા સૈંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશોને કારણે તેને પોતાની ઉડાનો ઘટાડવી પડી છે. દિલ્હી-દુબઈ રૂટ પર હવે માત્ર એક રિટર્ન ફ્લાઇટ ચલાવવામાં આવશે, જ્યારે પાંચમાંથી ચાર નિર્ધારિત ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ માટેની છમાંથી પાંચ ઉડાનો પણ રદ્દ કરી દેવામાં આવી છે. હવે માત્ર એક દિલ્હી-દુબઈ રિટર્ન ફ્લાઇટ જ સંચાલિત થશે. બીજી તરફ Abu Dhabi માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.

જ્યારે Sharjah માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ દિલ્હી, કન્નુર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમ માટે ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી રહી છે. ઉપરાંત Ras Al Khaimah માટે કોઝિકોડ અને કોચી માટેની ઉડાનો ચાલુ રાખવાની તૈયારી છે.

કંપનીએ જણાવ્યું છે કે આ ફ્લાઇટ્સ પણ સ્લોટની ઉપલબ્ધતા અને ઓપરેશનલ પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે, જેથી અનાવશ્યક મુશ્કેલીથી બચી શકાય.મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યુનાઇટેડ અરબ અમીરાતના એરપોર્ટ સત્તાધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉડાનો પર પણ મોટો પ્રભાવ પડ્યો છે.

Ahmedabad : અમરાઈવાડીમાં નજીવી બાબતમાં યુવતીએ છરી બતાવી ધમકી આપી, વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં નજીવી બાબતમાં છરી બતાવી યુવતીએ દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં બેફામ વધી રહેલી ગુનાખોરી બાદ પણ પોલીસના સબ સલામત હોવાના દાવા સામે આવી રહ્યાં છે. જાહેરમાં હથિયારો લઈને હુમલો કરતાં અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ખૌફ રહ્યો નથી. લૂંટ અને હત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે હવે ગુનાખોરીમાં યુવતીઓ પણ સામેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં નજીવી બાબતમાં છરી બતાવી યુવતીએ દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવ્યાના કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યાં છે. જાહેરમાં થતી હત્યાઓના બનાવોથી લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ લુખ્ખાતત્વો પણ હથિયાર સાથે દાદાગીરી કરતા હોવાથી લોકો ભયભીત થયાં છે. પોલીસ વરઘોડા કાઢીને પણ આવા લોકોનું કંશું જ બગાડી શકતી નથી. પરંતુ હવે યુવતીઓ પણ ક્રાઈમ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

એક યુવતી હાથમાં છરી લઈને કોઈની સામે દાદાગીરી કરતી હોય તેવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નજીવી બાબતમાં છરી બતાવીને કોઈને ધમકાવી રહી હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Entertainment : આમિર ખાનએ પરિવાર સાથે સાદગીથી ઉજવ્યો 61મો જન્મદિવસ, ગર્લફ્રેન્ડ ગૌરી પણ રહી હાજર

0

આમિર ખાને ગઈકાલે પોતાના ઘરે એક નાની પાર્ટી સાથે પોતાનો 61મો જન્મદિવસ ઉજવ્યો. પરિવાર સાથે કેક કાપતો તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને 14 માર્ચે મુંબઈ સ્થિત તેમના ઘરે એક સાદા સમારોહમાં તેમનો 61મો જન્મદિવસ ઉજવ્યો. તેમની સાથે તેમની પુત્રી આયરા અને પુત્ર આઝાદ, પરિવારના અન્ય ઘણા સભ્યો હતા, જેમણે કેક કાપીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આમિરની ગર્લફ્રેન્ડ ગૌરી પણ હાજર હતી, અને ક્રિકેટર ઇરફાન પઠાણ તેની પત્ની સાથે પાર્ટીમાં જોડાયા હતા. ઇરફાને ઇન્સ્ટાગ્રામ પર ઉજવણીનો એક વીડિયો શેર કર્યો.

આ સમારોહમાં આમિરની હાલની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ, તેની પહેલી પત્ની રીના દત્તા, તેની બીજી પત્ની કિરણ રાવ અને તેમના બાળકો જુનૈદ ખાન, આયરા ખાન અને આઝાદ રાવ ખાન હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં, આમિર ખાન તેમના જન્મદિવસની કેક કાપતા જોવા મળે છે જ્યારે લોકો તેમને તાળીઓ પાડી રહ્યા છે. ત્યારબાદ અભિનેતા કેકના પહેલા ટુકડા તેના પરિવારના સભ્યોને વહેંચે છે, પહેલા તેમના પુત્ર આઝાદને, પછી તેમની પુત્રી ઇરાને અને અંતે ગૌરી સ્પ્રેટને.

વીડિયો શેર કરતા, ઇરફાન પઠાણે અભિનેતા માટે જન્મદિવસની શુભેચ્છા પણ લખી અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઇરા ખાનના કાર્યની પ્રશંસા કરી. તેમણે વીડિયો શેર કરતા લખ્યું, જન્મદિવસની શુભકામનાઓ આમિર ભાઈ. ઇરા ખાનને અગાત્સુ ફાઉન્ડેશન દ્વારા આટલું પ્રભાવશાળી કાર્ય કરતા જોઈને ખૂબ આનંદ થયો, જે માનસિક સ્વાસ્થ્ય અને અન્ય ક્ષેત્રોમાં જાગૃતિ અને સમર્થન ફેલાવી રહી છે.

કેક કાપવાના સમય ઉપરાંત, સાંજના કેટલાક ટૂંકા વીડિયો પણ પાપારાઝી પેજ પર સામે આવ્યા. એક ક્લિપમાં આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ એકસાથે બહાર નીકળતા દેખાય છે. જ્યારે ફોટોગ્રાફર્સ તેમને પોઝ આપવા માટે વિનંતી કરે છે, ત્યારે તેઓ સ્મિત કરે છે અને ફોટા માટે થોભે છે. બીજા વીડિયોમાં રીના દત્તા અને જુનૈદ ખાન સમારંભ પછી સ્થળ છોડીને જતા દેખાય છે.

અભિનેતા વિકી કૌશલ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસોઝા સાથે પહોંચ્યા હતા, જ્યારે ફિલ્મ નિર્માતા રિતેશ સિધવાની પણ મહેમાનોમાં હતા. આમિર ખાન હાલમાં તેના આગામી પ્રોજેક્ટ પર કામમાં વ્યસ્ત છે. અભિનેતાના નજીકના સૂત્રો અનુસાર તે એક દિનના પોસ્ટ-પ્રોડક્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, જેમાં તેનો પુત્ર જુનૈદ ખાન અને અભિનેત્રી સાઈ પલ્લવી છે. સૂત્રએ સમજાવ્યું, આ વર્ષે આમિર ખાનનો 61મો જન્મદિવસ થોડો અલગ છે. તેનો જન્મદિવસ ઉજવવા છતાં, સુપરસ્ટાર એક દિનના પોસ્ટ-પ્રોડક્શન કાર્યમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. ફિલ્મ તેની રિલીઝ નજીક છે અને તે ફિલ્મના દરેક પાસાં પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે, જેના કારણે તેનું શેડ્યૂલ વ્યસ્ત રહ્યું છે.

Gujarat : ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું

0

અમરેલી જિલ્લામાં આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે રહેણાક મકાનોમાં દરોડા પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બાતમીના આધારે ઈંગોરાળા ગામના બે મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી દૂધ બનાવવાનું નેટવર્ક મળી આવ્યું હતું. ઘટનાસ્થળેથી 220 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળી આવ્યું હતું.

તંત્ર દ્વારા સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ દૂધના જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે દૂધ, પાવડર અને તેલના નમૂના લઈ વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ પાવડર અને તેલના મિશ્રણથી દૂધ બનાવીને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે ખાંભા પોલીસ મથક ખાતે હાલ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ રેકેટમાં સંડોવાયેલા શખસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રહેણાક મકાનોમાં ચાલતા આ ગોરખધંધાના પર્દાફાશથી પંથકમાં દૂધના અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.