Home Blog Page 369

World : શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! જિનીવા બેઠકમાં અમેરિકાની ઈરાન સામે 5 મોટી શરત

0

ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. હાલની પરિસ્થિતિને જોતા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. આ તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે ગુરુવારે પરમાણુ વાટાઘાટો માટે બેઠક થઈ હતી. તેહરાન પર કરાર કરવા પર સહમત થવા અથવા અમેરિકન લશ્કરી હુમલાનો સામનો કરવા માટે દબાણ છે. જિનીવામાં અમેરિકાએ ઈરાન સામે 5 મોટી શરતો રાખી છે. જેમાં ઈરાનને પોતાના ત્રણેય પરમાણુ પ્લાન્ટ (ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન)ને નષ્ટ કરવા સામેલ છે. આ ઉપરાંત અમેરિકાએ ઈરાન સામે તેમના તમામ સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપવાની શરત મૂકી છે.

ઓમાનની મધ્યસ્થી હેઠળ જિનીવામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે કે જો બંને દેશો વચ્ચે ન્યુક્લિયર ડીલ પર કોઈ સહમતિ ન સધાઈ તો ઈરાનને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ ઈરાન અમેરિકાની ઘણી શરતો સ્વીકારવા રાજી નથી.અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી છે કે તેણે પોતાના ત્રણેય પરમાણુ કેન્દ્રો (ફોર્ડો, નાતાન્ઝ અને ઈસ્ફહાન) નષ્ટ કરવા પડશે. આ ઉપરાંત પોતાના તમામ સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપવા પડશે.

ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકાની એક શરત એ પણ છે કે તેહરાનને યુરેનિયમ સંવર્ધન શૂન્ય અથવા ખૂબ જ નીચા સ્તર સુધી મર્યાદિત રાખવું પડશે. પરંતુ ઈરાન તેહરાન રિસર્ચ રિએક્ટર પોતાની પાસે રાખી શકે છે.

અમેરિકાનું કહેવું છે કે તે શરૂઆતમાં પ્રતિબંધોમાં ઓછામાં ઓછી ઢીલ આપવામાં આવશે. જો ઈરાન શરતો સ્વીકારે તો વધુ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ જો ડીલ ફાઈનલ ન થઈ તો અમેરિકા ઈરાન પર વધુ કડક પ્રતિબંધો લાદશે.

અમેરિકાએ સનસેટ ક્લોઝથી ઈનકાર કરી દીધો છે. તે કોઈપણ કરારની અવધિ પર કોઈ મર્યાદા નથી ઈચ્છતું. સનસેટ ક્લોઝ એ કોઈપણ ડિલમાં સામેલ એ શરત અથવા જોગવાઈ હોય છે જે જણાવે છે કે કાયદો હવે એક ચોક્કસ તારીખ પછી અસરકારક રહેશે નહીં, સિવાય કે તેને કાયદાકીય કાર્યવાહી દ્વારા લંબાવવામાં ન આવે.

યુરેનિયમ સંવર્ધન એ અમેરિકા અને ઈરાન વચ્ચેનો મુખ્ય મુદ્દો છે. અમેરિકાએ શરત મૂકી છે કે ઈરાને યુરેનિયમ સંવર્ધન બંધ કરવું પડશે. જોકે, ઈરાને અત્યાર સુધી આમ કરવાનો ઈનકાર કર્યો છે. 8 ફેબ્રુઆરીના રોજ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ યુરેનિયમ સંવર્ધન છોડવાની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું કે અમે અમેરિકાના યુદ્ધની ધમકીઓથી ડરતા નથી.

Amreli : દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણય

0

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કલોરાણા ગામ દારૂ અને દારૂડિયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. છેલ્લા એક જ મહિનામાં દારૂના કારણે ત્રણ આશાસ્પદ યુવાનોના અવસાન થતાં ગ્રામજનોમાં ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ડામવા માટે ગામના વડીલો, મહિલાઓ અને યુવાનોએ એકત્રિત થઈને ગામમાં ‘સંપૂર્ણ દારૂબંધી’નો મહત્ત્વનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી અનુસાર, કલોરાણા ગામમાં દારૂના લતના કારણે સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર છે. છેલ્લા એક મહિનામાં ત્રણ યુવાનોના મૃત્યુ થતાં હતા, જેના કારમે મહિલાઓ વિધવા થઈ રહી છે અને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હસતા-ખેલતા પરિવારો પાયમાલ થઈ રહ્યા હોવાથી ગ્રામજનોએ હવે ‘આર યા પાર’ની લડત શરૂ કરી છે.

ગામના ચોકમાં આવેલા બાપા સીતારામના ઓટા પાસે આખું ગામ એકઠું થયું હતું અને સર્વાનુમતે મહત્ત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં ગામમાં આજથી કોઈએ દારૂ પીવો નહીં અને કોઈએ દારૂ વેચવો નહીં. જો કોઈ બહારની વ્યક્તિ ગામમાં દારૂ વેચવા આવશે, તો તેની સામે ગ્રામજનો પોતે કડક કાર્યવાહી કરશે. વ્યસન ન છોડનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.

ગામની મહિલાઓએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું હતું કે, ઘરમાં પુરુષો કશું કામ કરતા નથી. મહિલાઓ પેટનો ખાડો પૂરવા અને બાળકોના ભવિષ્ય માટે દિવસભર મજૂરી કરે છે, પરંતુ દારૂની લત ધરાવતા પુરુષો મજૂરીના પૈસા પણ લૂંટી જાય છે. જો પૈસા ન આપે તો મારપીટ અને અત્યાચાર કરવામાં આવે છે, જેના કારણે ઘરકંકાસ ચરમસીમાએ પહોંચ્યો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ અમરેલી એસપી (SP) અને બાબરા પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસની ઢીલી કામગીરીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે. હવે જ્યારે આખું ગામ એક થયું છે, ત્યારે સરકાર અને પોલીસ પાસે આશા રાખવામાં આવી રહી છે કે કાયમી ધોરણે દારૂબંધીનો અમલ કરવામાં આવે.

Breaking News : કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા

0

કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી(NCS)ના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

અમેરિકન જીઓલોજિકલ સર્વે(USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ બંગાળના ટાકીથી 26 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું છે. આ ભૂકંપ જમીનથી માત્ર 9.8 કિમીની ઊંડાઈએ આવ્યો હોવાથી તેની અસર ખૂબ જ તીવ્રતાથી અનુભવાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકોએ જણાવ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર આટલા ભયાનક આંચકા અનુભવ્યા છે.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોલકાતા ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં પણ આ આંચકા અનુભવાયા હોવાના અહેવાલો છે. ભૂકંપ બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરક્ષાના કારણોસર લોકો લાંબો સમય સુધી ખુલ્લા મેદાનમાં ઉભેલા જોવા મળ્યા હતા.

National : દેશના સર્વોચ્ચ કમાન્ડરનું ‘પ્રચંડ’ પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ઈતિહાસ રચ્યો

0

ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(LCH) ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઈટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે ક્ષમતા ધરાવનાર તેઓ દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે.

સવારે લગભગ 9:15 વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. ત્યારબાદ, સવારે 10:15 વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-2026’ના સાક્ષી બનશે. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન પોતાની ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કરશે. આ ગૌરવશાળી પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

World : એમેઝોન, મેટા, ગૂગલે કર્મચારીઓ માટે એઆઈનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો

0

કેલિફોર્નિયા :વિશ્વની મોટી ટેક કંપનીઓ એઆઈ ટૂલ્સ બનાવવાની સાથે સાથે તેના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે. એમેઝોન, ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ કર્મચારીઓ નિયમિતરૂપે એઆઈનો કેટલો ઉપયોગ કરે છે તેની નજર રાખીને તેનો વધુ ઉપયોગ કરાવી રહી છે. આ કંપનીઓના કર્મચારીઓના પરફોર્મન્સ રિવ્યુ અને પ્રોડક્ટિવિટી મેટ્રિક્સમાં એઆઈનો ઉપયોગ મહત્ત્વનો બન્યો છે. કેટલીક કંપનીઓમાં પ્રમોશન અથવા નોકરી ચાલુ રાખવા માટે એઆઈનું જ્ઞાાન જરૂરી બન્યું છે.

જાણકારોના મતે, એઆઈ અપનાવતી કંપનીઓ જ લાંબા ગાળે ટકી શકશે. એમેઝોને એન્જિનિયર્સ માટે એઆઈ ટૂલ્સની ઉપયોગિતા માટેના ડેશબોર્ડ બનાવ્યા છે. ગૂગલે સોફ્ટવેર એન્જિનિયર્સના પરફોર્મન્સ રિવ્યૂમાં એઆઈના ઉપયોગનો સમાવેશ કર્યો છે. મેટાની નવી સિસ્ટમ એઆઈ દ્વારા લખાયેલા કોડની લાઈનો જેવી માહિતીઓ ટ્રેક કરશે. માઈક્રોસોફ્ટમાં કર્મચારીઓ તેમના વર્કફ્લોમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે કરે છે તે કહેવું ફરજિયાત બનાવાયું છે. સેલ્સફોર્સના વાર્ષિક ડેશબોર્ડમાં એઆઈ ફ્લુઅન્સી ટ્રેકર ઉમેરવામાં આવ્યું છે.

તાજેતરના સર્વેમાં ટેક સેક્ટરના લગભગ ૪૨ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે, તેમના મેનેજરો રોજિંદા કામમાં એઆઈનો ઉપયોગ કરવાની અપેક્ષા રાખે છે. આ આંકડો માત્ર આઠ મહિના પહેલા ૨૮ ટકા હતો. આઈટી સિવાયના સેક્ટર્સમાં ૩૫ ટકા કંપનીઓને એઆઈથી ફાયદો થયો હોવાનું સામે આવ્યું છે. એઆઈનો ઉપયોગ વધી રહ્યો હોવા છતાં ઘણા કર્મચારીઓને શંકા છે કે, એઆઈ ખરેખર સમય બચાવે છે કે નહીં. પરંતુ, તેમને નોકરીની ચિંતા હોવાથી એઆઈને અપનાવ્યું છે.

Mahesana : બેફામ દોડતા ડમ્પરે સ્કૂલ બસને મારી ટક્કર, બે બાળકો ઈજાગ્રસ્ત

0

મહેસાણામાં ગાંધીનગર લિંક રોડ પર બેફામ ડમ્પર ચાલકે સ્કૂલ બસને ટક્કર મારી છે. અકસ્માતમાં 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર આજે સવારના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે સ્કૂલના બાળકોથી ભરેલી બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, બસમાં સવાર બાળકો અને સ્ટાફમાં ફાળ પડી ગઈ હતી.

અનેક વિદ્યાર્થીઓ સવાર હતા. ડમ્પરની ટક્કરને કારણે બસમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત સુધારા પર હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગાંધીનગર લિંક રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ડમ્પરના નંબર મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad : અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

0

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સાયબર ઠગાઈની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSNL માંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધને બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી, ક્રેડિટ કાર્ડની પ્રોસેસના બહાને ઠગે તેમના ખાતામાંથી 2.38 લાખ રૂપિયા સેરવી લીધા છે. આ મામલે ભોગ બનનારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આંબાવાડીમાં રહેતા 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકે થોડા સમય પહેલા HSBC બેન્કના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી. ઠગોએ આ તકનો લાભ ઉઠાવી પ્રદીપભાઈનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025માં પ્રદીપભાઈ પર અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારે બેન્ક અધિકારી હોવાનો દાવો કરી તેમની પાસેથી પાનકાર્ડ અને પે-સ્લિપ ઇમેઇલ દ્વારા મંગાવી હતી. પાંચમી ડિસેમ્બર 2025ના રોજ ઠગે ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાના બહાને પ્રદીપભાઈને એક લિંક મોકલી વીડિયો કોલ કરાવ્યો હતો.

વીડિયો કોલ દરમિયાન ઠગે પ્રદીપભાઈને તેમનું જૂનું ‘AU સ્મોલ ફાઇનાન્સ બેંક’નું કાર્ડ બતાવવા કહ્યું હતું. તેણે જેવું કાર્ડ વીડિયો કોલ પર બતાવ્યું, તે સાથે જ ઠગે કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ પર OTP આવવા લાગ્યા હતા. જોતજોતામાં 1,10,217 અને પછી 1,27,980ના બે મોટા ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. કુલ 2,38,197 રૂપિયા કપાઈ જતાં પ્રદીપભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ પ્રદીપભાઈએ સેટેલાઇટ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી જે મોબાઈલ નંબર અને બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

Business : વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો

0

આજે કિંમતી ધાતુઓના બજારમાં ખળભળાટ મચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં માર્કેટ ખુલતાની સાથે જ મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલો ઉછાળો રોકાણકારો માટે આશ્ચર્યજનક રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના કારણે સોના-ચાંદીની કિંમતોમાં ફરી એકવાર તેજીનો દોર શરૂ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે.

ચાંદીના ભાવની વાત કરીએ તો, ગઈકાલે બજાર ₹2,67,953 પ્રતિ કિલોના ભાવે બંધ થયું હતું. જોકે, આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદી સીધી ₹2,77,500 ના ભાવે ઓપન થઈ હતી. આમ, ચાંદીમાં એક જ ઝાટકે ₹9,547 નો તોતિંગ વધારો ઝીંકાયો છે. આટલો મોટો ઉછાળો છેલ્લા ઘણા સમય બાદ જોવા મળ્યો છે, જે બજારની તેજીનો સંકેત આપી રહ્યો છે.

સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર મજબૂતી જોવા મળી છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં સોનું ₹1,59,709 (પ્રતિ 10 ગ્રામ) પર બંધ રહ્યું હતું. આજે બજાર ખુલતી વખતે સોનાનો ઓપન ભાવ ₹1,60,234 (તસવીર મુજબના હાઈ લેવલ પર) જોવા મળ્યો હતો. આમ, સોનાની કિંમતમાં પણ અંદાજે ₹525 નો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સોનું હવે ફરીથી ₹1.60 લાખની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.

સમાચાર લખતી વખતની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, બજાર ખુલ્યા બાદ સોના અને ચાંદીમાં આંશિક વધ-ઘટ ચાલુ છે. અત્યારે સોનું ₹1,60,180 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ગઈકાલ કરતા અંદાજે 0.29% નો વધારો દર્શાવે છે. જ્યારે ચાંદી અત્યારે ₹2,75,050 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલના બંધ ભાવથી હજુ પણ અંદાજે 2.65% ના ઉછાળા સાથે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

Entertainment : રશ્મિકા માટે વિજયના ભાઈ આનંદ દેવરકોંડાની હૃદયસ્પર્શી પોસ્ટ, ‘વાદીના’ તરીકે મને સૌથી સકારાત્મક અને દયાળુ વ્યક્તિ મળી

0

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ને બોલિવૂડથી લઈને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ સુધી દરેક માટે ખુશીઓ લાવી દીધી છે. 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં વિજય અને રશ્મિકાએ 2 વિધિ પ્રમાણે લગ્ન કર્યા. સાંજે રશ્મિકાએ લગ્નની તસવીર શેર કરતા ફેન્સમાં ખુશી ફેલાઈ. દરમિયાન વિજય દેવરકોંડાના ભાઈ આનંદ દેવરકોંડાએ એ પણ એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી. આ પોસ્ટ ખાસ રશ્મિકા માટે લખી હતી. તેમણે લખ્યું, ‘વાદીના’ તરીકે મને સૌથી સકારાત્મક અને દયાળુ વ્યક્તિ મળી. આનંદે શેર કરેલા પોસ્ટમાં લગ્ન બાદ રશ્મિકા અને વિજય સાથેનો પોતાનો ફોટો શેર કર્યો. આ ફોટામાં ત્રણેય ખુશીથી ઝળહળતા જોવા મળે છે.

આનંદ દેવરકોંડાએ પોતાની પોસ્ટમાં તેની ભાભી રશ્મિકાને ખુલ્લા હાથે આવકાર્યો છે. તેમણે લખ્યું કે ઘણી વખત એવા સમય હોત જ્યારે ચાહકો બૂમ પાડતા, ‘વાદીના, એલા ઉનારુ?’ અને મને ક્યારેય ખબર નહોતી કે કેવી પ્રતિક્રિયા આપવી. જણાવી દઈએ કે ‘વાદીના, એલા ઉનારુ?’ એટલે કે, ‘ભાભી, કેમ છો?’ “આજે મારા ભાઈના લગ્ન થયા છે, અને મને મારી ભાભી, વાદીનામાં ખૂબ જ સકારાત્મક અને દયાળુ વ્યક્તિ મળી છે. હું પ્રાર્થના કરું છું કે તેઓ બંને જીવનભર આમ જ હસતા રહે. તેઓ હંમેશા સાથે રહે, ખુશ રહે – એક સુંદર જીવન માટે.” આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે આનંદને વિજય અને રશ્મિકાના સંબંધો વિશે પહેલાથી જ ખબર હતી. તે બધું જ જાણતા હતા.

26 ફેબ્રુઆરી 2026, વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના પતિ-પત્ની બન્યા છે. આ લગ્ન આંધ્ર અને કોડાવ સંસ્કૃતિમાં યોજાયા હતા, જે આખા પરિવારે જોયા હતા. પીએમ મોદીથી લઈને તેના ફેન્સ અને બોલીવુડ સેલેબ્સે પણ બંનેને અભિનંદન આપ્યા. રશ્મિકા અને વિજયના લગ્નમાં હાજરી આપનાર કૃતિ સેનન અને કલ્યાણી પ્રિયદર્શિનીએ કપલને અભિનંદન આપતી ખાસ નોંધ લખી હતી. તો વિકી કૌશલે પણ ન્યુ મેરિડ કપલ માટે સ્પેશિયલ નોંધ લખી અભિનંદન આપ્યા. રશ્મિકા અને વિજયની પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઓએ ટિપ્પણી કરી હતી અને તેમને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા હતા. આયુષ્માન ખુરાના અને સામંથા રૂથ પ્રભુ સહિત અનેક સેલિબ્રિટીઓએ રશ્મિકા અને વિજયને અભિનંદન આપ્યા હતા.

National : ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી

0

ગુરુગ્રામમાં નેપાળી મૂળની એક યુવતી સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવાની શરમજનક ઘટના સામે આવી છે. પીડિત યુવતી કુરુક્ષેત્રથી પોતાની એક બહેનપણીને મળવા માટે ગુરુગ્રામ પહોંચી હતી. જ્યાં ઓટોમાં સવાર ત્રણ યુવકોએ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી છે.

24 વર્ષીય પીડિતાએ ગુરુગ્રામ પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે 23 ફેબ્રુઆરીએ કુરુક્ષેત્રથી ગુરુગ્રામના અશોક વિહારમાં પોતાની એક મિત્રને મળવા આવી હતી. જોકે, તે જે મિત્રને મળવા આવી હતી તે ત્યાં મળી નહોતી. આનાથી તે ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી. માનસિક પરેશાનીના કારણે તેણે દારૂ પી લીધો અને પરત જવા માટે એક ઓટોમાં બેઠી હતી. તે ઓટોમાં ત્રણ યુવકો પહેલાથી જ બેઠેલા હતા.

યુવતીના જણાવ્યા અનુસાર, નશામાં હોવાના કારણે તે પોતાની હોશ ગુમાવી બેઠી હતી. તે એટલા નશામાં હતી કે, તેને કંઈપણ સ્પષ્ટ રીતે યાદ નથી. બીજા દિવસે જ્યારે તેનો નશો ઉતર્યો અને તે હોશમાં આવી, ત્યારે તે નાહરપુર રૂપા ચોકી વિસ્તારના એક અજાણ્યા ઓરડામાં હતી. પીડિતાએ આરોપ લગાવ્યો કે, ઓટોમાં સવાર તે ત્રણેય યુવકોએ તેને ઓરડામાં લઈ જઈને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતા 24 ફેબ્રુઆરીએ કોઈક રીતે ત્યાંથી નીકળીને સદર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે તાત્કાલિક FIR નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસે એક આરોપી, એટાના રહેવાસી મનીષ કુમારની ધરપકડ કરી લીધી છે.

આ ગુનામાં સામેલ અન્ય બે યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે અને પોલીસની ટીમો તેમની ધરપકડ કરવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસનો દાવો છે કે, અન્ય આરોપીઓને પણ ટૂંક સમયમાં જ પકડી લેવાશે. બીજી તરફ પોલીસ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે. જેથી તેનો તણાવ ઓછો થઈ શકે. તપાસ અધિકારીઓનો દાવો છે કે, આ મામલે કોઈને પણ છોડવામાં નહી આવે.