Home Blog Page 380

National : મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના

0

આસામના કછાર જિલ્લાના સિલચર શહેર પાસે પોતાના પુરુષ મિત્ર સાથે ફરવા આવેલી 28 વર્ષીય યુવતી પર સાત શખ્સોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું અને તેની પાસેથી બળજબરીથી પૈસા પણ પડાવ્યા હતા. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ 19 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના અંગે ફરિયાદ કરી હતી, જેના આધારે FIR નોંધવામાં આવી છે.

ઘટના અંગે મળતી વિગતો અનુસાર , પીડિતાએ બે વ્યક્તિઓની ઓળખ કરી હતી. જેમને પોલીસે ઝડપી લીધા છે. અન્ય પાંચ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, સાત અજાણ્યા પુરુષોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેને એક આરોપીના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવા મજબૂર કરી હતી.

શરૂઆતમાં આ મામલે મૌન સેવનારી પોલીસ ત્યારે હરકતમાં આવી જ્યારે મંગળવારે સિલચરના એક પત્રકાર પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો. પત્રકારે દાવો કર્યો કે, નેશનલ હાઈવે રોડ પોલીસ સ્ટેશન પાસે તેને રોકીને માર મારવામાં આવ્યો હતો. આરોપીના પરિવારે સવાલ કર્યો હતો કે, પત્રકારે આ ઘટનાના સમાચાર કેમ આપ્યા? આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર મામલો વાયરલ થયો હતો.

પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવતી સિલચર શહેરથી થોડા કિલોમીટર દૂર બાયપાસ રોડ પર તેના મિત્ર સાથે કારમાં હતી. ત્યારે જ એક SUVમાં સવાર થઈને કેટલાક લોકો આવ્યા અને તેમના પર હુમલો કર્યો. આરોપીઓએ તેના મિત્રની સામે જ એક પછી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવ (તૃણમૂલ કોંગ્રેસ) એ પણ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કછાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ મામલાને દબાવવાનો કોઈપણ પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં.

સિલચર સદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે:

કલમ 70(1): સામૂહિક દુષ્કર્મ

કલમ 308(5): જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી વસૂલવી

કલમ 310(2): લૂંટફાટ

કલમ 76: મહિલાના વસ્ત્રો ઉતારવાના ઈરાદે ફોજદારી બળનો પ્રયોગ

Gandhinagar : ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ

0

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના 40 વર્ષીય જગદેવ પાસવાનની લાશ આંબાવાડી ફાર્મ હાઉસમાં એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

ચોંકાવનારી બાબત એ છે કે મૃતકના હાથ પાછળના ભાગે લાલ કપડાથી બાંધેલા હતા, જેના પરથી પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે જગદેવને ગળેટુંપો આપીને મારી નાખ્યા બાદ પુરાવા મિટાવવા તેને લટકાવી દેવામાં આવ્યો હતો. મૃતક જગદેવ માત્ર એક દિવસ પહેલા જ મજૂરી કામ માટે ગાંધીનગર આવ્યો હતો અને સાઇટ પર તેના સંબંધીઓ સાથે રહેતો હતો.

24 ફેબ્રુઆરીની રાત્રે અજાણ્યા શખસો તેને લેબર કોલોનીમાંથી પાસેના ફાર્મમાં લઈ ગયા હોવાનું મનાય છે. સવારે અન્ય મજૂરોએ ઝાડ પર લટકતી લાશ જોઈને બૂમરાણ મચાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇન્ફોસિટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ વારંવાર લેબર કોલોનીની કેટલીક ઓરડીઓ પાસે જતી હોવાથી પોલીસને આસપાસના લોકો પર જ શંકા ગઈ છે. હાલમાં પોલીસે જગદેવના સગા-સંબંધીઓ અને તેની સાથે રહેતા અન્ય મજૂરો સહિત છથી વધુ શકમંદોની અટકાયત કરી પૂછતાછ શરૂ કરી છે. પત્નીના અવસાન બાદ રોજગારી માટે આવેલા જગદેવની હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Gujarat : વાહનચાલકો સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, નિયમ તોડવાની ભૂલ ના કરતાં

0

ગુજરાતમાં વધતા જતા માર્ગ અકસ્માતોની સંખ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આજથી એક વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષકના આદેશથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના તમામ શહેરો અને જિલ્લાઓમાં આજથી એટલે કે 25 ફેબ્રુઆરી 2026 થી 10 માર્ચ 2026 સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે.

પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે થતા આ અકસ્માતોને ડામવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ 15 દિવસની મેગા ડ્રાઈવનું આયોજન કરાયું છે.

આ 8 બાબતો પર રહેશે પોલીસની ખાસ નજર

ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસ નીચે મુજબના ટ્રાફિક ઉલ્લંઘનો સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલશે:

ડ્રંક એન્ડ ડ્રાઈવ: નશો કરીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી.

હેલ્મેટ: ટુ-વ્હીલર ચાલકો દ્વારા હેલ્મેટનો ઉપયોગ ન કરવો.

રોંગ સાઈડ ડ્રાઈવિંગ: ટ્રાફિકના નિયમો વિરુદ્ધ ખોટી દિશામાં વાહન ચલાવવું.

નંબર પ્લેટ: નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ અટકાવવો.

કાળા કાચ: મર્યાદા કરતા વધુ કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે કાર્યવાહી.

LED લાઈટ: વાહનોમાં ગેરકાયદેસર સફેદ LED લાઈટો લગાડવી.

પેસેન્જર કેપેસિટી: મુસાફરોની હેરફેર માટે પરમિટ કરતા વધુ પેસેન્જરો ભરવા.

ગેરકાયદે પાર્કિંગ: ધોરીમાર્ગો કે જાહેર રસ્તાઓ પર અનધિકૃત વાહન પાર્ક કરવા.

પોલીસ અધિકારીઓને દરરોજની કામગીરીની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરી 12 માર્ચ 2026 સુધીમાં ઈ-મેઈલ દ્વારા મોકલી આપવા પણ સૂચના આપવામાં આવી છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોલીસની આ કામગીરીમાં સહકાર આપે.

Entertainment : VIROSHના લગ્નમાં આવનારા મહેમાનોમાં સાઉથ અને બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ ઉમટશે

0

સાઉથ સિનેમાના સૌથી પોપ્યુલર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઝીલોના શહેર ઉદયપુરમાં શરૂ થઈ ગયું છે. લાંબા સમયની રાહ બાદ ચાહકોનું આ પ્રિય કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. આ દરમિયાન કપલને ચાહકોએ આપેલું નામ VIROSH સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વિજય અને રશ્મિકા પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે “ડેસ્ટિનેશન વેડિંગ” માટે રાજસ્થાન પહોંચી ચૂક્યા છે. અહીં ચાલી રહેલા ‘ઈન્ટીમેટ’ ફંક્શનની ઝલક પણ સામે આવી છે, જેમાં પૂલ સાઈડ મસ્તીથી લઈને આલીશાન જાપાનીઝ ડિનર સુધી બધું જ સામેલ છે. સામે આવી રહેલી માહિતી પ્રમાણે લગ્નમાં આવનારા મહેમાનોનું લિસ્ટ પણ ખૂબ સ્પેશિયલ રહેશે.

રશ્મિકાની આગામી ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ના ડાયરેક્ટર રાહુલ રવિન્દ્રન અને એક્ટ્રેસ આશિકા રંગનાથ પણ આ ખાસ લગ્નમાં ભાગ લેવા ઉદયપુર પહોંચ્યા છે. વિજય સાથે ફિલ્મ ‘પેલી ચુપુલુ’માં કામ કરી ચૂકેલા ડાયરેક્ટર તરુણ ભાસ્કર અને એક્ટ્રેસ ઈશા રેબ્બા પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત આ કપલની નજીકની મિત્ર અને સ્ટાઇલિસ્ટ શ્રવ્યા વર્મા પણ વેડિંગ વેન્યૂ પર નજર આવી. આ ઉપરાંત આ લગ્નમાં કબીર સિંહ અને એનિમલ જેવી ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, અલ્લુ અર્જુન, સલમાન ખાન, કરણ જોહર, વિકી કૌશલ, કૃતિ સેનન અને રણબીર કપૂર પણ આ લગ્નમાં સામેલ થઈ શકે તેવી માહિતી મળી રહી છે.

ચાહકો સોશિયલ મીડિયા પર સતત આ સેલેબ્સની એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. લગન્ના ઓફિશિયલ એલાન પહેલા જ હૈદરાબાદમાં વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી શણગારી દેવાયું હતું. મંગળવારે સવારે વિજય અને રશ્મિકા હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેઓ વિજયના ભાઈ આનંદ દેવરકોંડા અને કેટલાક બાળપણના મિત્રો સાથે ઉદયપુર જવા રવાના થયા હતા. આ સાથે જ સ્ટાર્સ પણ ઉદયપુર પહોંચવા લાગ્યા હતા. આ લગ્નને ઓક્ટોબર 2025માં કપલની સગાઈની જેમ જ ખૂબ પ્રાઈવેટ રાખવામાં આવ્યા છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ જાણીતા ચહેરાઓની હાજરીએ આ અવસરને વધુ ખાસ બનાવી દીધો છે.

ઉદયપુરમાં ચાલી રહેલા પ્રી-વેડિંગ ઈવેન્ટ્સને ખૂબ જ મોર્ડન અને રિલેક્સ્ડ રાખવામાં આવ્યું છે. દિવસની શરૂઆત એક એનર્જેટિક પૂલ પાર્ટી અને મજેદાર ગેમ્સ સાથે થઈ હતી, જ્યાં વિજય અને તેના મિત્રો બોન્ડિંગ કરતા દેખાયા હતા. બીજી તરફ સાંજે એક સુંદર અને પર્સનલાઈઝ્ડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો માટે ખાસ જાપાનીઝ ક્યુઝિન મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ફંક્શનની પ્રાઈવેસીનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે, આ લગ્નમાં માત્ર એ જ લોકોને આમંત્રણ આપવામા આવ્યું છે જે કપલની ખૂબ જ નજીક રહ્યા છે.

Health : શેરડીનો રસ કે નારિયેળ પાણી?, ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે શ્રેષ્ઠ શું? જાણો એક્સપર્ટ પાસેથી

0

ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ ઋતુમાં લોકો ડ્રિક્સ વધુ પીવે છે. જેમાં નારિયળ પાણી અને શેરડીનો રસ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબીત થઈ શકે છે. આજે તમને તેના ફાયદા વિશે જણાવીશું.

નાળિયેર પાણીને ઉનાળાનું ‘સુપર ડ્રિંક’ કહેવામાં આવે છે, પરંતુ તેની કિંમત વધુ હોવાને કારણે લોકો તેને પીવાનું ટાળે છે. તેની જગ્યાએ 10-20 રૂપિયાનો શેરડીનો રસ પીને શરીરને હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે વાત સાફ-સફાઈની આવે, ત્યારે શેરડીના રસથી અંતર રાખવું જ સારું છે. તેમ છતાં ભારતમાં મોટાભાગના લોકો ગરમીના કહેરથી બચવા માટે સસ્તા શેરડીના રસને જ પસંદ કરે છે. નિષ્ણાતોના મતે બંને પોતાની જગ્યાએ યોગ્ય છે, પરંતુ ઉનાળામાં કોને પીવું શ્રેષ્ઠ છે તેની મૂંઝવણ વારંવાર લોકોમાં રહે છે. જોકે બંનેનો સ્વાદ સારો છે, પરંતુ આ બાબતમાં શેરડીનો રસ બાજી મારી જાય છે.

અમે તમને શેરડીનો રસ અને નાળિયેર પાણીની સરખામણી કરીને જણાવવા જઈ રહ્યા છીએ કે, ઉનાળામાં કોને પીવું શ્રેષ્ઠ છે. સાથે જ જાણો કે આ બંનેનું સેવન કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

એક્સપર્ટ અનુસાર, આ બંને વસ્તુઓના પોતાના ફાયદા છે. શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે નારિયેળ પાણીમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવી રાખે છે. ડિહાઇડ્રેશનથી બચાવવા સિવાય તે શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.

શેરડીનો રસ હીટ સ્ટ્રોકથી બચાવવામાં પણ અસરકારક હોય છે અને ડિહાઇડ્રેશન અટકાવવા માટે એક ઉત્તમ ડ્રિંક છે. શેરડીનો રસ શરીરને ઠંડક આપે છે અને એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે ત્વચા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. તેને પીવાથી લીવર ડિટોક્સિફાઇ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

Skin Care : ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે મસુરની દાળથી તૈયાર કરો આ ફેસપેક !

0

દાળ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે. દાળ પોષક તત્વોથી સમૃદ્ધ છે. આની મદદથી તમે ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો.

મસૂર આપણા લંચ અને ડિનરનો મુખ્ય ખોરાક છે. દાળ પોષક તત્વોથી સમૃદ્ધ છે, તેથી તે આપણા માટે ખૂબ જ સ્વસ્થ છે. તે ત્વચાને સ્વસ્થ (Healthy) બનાવવામાં મદદ કરે છે. ત્વચાની સંભાળ માટે, દાળનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. તેનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ જેવી કે, ખીલ અને શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે. તમે ત્વચા (Skin)ની સંભાળ માટે દાળનો ઉપયોગ કરીને અનેક પ્રકારના ફેસ પેક બનાવી શકો છો.

મસૂરમાં છુપાયેલ છે સુંદરતાનું રહસ્ય: આયુર્વેદમાં, મસૂરને ત્વચા માટે સૌથી અસરકારક ક્લીન્ઝર માનવામાં આવે છે. તેને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સનું પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી નવી, ચમકતી ત્વચા દેખાય છે. નિયમિત ઉપયોગથી કરચલીઓ ઓછી થાય છે, પરંતુ તેમાં હઠીલા ટેનિંગ અને પિગમેન્ટેશનને પણ દૂર કરવાની શક્તિ છે.

ઘરે બનાવેલા 3 મસૂરના સ્ક્રબ: ઇન્સ્ટન્ટ બ્રાઇટનિંગ સ્ક્રબ: જો તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ હોય, તો 2 ચમચી મસૂરના પાવડરમાં 1 ચમચી મધ અને 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે જોશો કે આ ફેસ પેક તમારી શુષ્ક ત્વચાને નરમ બનાવશે.

ટેનિંગ રિમૂવલ પેક: તમે ઓઈલી સ્કિન માટે ટેનિંગ રિમૂવલ પેક તરીકે મસૂરનો ઉપયોગ કરી શકો છો. સનબર્ન ત્વચા માટે, 2 ચમચી મસૂર પાવડર, અડધી ચમચી લીંબુનો રસ અને થોડું ગુલાબજળ ભેળવીને પેક તૈયાર કરો. આ પેકને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે તે સુકાવા લાગે, ત્યારે તેને હળવા હાથે ઘસો. આનાથી ટેનિંગ અને વધારાનું તેલ દૂર થશે.

ડાઘ-ધબ્બા માટે એન્ટિ-એજિંગ સ્ક્રબ: મસૂર ફક્ત ચહેરાને ચમકાવતું નથી પણ ડાઘ-ધબ્બા પર પણ નોંધપાત્ર અસર કરે છે. જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા હોય, તો તમે મસૂરનો માસ્ક બનાવી શકો છો અને તેને તમારા ચહેરા પર લગાવી શકો છો. આ માટે, મસૂર પાવડરમાં એક ચપટી હળદર અને 1 ચમચી તાજું દહીં મિક્સ કરો. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ અને મસૂરની સ્ક્રબિંગ અસર ત્વચાને મજબૂત અને ડાઘ-ધબ્બારહિત બનાવે છે.

સ્ક્રબ લગાવવાની સાચી રીત: સૌપ્રથમ, સ્કિન પોર્સ ખોલવા માટે તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. સ્ક્રબને ઉપરની તરફ ગતિમાં લગાવો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ સ્ક્રબનો ઉપયોગ કરો. પેક ધોયા પછી, એલોવેરા જેલ અથવા હળવું મોઇશ્ચરાઇઝર લગાવો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Vadodara : બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત

0

બરોડા  ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનારી ચૂંટણી માટેની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.અંદાજે ૧હજાર જેટલી મંડળીઓએ નક્કી કરેલા પ્રતિનિધિ દ્વારા મતદાન કરાશે.

હાઇકોર્ટની દરમિયાનગિરી બાદ જિલ્લા કલેક્ટર હેઠળના ચૂંટણી અધિકારીએ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.જે મુજબ તા.૨૧થી ૨૬ ફેબુ્રઆરી સુધી ફોર્મ લેવામાં અને ભરવામાં આવનાર છે.

ચૂંટણી માટે અંદાજે ૫૦થી વધુ વ્યક્તિઓ દ્વારા ૧૨૭ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.જ્યારે,આજે પહેલીવાર ક્વાંટ એપીએમસીના ચેરમેન અને ડેરીના પૂર્વ ડિરેક્ટર સહિતના પાંચ ઉમેદવારોએ છોટાઉદેપુર અને વડોદરા ઝોનમાં ફોર્મ ભર્યા હતા.જે બંને ઝોન ગઇ ટર્મમાં બિનહરીફ જાહેર થયા હતા.આવતીકાલે તમામ ડિરેક્ટરો પણ ફોર્મ ભરનાર છે.ત્યારબાદ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરી મેન્ડેટ આપવામાં આવશે.

Junagadh : હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ

0

વિવાદાસ્પદ કીર્તિ પટેલને ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં પોલીસે હાજર થવા નોટિસ આપી હતી, જેમાં તેની બે કલાક પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન લઈ જામીન મુક્ત કરવામાં આવી છે. જ્યારે ખંડણી માંગવાના અને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાના ગુનામાં કીર્તિ પટેલની સાથીદાર દિવ્યા સાવલાણીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે કીર્તિ પટેલને પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં આવતીકાલે હાજર થવા ફરી નોટિસ આપવામાં આવી છે.


ચર્ચાસ્પદ બનેલા કીર્તિ પટેલના કેસમાં રોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેની પટેલ સામે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીના ગુનામાં કીર્તિ પટેલ, તેની સાથીદાર દિવ્યા સાવલાણી સહિતનાઓ પર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ગઈકાલે કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ આજે દિવ્યાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટ દ્વારા આવતીકાલે બપોરના ૪ વાગ્યા સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.

જ્યારે પ્રભાસ-પાટણના નિરાલી ખોડીયાર આશ્રમના મહંતે મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરવાથી ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ કરી હતી તે ગુનામાં ભવનાથ પોલીસ દ્વારા કીર્તિ પટેલને નોટિસ આપવામાં આવી હતી. આજે પોલીસે આ ગુનામાં તેનું નિવેદન લઈ તેને જામીન મુક્ત કરી છે. જ્યારે ફરીવાર આજે કીર્તિ પટેલને પોલીસે પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં હાજર થવા નોટિસ ફટકારી છે. આવતીકાલે ફરજ રૂકાવટના ગુનાના કામે જૂનાગઢ તાલુકા પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટના ગુનાની તપાસ ભવનાથ પીઆઈને બદલે એસપી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગગનીયાને સોંપવામાં આવી છે. જેથી કીર્તિ પટેલે ફરજ રૂકાવટના ગુનાના કામે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. આમ, ચર્ચાસ્પદ બનેલા કેસમાં રોજબરોજ તેણે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

Bollywood : રણવીરની પ્રલયમાં ભાગ્યશ્રી બોરસે બીજી હિરોઈન હશે

0

રણવીર સિંહની ઝોમ્બી એકશન ફિલ્મ ‘પ્રલય’માં ભાગ્યશ્રી બોરસેને સેકન્ડ હિરોઇન તરીકે લેવામાં આવી છે. ફિલ્મમાં એક હિરોઈન તરીકે કલ્યાણી પ્રિયદર્શનની પસંદગી અગાઉ જ થઈ ચૂકી છે. 

ભાગ્યશ્રીએ ૨૦૨૩માં આવેલી ‘યારિયાં ટુ’ ફિલ્મથી પોતાની  કારકિર્દી શરૂ કરી છે.  તેણે  કાર્તિક આર્યનની ‘ચંદૂ ચેમ્પિયન’માં પણ કામ કર્યું હતું. તેમજ સાઉથની ‘મિસ્ટર બચ્ચન’ ફિલ્મમાં રવિ તેજા સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  તે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. જોકે નિર્માતાઓએ આ  બાબતે કોઇ સતાતાવાર ઘોષણા કરી નથી.  રણવીર આ ફિલ્મમાં મુખ્ય અભિનેતાની સાથેસાથે પોતાના બેનર માં કસમ ફિલ્મસથી નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. 

આ ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરશ.  જય મહેતા અગાઉ ‘સ્કેમ’ વેબ સીરિઝનાં સહ દિગ્દર્શક રહી ચૂક્યા છે. 

Gandhinagar : બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ

0

ગ્રીન સિટી તરીકે ઓળખાતા પાટનગર ગાંધીનગરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે કોર્પોરેશન દ્વારા બાંધકામ સામગ્રીની હેરફેર કરતા વાહનો માટે મટીરીયલ ઢાંકેલું રાખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે એસ્ટેટ વિભાગ દ્વારા આજે આ જાહેરનામાનું પાલન કરાવવા ઓચિંતી તપાસ કરીને ૨૩ વાહનો પાસેથી ૨.૩૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર તેની હરિયાળી માટે જાણીતું હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી અહીં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાં ઉડતી ધૂળ અને રજકણોનું મુખ્ય કારણ બાંધકામ સાઇટ્સ અને ત્યાં થતી મટીરીયલની ખુલ્લી હેરફેર હોવાનું જણાતા મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડયું હતું. જે અંતર્ગત રેતી, કપચી, ઈંટો કે અન્ય કોઈ પણ બાંધકામ સામગ્રી જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે, ત્યારે તેને તાડપત્રી કે અન્ય રીતે વ્યવસ્થિત ઢાંકવી ફરજિયાત કરવામાં આવી હતી. શહેરના તમામ બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને ટ્રાન્સપોર્ટ એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તેઓએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો નિર્માણ કાર્ય દરમિયાન સાઇટ પર કે હેરફેર વખતે ધૂળ ઉડતી જણાશે અથવા મટીરીયલ ખુલ્લું હશે, તો સીધી જવાબદારી સંબંધિત એજન્સીની રહેશે અને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.

ત્યારે આ જાહેરનામાનું પાલન કરાવવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા ઉત્તર ઝોનના રાધેજા અને પેથાપુર, મધ્ય ઝોનના ધોળાકુવા તેમજ દક્ષિણ ઝોનમાં પીડીપીયુ રોડ ઉપર તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘણા વાહનચાલકો બાંધકામને સંલગ્ન સામગ્રીની હેરફેર ખુલ્લી રીતે કરી રહ્યા હતા, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતી હતી અને જાહેર આરોગ્ય જોખમાતું હતું. પર્યાવરણને નુકસાન પહોંચાડતા ૧૯ વાહન માલિકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જે વાહનોની ટ્રોલી પર ગ્રીન નેટ બાંધવામાં આવી ન હતી, તેવા ૨૩ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ કુલ ૨,૩૦ લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ એજન્સી કે વાહનચાલકને બક્ષવામાં આવશે નહીં તેવી કડક ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.