સુરતમાં રોકડ-સોનાના દાગીના નહીં પરંતુ બ્રાન્ડેડ બૂટ-ચપ્પલની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરે રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાંથી બે થેલા ભરાય એટલાં પગરખાં ચોર્યા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.મળતી માહિતી મુજબ, સુરતના રાંદેર નવયુગ કોલેજ પાસેની સોસાયટીમાં બે દિવસ પહેલા મોડી રાત્રે લૂંટના ઈરાદે આવેલા શખસે સોના-ચાંદીના દાગીના કે રોકડ નહીં પરંતુ મોંઘા પગરખાંની ચોરી કરી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળે છે કે, ચોર સોસાયટીમાં પ્રવેશ કરીને ઘરોની બહાર રહેલા શૂ-કેસમાંથી મોંઘા પસંદગીના બૂટ-ચપ્પણની ચોરી કરી હતી. જેમાં જૂના અને સામાન્ય દેખાતા પગરખાં ચોર છોડી દેતો હતો. થોડી વારમાં બે કોથળા ભરાય તેટલાં પગરખાં ચોરીને ચોર ત્યાંથી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રહીશોએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


