E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratSuratSurat : ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા...

Surat : ધુળેટીના રંગ બાદ ‘સ્નેહની પંગત’ : સુરતમાં સદી જૂની પરંપરા આજે પણ જીવંત, અનેક શેરીઓમાં રંગ પાંચમ સુધી સમૂહ ભોજનનું આયોજન

સુરતમાં થોડા દિવસ પહેલાં ધુળેટીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી-ધુળેટીના રંગોની મસ્તી પછી શહેરના કોટ વિસ્તારમાં વર્ષોથી ચાલતી અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. ધુળેટીના બીજા દિવસથી લઈને રંગ પાંચમ સુધી અનેક શેરીઓમાં દરરોજ સાંજે સમૂહ ભોજનનું આયોજન થાય છે. છેલ્લા સદીથી વધુ સમયથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત રહી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપી રહી છે. જોકે, પહેલી વાર ધુળેટીના બીજા દિવસના બદલે થોડા દિવસ પછી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કોટ વિસ્તારની મહિધરપુરા, રામપુરા સહિત અનેક શેરીઓમાં ધુળેટી બાદ દસેક દિવસ સુધી સામૂહિક ભોજન યોજાય છે. આ પંગતમાં ગરીબ હોય કે સંપન્ન–તમામ લોકો એક સાથે બેસીને ભોજન લે છે. વડીલોએ શેરીમાં સામાજિક એકતા મજબૂત બને, પરસ્પર સ્નેહ વધે અને આર્થિક રીતે નબળા લોકો પણ તહેવારની ખુશીમાં જોડાઈ શકે તે હેતુથી શરૂ કરેલી આ પરંપરા આજે નવી પેઢી દ્વારા પણ જાળવી રાખવામાં આવી રહી છે.

સુરતના દુધારા શેરીમાં રહેતા ધર્મેશ જરીવાલા જણાવે છે કે, “અમારા વડવાઓ એ શરૂ કરેલી આ પરંપરા આજે પણ અમે યથાવત રાખી છે. સામાન્ય રીતે ધુળેટીના બીજા દિવસથી સમૂહ ભોજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે રસોઈ બનાવતા રસોયા બહાર હોવાથી મંગળવારથી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ધુળેટીની ઉજવણી તો સૌ સાથે ભેગા થઈ કરીએ છીએ, ત્યારબાદ દસ દિવસ સુધી શેરીના ગરીબ અને સંપન્ન તમામ લોકો સાથે બેસીને ભોજન લે છે. અમારા દાદા-પિતાએ જાળવી રાખેલી આ પરંપરા અમે પણ આગળ વધારી રહ્યા છીએ.”

કોટ વિસ્તારમાં રહેતા હેમંત ટોપીવાળા કહે છે કે, “સુરતનો કોટ વિસ્તાર અનેક ઐતિહાસિક પરંપરા માટે જાણીતો છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ માટે ધુળેટી પણ ખાસ તહેવાર છે. કોટ વિસ્તારમાં વિવિધ વર્ગના લોકો રહે છે, તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન રહે અને સામાજિક એકરસતા જળવાઈ રહે તે માટે વડીલોએ અનેક પ્રયાસો કર્યા છે. તેમાંથી એક મહત્વપૂર્ણ પરંપરા ધુળેટી પછીના દસ દિવસ સુધી સમૂહ ભોજન યોજવાની છે. જેના કારણે આજે પણ ધુળેટી પછી કોટ વિસ્તારમાં રંગોની મસ્તી સાથે ‘સ્નેહની પંગત’ જોવા મળે છે.”

વર્ષો પહેલાં આ સામૂહિક ભોજનમાં માત્ર પરંપરાગત દેશી વાનગીઓ જ પીરસાતી હતી. દાળ-ભાત, શાક-પુરી, સાથે મોહનથાળ, લાડવા અથવા અન્ય મીઠાઈ જેવી સાદી અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થતો હતો. પરંતુ સમયની સાથે ભોજનમાં નવી પેઢીના સ્વાદને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ નાસ્તા અને ફાસ્ટફૂડ પણ ભોજનનો ભાગ બની રહ્યા છે. બટાકા વડા, ફ્રૂટ સલાડ, રસપુરી, પાતરા-ઈડડા, પિત્ઝા, ઇડલી-સંભાર, ખીચડી-કઢી, રવૈયા, પાસ્તા, પાણીપુરી-દહીં વડા તેમજ ઢોસા જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને ભોજનમાં આવા વિકલ્પ ઉમેરવામાં આવ્યા છે.

સમય બદલાયો, વાનગીઓ બદલાઈ, પરંતુ શેરીના લોકોમાં રહેલા સમૂહભાવ અને પરંપરા પ્રત્યેનો લગાવ યથાવત રહ્યો છે. સામુહિક ભોજન દ્વારા લોકો વચ્ચે પ્રેમ, એકતા અને આપસી લાગણી વધુ ગાઢ બને છે. તેથી જ સુરતના કોટ વિસ્તારમાં સદી જૂની આ અનોખી પરંપરા આજે પણ ઉત્સાહભેર જીવંત રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments