સુરતની SVNIT કેમ્પસમાં આયોજિત ડાન્સિંગ નાઇટ દરમિયાન ભયાનક મારામારીની ઘટના સામે આવી છે. આનંદ-પ્રમોદ માટે આયોજિત આ કાર્યક્રમમાં અચાનક વિવાદ સર્જાતા મામલો બિચક્યો હતો.
સુરતની SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) કેમ્પસમાં આયોજિત ડાન્સિંગ નાઇટ દરમિયાન ભયાનક મારામારીની ઘટના સામે આવી છે. આનંદ-પ્રમોદ માટે આયોજિત આ કાર્યક્રમમાં અચાનક વિવાદ સર્જાતા મામલો બિચક્યો હતો. આરોપ છે કે મિકેનિકલ એન્જિનિયરિંગના કેટલાક જુનિયર વિદ્યાર્થીઓએ મળીને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના એક સિનિયર વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાથમિક માહિતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મારામારીના વીડિયોમાં જોઈ શકાય છે કે જુનિયર વિદ્યાર્થીઓ અત્યંત આક્રમક મૂડમાં હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હુમલો કરનાર વિદ્યાર્થીઓ નશામાં ધૂત હતા અને તે હાલતમાં જ તેમણે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર મામલે કોલેજના પ્રોફેસરોની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. આરોપ છે કે ઘટના સ્થળે હાજર જવાબદારોએ મામલો થાળે પાડવાને બદલે શંકાસ્પદ મૌન સેવ્યું હતું, જેને કારણે વિવાદ વધુ વકર્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક SVNIT કેમ્પસ ખાતે પહોંચી ગયો હતો. જોકે, પોલીસ પહોંચતા જ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસને પરત મોકલી દેવાઈ હોવાની પણ ચર્ચા છે. હાલમાં આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે કોલેજ પ્રશાસન અને પોલીસ દ્વારા કસૂરવાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


