થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક અને મહિલાના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પાલિકાના તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર આત્મહત્યાની કરુણ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે થરાદ મુખ્ય કેનાલના કિનારે બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન અને બંનેના ચંપલ મળી આવ્યા હતા. કેનાલ કિનારે પડેલી આ ચીજવસ્તુઓને જોઈ સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી અને તુરંત આ અંગેની જાણ થરાદ પોલીસ તેમજ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી થરાદ નગરપાલિકાના તરવૈયા અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. કેનાલના પાણીમાં કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ અંતે યુવક અને મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા ત્યારે દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બંનેના હાથ એકબીજા સાથે દોરડા કે કપડાથી બાંધેલી હાલતમાં હતા.
તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને મૃતદેહને કેનાલની બહાર કાઢ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી ઓળખ વિધિની પ્રક્રિયા હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ.


