અમેરિકા અને કેનેડા વચ્ચેની વેપાર મંત્રણા પડી ભાંગતા બંને વચ્ચેનો ૯૦૦ અબજ ડોલરનો વેપાર ભયમાં મૂકાયો છે. તેમા પણ અમેરિકાએ તો કેનેડાની ૨૦ અબજ ડોલરની નિકાસ પર શનિવારથી જ ૫૦ ટકા ટેરિફ અમલી બનાવી દીધો છે. તેની સામે કેનેડાએ પણ ટેરિફનો જવાબ વળતા ટેરિફથી આપવાની જાહેરાત કરી છે. કેનેડા આઠમી સપ્ટેમ્બરથી વળતો ટેરિફ નાખશે.
યાદ રહે કે મૂળભૂત રીતે તો બંને દેશો વચ્ચે ઐતિહાસિક મૈત્રી છે. તેમાં ટ્રમ્પનાં જક્કી વલણથી તે સંબંધો બગડયા છે.અમેરિકા કેનેડા વચ્ચેની વ્યાપાર મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિ જેમીસન ગ્રીરે આ જાહેરાત મધરાત પૂર્વે અચાનક બોલાવેલી પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ કેનેડાને તેને ત્યાં બીજા કોઈપણ નિકાસકાર દેશને આપી નથી તેવી સવલતો આપી હોવા છતાં પણ કેનેડાએ તેનું જક્કી વલણ છોડયું ન હતું. ટ્રમ્પ કેનેડાથી અમેરિકા આવતા જહાજોમાં દર વર્ષે પાંચ ટકા ટેક્સ લાદશે,તેમા હોકી સ્ટિક્સથી લઈને જીભ ચકાસતી લાકડાની પટ્ટી સુધીનો સમાવેશ થાય છે.
કેનેડાના વડાપ્રધાન, માર્ક કાર્નીયે તેનો વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે છેલ્લી મિનિટે અમેરિકાએ તેની શરતોમાં ફેરફાર સૂચવ્યો, જે તદ્દન ગેરવ્યાજબી છે. આર્થિક દ્રષ્ટિએ પણ અયોગ્ય છે. આ સાથે માર્ક કાર્નીએ અમેરિકા સાથે કોઈપણ સમજૂતી પરની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નો કર્યા હતા. તેમણે ઉમેર્યુ હતું કે કેનેડિયન સરકાર કેનેડિયન કારોબાર અને તેના કામદારોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.

કેનેડા અમેરિકામાં હૉકી સ્ટિક્સથી શરૂ કરી ટેન્ગ ડીપ્રેસર્સ સુધીની ચીજોની નિકાસ કરે છે. તે કુલ નિકાસની ઉપર અસર તો થશે જ. પરંતુ તેનો આર્થિક કરતાં રાજકીય ફટકો પણ ઘણો મોટો છે. તે યાદ રહે કે બંને દેશો વચ્ચે પારસ્પરિક વ્યાપાર તો ગત વર્ષે ૮૮૦ બિલિયન ડૉલર જેટલો માલ સામાન વેચાયો હતો ખરીદાયો હતો તેને ફટકો પડશે જ. કારણ કે કેનેડા પણ સામો ટેરિફ લગાડશે જ તે નિશ્ચિત છે. સાથે તેની રાજકીય અસર પણ ઘણી ઘેરી થવાની છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે કેનેડાએ ટ્રમ્પના સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓટો અને ઇમારતી લાકડાની નિકાસ પર રાહતની માંગ કરી હતી, જેનો ટ્રમ્પ તંત્રએ ઇન્કાર કર્યો હતો. હવે કાર્ની વળતા ટેરિફ લાગશે તો અમેરિકા-મેક્સિકો એને કેનેડાને જોડતો ત્રિપક્ષીય કરાર કરીને ઉત્તર અમેરિકાને મુક્ત વ્યાપાર ઝોન બનાવવાની જે ઝુંબેશ હતી તે ઠંડી પડી જશે.
આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પના આગમને પહેલા બંને દેશ વચ્ચે એટલા સારા સંબંધો હતા કે તેમની સરહદ પર કોઈ વાડ પણ નથી. સરહદી વિસ્તારોમાં બંને દેશના નાગરિકો એકબીજા સાથે મુક્તમને આવી જઈ શકતા હતા. આ રીતે બંને વચ્ચે સરહદી વેપાર પણ ફૂલેલોફાલેલો છે. કેનેડાથી રોજનો લગભગ બે અબજ ડોલરનો માલ અમેરિકામાં ઠલવાય છે. અમેરિકામાં આઠ લાખ કેનેડિયનો વસે છે. કેનેડાએ ગયા વર્ષે કરેલી કુલ નિકાસમાં ૭૨ ટકા નિકાસ અમેરિકામાં કરી હતી.
કેનેડિયન પ્રજા ટ્રમ્પના વલણથી અકળાઈ ગઈ છે. ટ્રમ્પનો ખાસ મિત્ર અને કેનેડામાં અમેરિકન રાજદૂત પીટ હોકસ્ટ્રાને પરત મોકલવા માટે ૨૧ જુલાઈથી શરૂ થયેલી સહી ઝુંબેશમાં લગભગ અઢી લાખ લોકો સહી કરી ચૂક્યા છે. કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું કે આ પ્રકારના બંને દેશો દ્વારા એકબીજા પર ટેરિફ લગાવવાથી ઉત્તર અમેરિકાની સ્પર્ધાત્મકતા જ ખતમ થઈ જશે. તેના ઉદ્યોગો માટે વૈશ્વિક બજારમાં ટકવું અઘરું થઈ જશે.


