બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ થયેલા સત્તા પલટા બાદ બાંગ્લાદેશ છોડીને ભારતની શરણમાં આવેલા વડા પ્રધાન શેખ હસીના ટૂંક જ સમયમાં મીડિયાની સામે આવી શકે છે. હવે બાંગ્લાદેશમાં સતત બદલી રહેલ સત્તાની કમાનની સ્થિતિ વચ્ચે પ્રથમ વખત એવું બનશે કે જ્યારે શેખ હસીના વર્ચ્યુલી મીડિયાને સંબોધિત કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેઓ બાંગ્લાદેશ પરત ફરવાને લઈને પણ તેની રણનીતિ અંગે વાત કરી શકે છે. જો કે થોડા દિવસ પહેલા જ શેખ હસીના એવું જાહેર કરી ચૂક્યા છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં બાંગ્લાદેશ પરત ફરી શકે છે.
મળતી વિગતો અનુસાર, આ કાર્યક્રમનું આયોજન દિલ્હી સ્થિત ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા દ્વારા કરવામાં આવશે. આગામી 5મી ઓગસ્ટના રોજ સાંજે 6:00 થી 7:30 વાગ્યા દરમિયાન યોજાનારા આ સંબોધનનું વિવિધ પ્લેટફોર્મ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

અહેવાલો અનુસાર, તેઓ આ કાર્યક્રમમાં કેટલીક મોટી જાહેરાતો કરે તેવી પણ પ્રબળ શક્યતા છે. નોંધનીય છે કે, શેખ હસીનાએ થોડા સમય પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ આ વર્ષના અંત સુધીમાં પોતાના દેશ બાંગ્લાદેશ પરત ફરી જશે. તેમના આ નિવેદન બાદ તેમનું આ સંબોધન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, શેખ હસીનાના સ્વદેશ પરત ફરવાના સંકેતો વચ્ચે કેન્દ્ર સરકારે એક સંસદીય સમિતિને મહત્વની જાણકારી આપી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતાવાળી વિદેશી બાબતોની સંસદીય સમિતિને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટ 2024થી હસીનાને ભારતીય ક્ષેત્રમાંથી કોઈપણ પ્રકારની રાજકીય ગતિવિધિઓ ચલાવવા માટે કોઈ મંચ કે સ્થાન આપવામાં આવ્યું નથી. લોકસભામાં 30 જૂનના રોજ રજૂ કરાયેલા ‘ભારત-બાંગ્લાદેશ સંબંધોનું ભવિષ્ય’ શીર્ષક વાળા અહેવાલ પર લેવાયેલા પગલાંના રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને એમ પણ જણાવ્યું છે કે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી હસીનાના પ્રત્યાર્પણની માંગ હાલમાં વિચારાધીન છે, અને ભારત સરકારના સક્ષમ અધિકારીઓ દ્વારા કાયદા અને પ્રક્રિયાઓ અનુસાર તેની તપાસ થઈ રહી છે. સમિતિએ નોંધ્યું હતું કે હસીનાને આશરો આપવાનો ભારતનો નિર્ણય ગંભીર સંકટનો સામનો કરી રહેલા લોકોને માનવીય ધોરણે આશરો આપવાની પરંપરાને દર્શાવે છે. સાથે જ સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે એ સિદ્ધાંતનું સંપૂર્ણ પાલન કર્યું છે કે તેની ભૂમિ પરથી અન્ય કોઈ દેશ વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં ન આવે.


