મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર હવે દુનિયાભરના ઊર્જા ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ઈરાનના ડ્રોન હુમલાને કારણે સાઉદી અરેબિયાને તેની અત્યંત મહત્ત્વની અરામકો ઓઈલ રિફાઈનરી હાલ પૂરતી બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી આ વિસ્તારના એનર્જી સેક્ટર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ દરમિયાન, વિશ્વના કુલ ઓઈલ સપ્લાયના 20% હિસ્સાનું વહન કરતી હોર્મુઝની સામુદ્રધુનીમાં(Strait of Hormuz) શિપિંગ અટકી પડતા ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડતોડ વધારો થયો છે. પરિણામે, વૈશ્વિક માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને બેરલ દીઠ 80 ડોલર સુધી પહોંચી ગઈ છે.

શનિવારે જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ હુમલાના વળતા પ્રહારમાં તેહરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર ઉપરાઉપરી હુમલા કર્યા છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાયાવિહોણા ગણાવીને તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સાઉદી સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમણે ઈરાન વિરૂદ્ધના કોઈ પણ ઓપરેશનમાં પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી, છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બિલકુલ સ્વીકાર્ય નથી.


