E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૧ લાખથી વધુ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને...

Gujarat : છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૧ લાખથી વધુ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અંદાજે રૂ. ૨,૪૦૦ કરોડની શિષ્યવૃત્તિ સહાય: આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ

‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરી સહિતના મહત્વપૂર્ણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સહાય

અનુસૂચિત જનજાતિ-STના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દીનું ઉત્તમ ઘડતર કરી શકે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા આ વિધાર્થીઓ માટે ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના’ કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધી છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૨૪૭૦.૫૭ કરોડની શિષ્યવૃત્તિ સહાયનો લાભ આપવામાં આવ્યો છે, તેમ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી સર્વે શ્રી રમેશ કટારા, શ્રી પી.સી.બરંડા અને ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન પોર્ટલ પર મળેલી અરજીઓ તેમજ અગાઉની પડતર અરજીઓ પૈકી ૧.૧૩ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને રૂ. ૪૬૦ કરોડની સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધા DBT મારફત જમા કરવામાં આવશે. આ શિષ્યવૃત્તિમાં ઉચ્ચ અભ્યાક્રમ હેઠળ મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરી, સ્નાતક કક્ષામાં આર્ટસ, કોમર્સ તથા સાયન્સ તેમજ શિક્ષણ કક્ષાના બી.એડ. અને એમ.એડ જેવા મહત્વપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના વિવિધ શૈક્ષણિક વિકાસ માટેની યોજનાઓનો સુપેરે અમલ કરવામાં આવી રહ્યો છે. ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એસ.એસ.સી પછીના ઉચ્ચ અભ્યાસ માટે ગૃપ–૧થી ૪માં વિભાજીત કર્યા મુજબના અભ્યાસક્રમો માટે દર માસે શિષ્યવૃત્તિ અને અભ્યાસક્રમ માટે નિયત કરેલ શિક્ષણ ફીની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ૭૫ ટકા અને રાજય સરકાર દ્વારા ૨૫ ટકા મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

શિક્ષણ એ આદિજાતિ સહિત તમામ સમુદાયના સામાજિક-આર્થિક ઉન્નતિનું સૌથી શક્તિશાળી સાધન છે. તેથી આવનારા સમયમાં પણ યોજનાને વધુ મજબૂત બનાવવા, વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અને શૈક્ષણિક ક્ષેત્રમાં સમાન તક ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત પ્રયાસશીલ રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Reporter : જીગર બારોટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments